વિશ્વભરમાં ભારતની સ્વીકાર્યતા વધી રહી છે અને આ માટે નરેન્દ્ર મોદી સરકારના સતત પ્રયાસો કારણભૂત બન્યા છે. તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૩મી ઈસ્ટ એશિયા સમિટ તથા આસિયાન દેશોની બેઠક, આસિયાન-ભારત બ્રેકફાસ્ટ સંમેલન અને આરસીઈપી સંમેલન સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા ૧૪ અને ૧૫ નવેમ્બરે સિંગાપોરની મુલાકાત લીધી હતી. પ્રાદેશિક શાંતિ, સલામતી અને સમૃદ્ધિના ધ્યેયોને આગળ વધારવાના સંકલ્પ સાથે ઈસ્ટ એશિયા સમિટનો આરંભ ૨૦૦૫માં થયા પછી ભારતે સતત ૧૩ વર્ષ અને વડા પ્રધાન મોદીએ પાંચમી વખત આ શિખર પરિષદમાં ભાગ લીધો છે. એનડીએ સરકાર સત્તામાં આવ્યા પછી પૂર્વીય દેશો સાથે સંબંધ અને સહકાર વધારવા માટે કટિબદ્ધ રહી છે. આસિયાન ગ્રૂપના ૧૦ સભ્યો (ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, સિંગાપોર, મલેશિયા, ફિલિપાઈન્સ, વિયેટનામ, મ્યાંમાર, કમ્બોડિયા, બ્રૂનેઈ અને લાઓસ) ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, ન્યૂ ઝીલેન્ડ, સાઉથ કોરિયા, રશિયા અને યુએસ પણ આ શિખર પરિષદમાં સામેલ થયા હતા. મોદીએ સાચું જ કહ્યું છે કે આસિયાન-ભારત તથા પૂર્વી એશિયા સંમેલનોમાં તેમની ભાગીદારી આસિયાન સમૂહના દેશો તથા વ્યાપક ભારત-પ્રશાંત ક્ષેત્ર સાથે સંબંધો મજબુત બનાવવાના ભારતના સતત સંકલ્પનું પ્રતીક છે.
ભારત વિશાળ સમુદ્રતટ ધરાવે છે તેને ધ્યાનમાં રાખીને જ વડા પ્રધાને આસિયાન-ભારત બ્રેકફાસ્ટ સમિટમાં વ્યૂહાત્મક ઈન્ડો-પાસિફિક વિસ્તારની સમૃદ્ધિ વધારવા દરિયાઈ સહકાર અને વેપારની કેન્દ્રીય ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો. આસિયાન દેશો સાથે સારા અને મજબૂત સંબંધો ભારતને લાભદાયી નીવડવા સાથે શાંતિ, સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિ ધરાવતાં વિશ્વના નિર્માણમાં ફાળો આપી રહ્યા છે તેમાં કોઈ શંકા નથી. વડા પ્રધાને વેપાર-વાણિજ્ય, ઈન્વેસ્ટમેન્ટ, સંરક્ષણ અને સુરક્ષા સહિતના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાના હેતુસર અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સ, જાપાનના વડા પ્રધાન શિન્ઝો એબે તેમજ સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને થાઈલેન્ડના વડાપ્રધાનો સાથે અલગ અલગ બેઠકો યોજી હતી.
મોદી સરકાર ભારતમાં ડિજિટલ પેમેન્ટની યોજનાને આગળ ધપાવવા કૃતનિશ્ચયી છે. વડા પ્રધાને સિંગાપોરમાં ફિનટેક (ફાઈનાન્સિયલ-ટેકનોલોજી) કંપનીઓના સૌથી મોટા કાર્યક્રમ (ફિનટેક ફેસ્ટિવલ)માં ૧૦૦ દેશોના ૪૦,૦૦૦થી વધુ પ્રતિનિધિઓને સંબોધન પણ કર્યું હતું. આ ફેસ્ટિવલનું મહત્ત્વ ભારત માટે વધી જાય છે કારણકે વડા પ્રધાને બેન્કિંગ ટેકનોલોજી પ્લેટફોર્મ ‘એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ એક્સચેન્જ’ (APIX)નું લોન્ચિંગ કર્યું હતું. હૈદરાબાદ, કોલંબો અને લંડનના સોફ્ટવેર નિષ્ણાતો દ્વારા ડિઝાઈન કરાયેલી ટેકનોલોજી અંતરિયાળ વિસ્તારોમાં બેન્કખાતાં નહિ ધરાવતા લોકો સુધી પહોંચવા માટે નાની બેન્કોને વિશેષ મદદરુપ બનશે. ભારત સહિત વિશ્વમાં બે બિલિયન લોકો બેન્ક એકાઉન્ટ્સ ધરાવતાં નથી તેમના સુધી પહોંચવા માટે આ પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. આના પરિણામે, આગામી દિવસોમાં લોકો માટે સ્માર્ટફોન્સના ઉપયોગથી ડિજિટલ બેન્કિંગનું મહત્ત્વ વધી જશે. ભારતીય કંપનીઓ વિશ્વની ફાઈનાન્સિયલ સંસ્થાઓ સાથે જોડાઈ શકશે. ફિનટેક ફેસ્ટિવલમાં આશિયાન બજારો, ફાઈનાન્સિયલ સમાવેશીતા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સહિતના વિષયો આવરી લેવાયા હતા. વડાપ્રધાન મોદીએ બંને દેશના યુવાનો નવીન પહેલોને પ્રદર્શિત કરી શકે તે માટે રચાયેલા પ્લેટફોર્મ ઈન્ડિયા-સિંગાપોર હેકાથોનની વિજેતા ટીમો સાથે મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા હતા. સિંગાપોરની નાનયાંગ ટેકનોલોજિકલ યુનિવર્સિટી અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન દ્વારા આયોજિત પ્લેટફોર્મમાં યુવાનો માનવતા સમક્ષની સમસ્યાઓ માટે પાયારુપ ઉપાયો શોધવા તત્પર રહે છે, જેનાથી ટેકનોલોજી, ઈનોવેશન અને યુવાશક્તિને ઉત્તેજન પ્રાપ્ત થાય છે.