વર્તમાન વિશ્વમાં આર્થિક વિકાસ સાધવો હોય તો વિવાદો ભૂલીને વેપાર તરફ ધ્યાન આપવું તે એકમાત્ર મુદ્દો બની રહ્યો છે ત્યારે અમેરિકી નેતૃત્વમાં વેપારયુદ્ધે વિશ્વ માટે ભારે ચિંતા જન્માવી છે. બે મહાકાય અર્થતંત્રો અમેરિકા અને ચીને તેમના દ્વારા એકબીજા દેશમાંથી આયાત કરાતા ઉત્પાદનો પરની આયાતજકાતમાં ભારે વધારો ઝીંક્યો છે. ભારતે પણ અમેરિકાથી આયાત કરાતી ચીજવસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટીમાં ભારે વધારો જાહેર કર્યો છે. અત્યાર સુધી આપણે એમ જ માનતા રહ્યા છીએ કે ત્રીજું વિશ્વયુદ્ધ ‘પાણી’ એટલે કે જળના મુદ્દે ખેલાશે પરંતુ વર્તમાન પરિદૃશ્યમાં તો એમ લાગે છે કે વેપારના મુદ્દે વિશ્વયુદ્ધ ખેલાઈ શકે છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ બિઝનેસમેન છે ત્યારે અમેરિકી કંપનીઓને બેઠી કરવા કસ્ટમ ટેરિફ વધારવાનો માર્ગ અખત્યાર કર્યો છે. આ રીતે, કસ્ટમ ડ્યૂટીઝ વધતી રહેશે તો દેશો વચ્ચેનો વેપાર ઠપ થઈ જશે, જેના વરવાં પરિણામો વિશ્વનાં અર્થતંત્રોએ સહન કરવાં પડશે. અમેરિકાએ લાદેલી ડયૂટીનો સામનો કરવા ચીન, જાપાન, યુરોપિયન યુનિયનના દેશો, કેનેડા, મેક્સિકો સહિતના દેશોએ વળતાં પગલાંની ચેતવણી આપી છે. વૈશ્વિક બજારોમાં ઓછાં નફે બહોળા વેપારની વાત સારી છે, પણ ખોટનો વેપલો સારો નથી એ હવે બધાંને સમજાઈ રહ્યું છે.
અમેરિકા અને ચીન વિશ્વના બે મહાકાય અર્થતંત્રો છે. ચીનમાં સામ્યવાદ કરતાં સરમુખ્ત્યારશાહી શાસન જ છે. સસ્તો પરંતુ, ઓછી ગુણવત્તાનો માલ વિશ્વમાં ખડકવામાં તેણે મહારત હાંસલ કરી છે. અમેરિકા અને ભારત સહિત વિશ્વના દેશો ચીનની ડમ્પિંગ નીતિનો શિકાર બન્યા છે. ગુણવત્તાવાળો માલસામાન મોંઘો પડતો હોવાથી તેની નિકાસ ઘટે છે. આથી, અમેરિકાએ ઘરઆંગણાની મૃતપાય કંપનીઓને રક્ષણ આપવા ચીની માલસામાનની આયાત પર ભારે ડ્યૂટી ઝીંકી છે, જેથી આયાતી માલ મોંઘો પડે અને ઘરની કંપનીઓનો માલ વેચાય. ચીનનો માલસામાન ભારતમાં પણ ખડકાતો રહ્યો છે. કોઈ ચીજ સસ્તી દેખાય તો ચીની માલ હશે તેમ કહી મજાક ઉડાડવા સાથે ખરીદવાનું સામાન્ય બન્યું છે. પરંતુ, તેનાથી દેશની અર્થવ્યવસ્થાને ભારે બોજો સહન કરવો પડે છે તેમ વિચારાતું નથી. આમ, ટ્રેડવોર કે વેપારયુદ્ધ મૂલતઃ સંરક્ષણવાદનું જ પરિણામ છે.
વિશ્વ વેપાર સંસ્થાએ દેશો વચ્ચે ચીજવસ્તુનાં વેપાર માટે વેચાણ ટેરિફ નિશ્ચિત કરેલા છે અને મહાસત્તાઓ અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન તથા જર્મની, ભારત, જાપાન સહિતના મોટાં અર્થતંત્રો આ સમજૂતીમાં સામેલ છે. જોકે, મોટા દેશો નિકાસ સામે આયાત ઓછી કરતા હોવાથી દેશો વચ્ચેના વેપારમાં ખાધ સર્જાય છે. અમેરિકા દ્વારા નિકાસનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ, ચીનના બજારમાં આવ્યા પછી તેની મોનોપોલી તૂટી છે. અમેરિકા દ્વારા અન્ય દેશો સાથે વેપારની સમતુલા ખોરવાઈ હોવાથી તેણે આવું પગલું લેવાની ફરજ પડ્યાનું કહેવાય છે. ભારતમાં અમેરિકી અને ચીની ઉત્પાદનોની આયાત વધવા સામે નિકાસ ઓછી હોવાથી વેપારખાધ વધી છે. વેપારની સમતુલા જાળવવા અમેરિકી ઉત્પાદનો સામે કસ્ટમ ડ્યૂટીઝ વધારી છે પરંતુ, ચીની ઉત્પાદનો વિરુદ્ધ આ નીતિ અપનાવવાની હિંમત દર્શાવી નથી તે અયોગ્ય છે.
થોડાં વર્ષો અગાઉ અમેરિકા અને રશિયાના વડપણ હેઠળના સોવિયેત સંઘ વચ્ચે ‘શીતયુદ્ધ’ ચાલતું હતું. આ બન્ને મહાસત્તાની પડખે રહેલા દેશોને પણ તેમાં સામેલ થયા વિના છૂટકો જ ન હતો. ‘શીતયુદ્ધ’ના ગાળામાં લશ્કરી શસ્ત્રસરંજામના ઉત્પાદન અને વેચાણનો ઝોક વધી ગયો હતો. જોકે, અન્ય દેશોને પોતાની પડખે રાખવા પાણીનાં મૂલે શસ્ત્રો વેચાતાં હોવાથી આર્થિક વૃદ્ધિનો કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસનો તો સવાલ જ ઉઠતો ન હતો. સોવિયેત સંઘના વિભાજન પછી બાકી રહેલા રશિયાનું વૈશ્વિક વર્ચસ અને મહત્ત્વ ઘટી ગયાં અને અમેરિકા જગતનો એકમાત્ર કાજી દેશ બની રહેતા ‘શીતયુદ્ધ’નો અંત આવ્યો હતો.