ભારતીય ક્રિકેટ ટીમના તેજતર્રાર કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક વખત રમતના મેદાનમાં ઝમકદાર દેખાવ કરીને તેના નામને અનુરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. ટીમ ઇંડિયાએ ઘરઆંગણે રમાયેલી બીજી ટેસ્ટમાં ભલે વિરાટના જ નેતૃત્વમાં શ્રીલંકાને હરાવીને જ્વલંત વિજય મેળવ્યો, પરંતુ સહુના મોઢે તો તેના વ્યક્તિગત દેખાવની જ ચર્ચા છે. શ્રીલંકા સામેની ટેસ્ટમાં વિરાટે ૨૧૩ રનની ઇનિંગ રમીને એક સાથે અનેક વિક્રમ પોતાના નામે કર્યા છે. એક વર્ષમાં ૧૦ સેન્ચ્યુરી ફટકારનાર તે પહેલો કેપ્ટન બન્યો. કેપ્ટન તરીકે ૧૨ સદી પણ પૂરી કરી. આ પહેલાં આ રેકોર્ડ સુનીલ ગાવસ્કરના નામે હતો. વિરાટે કેપ્ટન તરીકે સૌથી વધુ બેવડી સદી ફટકારવાના વેસ્ટ ઇંડીઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારા (પાંચ)ના વિક્રમની બરાબરી પણ કરી. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે એક વર્ષમાં સૌથી વધુ સદી ફટકારવાના ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટીંગ અને સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથના રેકોર્ડ પણ ધ્વસ્ત કર્યા. આ બન્નેએ નવ સદી ફટકારી હતી. અને કન્વર્ઝન રેટની સરખામણી થાય તો તે સર ડોન બ્રેડમેન કરતાં પણ એક ડગલું આગળ છે. કેપ્ટન કોહલી ૧૬મી વખત ૫૦ના સ્કોરથી આગળ વધ્યો છે અને ૧૨ વખત તેણે આ સ્કોરને સદીમાં ફેરવ્યો છે. ૭૫ ટકા કિસ્સામાં તેણે ફિફટી પ્લસ સ્કોરને સદીમાં બદલ્યો છે. સર બ્રેડમેનનો આ કન્વર્ઝન રેટ ૬૭ છે.
કોહલીની ખાસિયત એ છે કે તેણે રમતમાં સાતત્ય જાળવ્યું છે. કેપ્ટનશીપનું ટેન્શન ના તો તેના ચહેરા પર જોવા મળે છે, ના તો રમત પર. આથી ઉલ્ટું સુકાની તરીકે જવાબદારી મળ્યા પછી તેની રમત અને મેદાન પરના નિર્ણયો વધુ નિખર્યા છે. છેલ્લા બે વર્ષમાં તેણે રમેલી ઇનિંગ્સ અને ટીમ ઇંડિયાએ ત્રણેય ફોર્મેટ - ટેસ્ટ, વન-ડે, ટી૨૦માં મેળવેલી સફળતા આના શ્રેષ્ઠ ઉદાહરણ છે. વિરાટે તેની પહેલી ડબલ સેન્ચ્યુરી ગયા વર્ષે વેસ્ટ ઈંડીઝ સામે ફટકારી હતી. આ પછી તેનું બેટ તમામ દેશોના બોલરની ધોલાઇ કરતું રહ્યું છે. તેણે ન્યૂઝિલેન્ડ, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશની ટીમ સામે બેવડી સદી ફટકારી. આંતરરાષ્ટ્રી ક્રિકેટમાં સૌથી ઝડપી ૫૧ સદી સુધી પણ તે પહોંચી ગયો છે. હવે તેણે સદીઓની સદીના રેકોર્ડને આંબવાનો છે, જે હાલ માસ્ટર બ્લાસ્ટર સચીન તેન્ડુલકરના નામે નોંધાયેલો છે. વિરાટ જે પ્રકારે વિરાટ ઇનિંગ રમી રહ્યો છે, તે જોતાં કહી શકાય કે સચીનના મહાવિક્રમ સુધી પણ પહોંચી જ જશે. તે આત્મવિશ્વાસથી સભર છે. શારીરિક ચુસ્તી-સ્ફૂર્તિની વાત કરીએ તો તે દુનિયાભરના ક્રિકેટરોમાં અવ્વલ ફિટનેસ ધરાવે છે. માનસિક સજ્જતાના દૃષ્ટિકોણથી મૂલવીએ તો તે મેદાન પર કટોકટીની પળોમાં ક્યારેય ધીરજ ગુમાવતો નથી. તમામ પરિબળોનો સરવાળો કરતાં એટલું અવશ્ય કહી શકાય કે વિરાટમાં ભારતીય ક્રિકેટને વિશ્વમાં એવા મુકામે પહોંચાડવાની ક્ષમતા છે, જ્યાં ક્રિકેટનું જન્મદાતા ગણાતા ઈંગ્લેન્ડ સહિત કોઇ પણ દેશની ટીમ પહોંચી શકી નથી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ હજુ વધુ ઊંચી સફળતાના શીખરો સર તેવી ભરપૂર સજ્જતા-ક્ષમતા છે. બસ, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ થોડોક સંયમ રાખવાની જરૂર છે.
બીસીસીઆઇ અઢળક આર્થિક લાભ અંકે કરવાની લાયમાં ખેલાડીઓને ભરપૂર ક્રિકેટ રમાડી રહ્યું છે. તાજેતરમાં જ વિરાટ કોહલીએ ભારતીય ટીમના અતિ વ્યસ્ત ક્રિકેટ ટાઇમટેબલનો હવાલો આપતાં અસંતોષ વ્યક્ત કર્યો હતો કે સાઉથ આફ્રિકાના પ્રવાસ પૂર્વે ખેલાડીઓને તૈયારી માટે પૂરતો સમય અપાયો નહોતો. બોર્ડની કાર્યપદ્ધતિ સામે આંગળી ઉઠાવતા આ નિવેદનને ભૂતપૂર્વ કેપ્ટન અને આજે પણ ટીમના આધારસ્તંભ એવા મહેન્દ્ર સિંહ ધોનીએ પણ સમર્થન આપ્યું છે. બીસીસીઆઇના હોદ્દેદારોએ કમાણી માટે ખેલાડીઓને શારીરિક-માનસિક રીતે નિચોવી લેવાનો અભિગમ બદલવો પડશે. બોર્ડે સમજવું રહ્યું કે ખણખણિયા રળવાની લાલચમાં સોનાના ઈંડા દેતી મરઘીને એકઝાટકે મારી નાંખવામાં ખેલાડી, બોર્ડ કે દેશ - કોઇનું હિત નથી.