ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી તો મે- ૨૦૧૯માં યોજાવાની છે પરંતુ, તે અગાઉ કેન્દ્રની એનડીએ સરકાર માટે લિટમસ ટેસ્ટ સમાન પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓએ આગામી લોકસભા પરિણામો કેવાં હોઈ શકે તેની એક ઝલક દર્શાવી છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં ભારતીય જનતા પક્ષની સરકાર હતી, જેમાંથી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ ૧૫ વર્ષથી શાસન પર હતો. રાજસ્થાનમાં તો દર પાંચ વર્ષે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તાની લગભગ ફેરબદલીનો ટ્રેન્ડ રહ્યો છે તે આ વર્ષે પણ જોવા મળ્યો છે. વર્તમાન ચૂંટણીના પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે આ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટી બહુમતી સાથે સરકાર બનાવશે. પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) અને દક્ષિણના રાજ્ય તેલંગણામાં તેલંગણા રાષ્ટ્ર સમિતિ (TRS)ની બહુમત સરકારો રચાશે તે પણ નિશ્ચિત થયું છે. આમ, ભાજપએ ત્રણ રાજ્યમાં અને કોંગ્રેસે એક રાજ્યમાં સત્તા ગુમાવી છે. સામા પક્ષે તેલંગણામાં કે. ચંદ્રશેખર રાવના પક્ષ (TRS)ની સત્તા જળવાઈ રહી છે.
લોકશાહીમાં જનતાનો ચુકાદો સર્વોપરી રહે છે અને દરેક રાજકીય પક્ષને શિરોધાર્ય જ હોય. પ્રશ્ન હવે એ થવો જોઈએ કે ભાજપએ શા કારણોથી ત્રણ મહત્ત્વના રાજ્યોમાં સત્તા ગુમાવી છે. એવું પણ નથી કે એક્ઝિટ પોલ્સમાં જણાવ્યા અનુસાર ભાજપનો કરુણ રકાસ થયો છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં લડત સારી આપી છે પરંતુ, હાર આખરે હાર જ છે. રાજસ્થાનમાં વસુંધરા રાજેનાં અક્કડ વર્તન સામેનો વિરોધ પક્ષને નડી ગયો છે. મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહની કામગીરી સારી હોવાં છતાં પ્રજાએ પરિવર્તનને સમર્થન આપ્યું છે.
સફળતાની માતા થવાં દરેક દોડી આવે છે પરંતુ, હારનું ઠીકરું તો એક-બે મુખ્ય નેતાના માથે જ ઠોકાય છે. આ હિસાબે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહને આ પરાજયો માટે જવાબદાર ગણવામાં આવશે તે સ્વાભાવિક છે. વિરોધપક્ષો પણ આ જ સૂર વ્યક્ત કરશે. કોંગ્રેસ સહિતના પક્ષોએ નોટબંધી, પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ, અનામતની સમસ્યા, ખેડૂતો સાથે અન્યાય, બેરોજગારી અને રફાલ વિમાનની ખરીદીમાં કહેવાતા ભ્રષ્ટાચાર સહિતના મુદ્દા ચૂંટણીપ્રચારમાં આગળ ધર્યા હતા, જેનો સામનો કરવો ભાજપ માટે મુશ્કેલ રહ્યો હતો. મોદી અને શાહની બેલડીએ લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપમાં પણ આંતરિક વિખવાદનું શમન કરવા સાથે લોકરંજક નિર્ણયો લેવાં પડશે. વિદેશનીતિમાં ભારતે વિશ્વભરમાં વિજય અને નામના હાંસલ કર્યાં છે પરંતુ, તેનાથી મળતા લાભ લાંબા ગાળાના હોય છે. લોકોને રોજિંદુ જીવન સારી રીતે પસાર કરવા થોડા ટુંકા લાભ પણ જોઈતા જ હોય છે.
અત્યાર સુધી મોટા ભાગની ચૂંટણીઓમાં ભારે પરાજય વેઠતા આવેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ છેવટે સફળતા પ્રાપ્ત કરી છે. તેઓ પક્ષના અધ્યક્ષપદે સ્થાપિત થયા તેને એક વર્ષ થયું અને સફળતાની પાઘડી તેમને ધારણ કરવા મળી છે. રાહુલ ગાંધીએ પ્રચારસભાઓમાં કેટલાક ગોટાળાં પણ વાળ્યા અને તેમની ભારે ઠેકડી પણ ઉડાવાઈ હતી. જોકે, આ વખતે રાહુલે બરાબરની ઝીંક ઝીલી હતી અને તેમના વડપણ હેઠળ કોંગ્રેસની યુવા ટીમે સારો દેખાવ
કરી બતાવ્યો છે. હવે તેમની જવાબદારી વધી જાય છે.