ગુજરાતના ૧૬મા મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી અને તેમના નાયબ નીતિનભાઇ પટેલ સહિત ૨૬ પ્રધાનોએ કાર્યભાર સંભાળી લીધો છે. ગુજરાતીમાં ઉક્તિ છે - ધાર્યું ધણીનું થાય. પરંતુ ભાજપમાં તો ધાર્યું અમિતભાઇ (શાહ)નું જ થાય છે. મુખ્ય પ્રધાનની પસંદગીથી માંડીને પ્રધાનોની પસંદગી અને તેમને ખાતાઓની ફાળવણીમાં પણ તેમનો બોલ ઝીલાયો છે. વિદાય લઇ રહેલા મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનો આગ્રહ હતો કે ગુજરાતનું સુકાન તો સિનિયર પ્રધાન નીતિનભાઇને સોંપાવું જોઇએ, વિજયભાઇને તો નહીં જ. અમિત શાહે તેમના વાંધાવચકાને કોરાણે મૂકીને વિજયભાઇને જ નેતૃત્વ સોંપ્યું. બહેનની ઇચ્છા- ઇરાદો ભલે કંઇ પણ હોય, અમિત શાહનું લક્ષ્ય સ્પષ્ટ છે - ૨૦૧૭ની ચૂંટણીઓમાં વિજય.
મુખ્ય પ્રધાન પદની રેસમાં નીતિનભાઇ સહિત પાંચેક નેતાઓ - સૌરભ દલાલ, ગણપતભાઇ વસાવા, પરષોત્તમ રૂપાલા વગેરે - હતા. તેમની સરખામણીએ સરકારી કામગીરીમાં ‘જુનિયર’ વિજયભાઇની વરણીથી ઘણાને આશ્ચર્ય થયું છે. વિજયભાઇ બહુ ઝડપથી મુખ્ય પ્રધાન પદે પહોંચ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી કારકિર્દી શરૂ થઇ, સંઘમાં કામ કર્યું, બાદમાં ભાજપના સંગઠનમાં સક્રિય થયા. રાજકોટમાં મેયર પદ પણ સંભાળ્યું. પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા ને આનંદીબહેન સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા. અને પહેલી ટર્મ પૂરી થાય તે પહેલાં તો મુખ્ય પ્રધાન બની ગયા છે.
વિજયભાઇ ‘વરિષ્ઠો’ને પાછળ રાખી મુખ્ય પ્રધાન તો બની ગયા છે, પણ તેમનો મારગ આસાન નથી. એ અધ્યક્ષ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ છે અને એ રીતે એમને સબળ ટેકો મળવાનો પણ ગુજરાતમાં એમની સામે એક નહીં, અનેક પડકારો છે. અને માથે વિધાનસભા ચૂંટણી તો ખરી જ. લક્ષ્યો પાર પાડવામાં તેમની આકરી કસોટી થવાની છે. જોકે તેમના સમર્થકોનું કહેવું છે કે વિજયભાઇને સરકારી અનુભવ ભલે ઓછો હોય, પણ સંગઠનમાં તેઓ ચાર દાયકાથી કામ કરી રહ્યા છે તે ન ભૂલવું જોઇએ. તેમની કોઠાસૂઝ અને શિસ્તબદ્ધ કાર્યપદ્ધતિ જ તેમને સફળતા અપાવશે.
પટેલ આંદોલનને ટાઢું પાડવામાં સરકારની નિષ્ફળતા બાદ પ્રદેશ અધ્યક્ષ તરીકેની એમની ભૂમિકા સરકારમાં વધુ સબળ બની હતી. તે સમયે જ તેમનું નામ આનંદીબહેનના વિકલ્પ તરીકે છાના ખૂણે ચર્ચાવા લાગ્યું હતું. હવે વાસ્તવમાં તેઓ આનંદીબહેનના અનુગામી બન્યા છે ત્યારે એમની પાસે સમય ઓછો છે. ૨૦૧૭ના અંતમાં ગુજરાતમાં ચૂંટણી થવાની છે ત્યારે એમની મુખ્ય પ્રધાન તરીકેની જવાબદારી વધી જાય છે. ગુજરાતને ફરી વિકાસ પથ પર દોડતું કરવા રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે જરૂરી છે. અને આ માટે પટેલોના રોષથી માંડીને દલિતોના આક્રોશને ટાઢો પાડવાનું કપરું કામ એમના ભાગે આવ્યું છે. પાટીદાર આંદોલનનું સૂરસૂરિયું થઇ જાય અને સમાજના તમામ વર્ગની વાહ વાહ મેળવી શકાય તેવા બેવડા ઇરાદે આનંદીબહેન સરકારે ૧૦ ટકા આર્થિક ધોરણે અનામતની જાહેરાત કરી હતી. હાઇ કોર્ટે આર્થિક ધોરણે અનામતના આ સરકારી નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને નકાર્યો છે.
