અત્યાર સુધી જે વાત ‘જો’ અને ‘તો’ વચ્ચે અટવાતી હતી તે હવે હકીકત બની છે. શિવસેનાએ જૂના સાથી ભાજપ સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો છે. શિવસેનાએ ૨૦૧૯માં લોકસભા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. આ સાથે જ પક્ષે મહારાષ્ટ્રનું સુકાન સંભાળતી ભાજપ સાથેની યુતિ સરકારમાંથી પણ છૂટા થવા નિર્ણય કર્યો છે. હા, શિવસેનાએ કેન્દ્રની એનડીએ સરકારમાંથી છૂટા થવાના મુદ્દે મગનું નામ મરી પાડ્યું નથી. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ કરેલી જાહેરાત પ્રમાણે આવતા એક વર્ષમાં તે યુતિથી અલગ થઇ જશે. અહીં લાખ રૂપિયાનો સવાલ એ છે કે જો બન્ને પક્ષો વચ્ચે મનમેળ જ નથી તો પછી જોડાણને વધુ એક વર્ષ ખેંચવાનો અર્થ શું છે? મતલબ સ્પષ્ટ છે કે સહયોગ રહે કે ન રહે, સત્તાની ખુરશી ટકી રહેવી જોઇએ. શિવસેનાને ભાજપ સાથે નથી રહેવું, પરંતુ સત્તા પણ ગુમાવવી નથી. ૨૦૧૪માં પણ શિવસેના અને ભાજપ ‘છૂટા’ પડ્યા હતા. બન્ને પક્ષો અઢી દસકાનું રાજકીય જોડાણ કોરાણે મૂકીને એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ બે જ મહિનામાં તેઓ એક થઇ ગયા હતા, અને રાજ્યમાં યુતિ સરકાર રચી હતી જે આજે પણ શાસન કરી રહી છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં બન્ને પક્ષો અલગ અલગ રહીને ચૂંટણી લડ્યા હોવા છતાં તેમને પૂર્વધારણા કરતાં વધુ બેઠકો મળી હતી. હા, એ વાત અલગ છે કે ૨૮૮ સભ્યોના વિધાનસભા ગૃહમાં ભાજપ (૧૨૨ બેઠકો) બહુમતી માટે જરૂરી ૧૪૪ના આંકડા કરતાં ઘણો પાછળ રહી ગયો હતો.
વર્ષોજૂના સહયોગનો ઇતિહાસ હોવા છતાં આજે હકીકત એ છે કે બન્ને પક્ષો વચ્ચે છાશવારે તુંતું-મૈંમૈં થતી રહે છે. બન્ને એકબીજાની જાહેરમાં ટીકા કરતા રહે છે, નીચાજોણું કરાવતા રહે છે - પછી મુદ્દો રાજ્ય સંબંધિત હોય કે કેન્દ્ર સંબંધિત. અને આમ છતાં બન્નેમાંથી કોઇ પક્ષ એકમેકનો સંપૂર્ણ સાથ છોડવા તૈયાર નથી. જે ભાજપ સાથે ચૂંટણી લડવામાં શિવસેનાને શરમ આવે છે તે જ ભાજપ સાથે મહારાષ્ટ્ર અને કેન્દ્રમાં બેધડક સત્તા ભોગવે છે. બીજી તરફ શિવસેનાના વારંવારના ધગધગતા ડામ જેવા નિવેદનો અને જોડાણ તોડવાની જાહેરાતો છતાં ભાજપ એક વખત પણ એવું નથી બોલ્યો કે તે મહારાષ્ટ્રમાં શિવસેનાનો ટેકો જતો કરીને મધ્યસત્ર ચૂંટણી નોતરવા તૈયાર છે. આંકડાઓ અને ઇતિહાસ તો એ વાતની સાક્ષી પૂરે છે કે દરેક વખતે ભાજપ જ ઝૂક્યો છે. આને દંભ કે બેવડા માપદંડોની આ પરાકાષ્ઠા જ ગણવી રહી.
ભારતીય રાજકારણમાં ભલે આવો અભિગમ સામાન્ય ગણાતો હોય, પરંતુ ભાજપની નેતાગીરીએ એટલું તો વિચારવું જ રહ્યું કે આખરે એનડીએના સહયોગીઓ એક પછી એક તેનાથી દૂર કેમ જઇ રહ્યા છે? ગયા સપ્તાહે આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેસમ્ પાર્ટીના વડા ચંદ્રાબાબુ નાયડુએ પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો ભાજપના પ્રાદેશિક નેતાઓ તેનો અભિગમ નહીં બદલે તો તેઓ એનડીએ સાથે છેડો ફાડી નાખશે. એક સમય હતો જ્યારે બીજુ જનતા દળ (ઓરિસા), તૃણમૂલ કોંગ્રેસ (પશ્ચિમ બંગાળ), અસોમ ગણ પરિષદ (આસામ), ડીએમકે (તામિલનાડુ) વગેરે જેવા ટોચના પ્રાદેશિક પક્ષો અટલ બિહારી વાજપેયી સાથે હતા. શિવસેના તો તે વેળાથી ભાજપની સાથીદાર રહી છે, જ્યારે ભાજપ સાથે કોઇ નહોતું. ધીરે-ધીરે કેટલાય લોકો અલગ થઇ ગયા અને કેટલાક તૈયારીમાં છે. ભાજપે એ યાદ રાખવું રહ્યું કે સત્તા તો આવતી-જાતી રહેશે, પણ ટકાઉ અને વિશ્વસનીય મૈત્રીપૂર્ણ સંબંધો મળવા મુશ્કેલ છે - રાજકારણમાં તો ખાસ.