ચીનના સંસદગૃહે આખરે રાષ્ટ્રપતિ શી જિનપિંગને વધુ શક્તિશાળી બનાવતા બંધારણીય સુધારા પર મંજૂરીનું મત્તું મારી દીધું છે. ચીનમાં અત્યાર સુધી કોઇ પણ રાષ્ટ્રપતિ માત્ર બે જ મુદત (એટલે કે દસ વર્ષ) સુધી હોદ્દા પર રહી શકતા હતા. માઓત્સે તુંગની જેમ કોઇ સર્વોચ્ચ નેતા આજીવન સત્તા હસ્તગત ન કરી શકે તે માટે ચીનમાં આ બંધારણીય જોગવાઇ કરવામાં આવી હતી. જોકે હવે જિનપિંગ ઇચ્છે તો આજીવન રાષ્ટ્રપતિ પદે રહી શકે છે. પહેલી નજરે ભલે આ મામલો ચીનની આંતરિક બાબત ગણાય, પરંતુ ખરેખર એવું નથી. ક્યો દેશ, કઇ વ્યક્તિને પોતાના નેતાપદે ચૂંટે છે એ તેની આંતરિક બાબત હોઇ શકે છે, પરંતુ ચીનની વાત અલગ છે. તેનું આંતરિક રાજકારણ સમગ્ર દુનિયાને પ્રભાવિત કરે છે. દુનિયાભરના તમામ મોટા દેશોમાં ચીન એકમાત્ર એવો દેશ છે જ્યાં લોકતંત્ર નથી. અમેરિકા, ઈંગ્લેન્ડ, ફ્રાંસ, ભારત, જાપાન, જર્મની જેવા તમામ મોટા દેશોની સરકારોને પ્રજા લોકશાહી ઢબે ચૂંટે છે. એવું પણ કહી શકાય કે આ ચૂંટાયેલી સરકારને જનમત અને લોકલાગણીને ધ્યાનમાં લેવા પડે છે. જ્યારે ચીનમાં એક જ પક્ષની સરકાર છે. લોકલાગણી કે જનમતને તો ત્યાં કોઇ સ્થાન જ નથી. આ સંજોગોમાં જિનપિંગને રાષ્ટ્રપતિપદે આજીવન રહેવાના અધિકારથી દુનિયા પર અચૂક રાજકીય પ્રભાવ પડશે જ.
જિનપિંગના શાસનકાળ દરમિયાન રેડ આર્મી દ્વારા જે પ્રકારે ભારતની કનડગત વધી છે તે જોતાં ચીનની સંસદનો નિર્ણય ભારત માટે ખાસ અસરકર્તા બને તેવો છે. એક સમય હતો જ્યારે ભારત અને ચીન સારા મિત્ર હતા. પરંતુ ૧૯૬૨માં ચીને ભારતની પીઠમાં ખંજર ભોંક્યું તે પછી સંબંધો વણસ્યા, જે ફરી ક્યારેય ઉષ્માપૂર્ણ બન્યા જ નહીં. પોતાના પાડોશી દેશો સાથે સતત વિખવાદ કરતાં રહેવાની ચીનને કુટેવ છે. ભારતને ઉશ્કેરવા માટે ક્યારેક તે અરુણાચલ પ્રદેશમાં તો ક્યારેક બીજા કોઇ રાજ્યમાં ઘુસણખોરીના અટકચાળાં કરતું રહે છે.
જિનપિંગને આજીવન રાષ્ટ્રપતિ પદે રહેવાની મંજૂરી આપતી બંધારણીય જોગવાઇ તેમને સરમુખત્યાર બનાવી શકે છે. માઓત્સે તુંગ બાદ જિનપિંગને ચીનના સૌથી વધુ શક્તિશાળી રાષ્ટ્રપતિ ગણાવાઇ રહ્યા છે. ચીન પાકિસ્તાન સાથે મળીને ભારતને ઘેરાબંધી કરવા લાંબા સમયથી પ્રયત્નશીલ છે. આ સંજોગોમાં ચીનની આંતરિક રાજકીય ગતિવિધિ પર ભારતે ચાંપતી નજર રાખવી પડશે. ભારત સરકાર ચીનની સાથે દ્વિપક્ષી સંબંધ ભલે મજબૂત કરે, પણ તેણે દેશના આત્મસન્માનનું ધ્યાન રાખવું રહ્યું. શક્તિસંતુલન માટે ભારતે નેપાળ, ભૂતાન, માલદીવની સાથે-સાથે અમેરિકા અને રશિયા સાથે પણ સંબંધો વધુ ઘનિષ્ઠ બનાવવા પડશે. ભારત સરકાર ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, જાપાન, વિયેતનામ વગેરે દેશો સાથે વિવિધ ક્ષેત્રે આ બાબતે સક્રિય બની છે તે આવકાર્ય છે. ચીનના બંધારણમાં સુધારાની અસર ભારત ઉપરાંત બીજા દેશો પર પણ પડ્યા વગર નહીં જ રહે, પરંતુ ભારતે વિશેષ સાવધાની દાખવવાની જરૂર છે.