યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વાણીવિલાસ ને વર્તનથી હાસ્યાસ્પદ બન્યા છે. યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા સંદર્ભે તેમની ટીપ્પણીએ વિવાદ સર્જ્યો છે. ટ્રમ્પે વડા પ્રધાન મોદી અંગે કહ્યું હતું કે, ‘હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કરું છું અને તેઓ વારંવાર અફઘાનિસ્તાનમાં તેમણે લાઈબ્રેરીનું નિર્માણ કર્યાનું કહે છે. ઠીક છે પરંતુ અમે આટલો ખર્ચ તો પાંચ કલાકમાં કરીએ છીએ ને ત્યાં લાઈબ્રેરી વાપરશે કોણ?’ વિશ્વના શક્તિશાળી દેશના પ્રમુખે મહત્ત્વના વેપારી ભાગીદાર અને અફઘાનિસ્તાનમાં ગાઢ સાથી ભારત વિશે કરેલી આવી ટીપ્પણીથી રાજદ્વારી નીરિક્ષકો પણ સ્તબ્ધ બની ગયા છે. લાગે છે ટ્રમ્પને ઈતિહાસનું વાંચન વધારવાની જરૂર છે.
ભારત અફઘાનિસ્તાનમાં લશ્કરી હસ્તક્ષેપમાં માનતું નથી. અફઘાનિસ્તાનમાં તેની મુખ્ય ભૂમિકા વિકાસમાં સહયોગીની જ છે અને તે દેશમાં પાંચમા ક્રમના સૌથી મોટા દાતા ભારતે અફઘાનિસ્તાનના નવનિર્માણ માટે ૩ બિલિયન ડોલરથી વધુ સહાયની કટિબદ્ધતા દર્શાવી છે. ભારતે કાબૂલમાં સંસદ ભવન, વીજ સ્ટેશન અને હોસ્પિટલ, હેરાતમાં સલમા બંધ, ઈરાન સુધી માલસામાનની હેરફેર માટે ડેલારામ-ઝારાંજને સાંકળતો ૨૧૮ કિ.મી. હાઇવે, કંદહારમાં સ્ટેડિયમ સહિત અનેક નિર્માણ કર્યાં છે. ઉપરાંત ૧૫૦૦ અફઘાન વિદ્યાર્થીને સ્કોલરશિપ અને વિવિધ ક્ષેત્રે ૩૫૦૦થી વધુ અફઘાનને તાલીમ આપી છે. ટ્રમ્પ સાથેની વાતચીતમાં મોદી લાઈબ્રેરી નિર્માણની જ વાત કરે તે કોણ માનશે? મોદીએ કેટલાક પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો જ હોય પણ ટ્રમ્પની જીભની લાઈબ્રેરી પર અટકી ગઇ છે.
અફઘાન યુદ્ધમાં સંડોવણી અમેરિકી અર્થતંત્રને નબળું પાડી રહી છે. ટ્રમ્પે સીરિયામાંથી અમેરિકી દળોને પાછા બોલાવવા જાહેરાત કરી છે અને હવે અફઘાનિસ્તાનમાંથી પણ બહાર નીકળવા માગે છે.
ટ્રમ્પે વાસ્તવમાં તેમના દેશની હાલત પર ધ્યાન આપવાની જરૂર છે. અમેરિકી સંસદે મેક્સિકો સરહદે દીવાલ બનાવવા ૫.૬ બિલિયન ડોલરનું ફંડ અટકાવ્યા પછી ટ્રમ્પ અને સંસદ વચ્ચે માથાકૂટ ઉગ્ર બની છે અને શટડાઉનની સ્થિતિ સર્જાઈ છે. આ સ્થિતિમાં ઈમર્જન્સી સિવાયના સરકારી કર્મચારીને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા છે. ૮ લાખ કર્મચારી બેકાર થયા છે. ટ્રમ્પને તેની પડી નથી અને દીવાલ બાંધવા મંજૂરી નહિ મળે તો રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવા ધમકી આપી છે. મેક્સિકો સરહદેથી ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને અમેરિકામાં પ્રવેશતા રોકવાનું પગલું દેશહિતમાં છે તે સાચું, પણ આ માટે દેશને બાનમાં લેવાનું યોગ્ય નથી. આમ ભારત કે તેના વડા પ્રધાન શું કરે છે તેના પર ટીપ્પણી કર્યા વિના ટ્રમ્પે પોતાનો દેશ સંભાળે તે સુયોગ્ય ગણાશે.