ગુજરાતની વસ્તીમાં ૧૫ ટકા હિસ્સો ધરાવતા પાટીદારોનો રોષ ઠર્યો નહીં તો ભાજપ માટે ચૂંટણીમાં આકરા ચઢાણ હશે. આવો રોષ દલિતોમાં છે. ઉનામાં દલિતો પર ગુજારાયેલા અત્યાચારની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી. આમ આદમી પાર્ટી (‘આપ’)ના અરવિંદ કેજરીવાલથી માંડીને બહુજન સમાજ પાર્ટી (બસપા)નાં નેતા માયાવતી સુધીના નેતાઓ ઘટનાનો રાજકીય લાભ ઉઠાવવા ટાંપીને બેઠા છે. ‘આપ’ તો ગુજરાતની ચૂંટણીમાં પૂરા દમખમથી ઝૂકાવશે તેમ મનાય છે. કેટલાક સમયથી ‘આપ’ના પ્રાદેશિક નેતાઓમાં જોવા મળતો સળવળાટ અને બહુ ટૂંકા અરસામાં કેજરીવાલની બે-બે ગુજરાત મુલાકાતે ભાજપને ચિંતા કરાવી હોય તો નવાઇ નહીં. દેશભરમાં ચર્ચાના ચકડોળે ચઢેલો દલિત અત્યાચારનો મુદ્દો તો ભાજપને પંજાબ અને ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં પણ ભારે પડી શકે છે. આથી ગુજરાત સરકાર અને પક્ષના સંગઠને સંકલન સાધીને આ મુદ્દાને થાળે પાડ્યા વગર આરો નથી. એટલું જ નહીં, છેલ્લા કેટલાક સમયથી આનંદીબહેન સરકાર સામે ભ્રષ્ટાચારના મુદ્દે આંગળી ચીંધામણ થઇ રહ્યું હતું. સરકારની આ ખરડાયેલી છબીને સુધારવાનો પડકાર પણ તેમણે ઓળંગવાનો છે.
આ બધું તો કરવાનું જ છે, સાથોસાથ આવતા વર્ષે વાયબ્રન્ટ સમિટ પણ રંગેચંગે પાર પાડવાની છે. નરેન્દ્ર મોદીએ તેમના શાસન વેળા ગુજરાતમાં મૂડીરોકાણ આકર્ષવા શરૂ કરેલી આ સમિટે આર્થિક ક્ષેત્રે નવો જ માર્ગ કંડાર્યો છે. પ્રારંભે આવી સમિટની સફળતા સામે શંકા ઉઠાવનારા રાજ્યો આજે ગુજરાતનો વિકાસ નિહાળીને એ જ તરાહ પર સમિટ યોજી રહ્યા છે તે આ વિચાર-આયોજનની સફળતા દર્શાવે છે. મોદી માટે આ સમિટ બહુ જ મહત્ત્વાકાંક્ષી યોજના રહી હતી અને આ જ કારણસર તેના આયોજનથી માંડીને અમલ સુધીની કામગીરી પર તેઓ વ્યક્તિગત નજર રાખતા હતા. હવે આ સમિટ સફળતાપૂર્વક પાર પાડવાનું કામ રૂપાણી-પટેલની જોડીને શિરે આવ્યું છે.
આમ વિજય રૂપાણી - નીતિન પટેલની જોડી સામે પડકારોનો પહાડ છે, અને અપેક્ષાઓની હારમાળા છે. સરકારની રચના વેળા આ પડકારો અને આગામી ચૂંટણીને નજરમાં રાખીને જ્ઞાતિ-જાતિ-પ્રદેશ સહિતના દરેક પાસાની સમતુલા જાળવવામાં આવી છે. હવે તેને સબળ અને સક્ષમ નેતૃત્વ પૂરું પાડવાનું છે વિજયભાઇ રૂપાણી અને તેમના નાયબ નીતિનભાઇ પટેલે. એમની પાસે અપેક્ષાઓ અનેક છે. અને અપેક્ષાઓ વધારે હોય છે ત્યારે એને પૂરી કરવાનો પડકાર વધુ વિરાટ હોય છે એ તેમણે ભૂલવું જોઇએ નહીં.