ભારતના ઉત્તરીય રાજ્યોમાં ઉષ્ણતામાનનો પારો ભલે સડસડાટ ગગડી રહ્યો હોય, પરંતુ આ ક્ષેત્રમાં આવેલા દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમીનો પારો ઊંચો ચઢી રહ્યો છે. જેમ જેમ વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય તડજોડ વધી રહી છે, કાવાદાવા વેગ પકડી રહ્યા છે. રાજકારણમાં દોસ્તી હોય કે દુશ્મની - ક્યારેય કંઇ કાયમી હોતું નથી, કાયમ તો હોય છે કોઇ પણ ભોગે ચૂંટણી જીતવાની એષણા. આથી જ તો ઉત્તર પ્રદેશમાં રાજકીય જરૂરત અને માગ નજરમાં રાખીને સમીકરણો રચાઇ રહ્યા છે. જો આવું ન હોત તો પિતા-પુત્ર મુલાયમ સિંહ-અખિલેશ વચ્ચે પક્ષ પર વર્ચસ જમાવવા ખુલ્લેઆમ ખેંચતાણ ચાલી ન હોત, અને સમાજવાદી પાર્ટી (સપા) તથા કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડવા જોડાણ ન કર્યું હોત. આ એ જ કોંગ્રેસ છે જે ગયા પખવાડિયા સુધી અખિલેશ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહ્યાનો ઢોલ પીટતી હતી. પક્ષના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં ફરીને લોકોને વિશ્વાસ અપાવવા મથતા હતા કે તેમનો પક્ષ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડીને આપબળે ઊભો પણ થશે. હવે તેમણે રાજકીય ક્ષેત્રે તેમનાથી જૂનિયર અખિલેશ યાદવની સપા સાથે હાથ મિલાવ્યા છે. એટલું જ નહીં, જોડાણમાં બીજા ક્રમનું સ્થાન પણ સ્વીકાર્યું છે.
સહુ કોઇ જાણે છે કે આવા જોડાણોના પાયામાં રાજકીય જરૂરતો હોય છે. યાદવ પરિવારમાં તાજેતરમાં સત્તા માટે ધમાસાણ જામ્યું હતું, જેમાં પક્ષની છબી ખાસ્સી ખરડાઇ. અધૂરામાં પૂરું, માયાવતીએ હરહંમેશની જેમ દલિત-મુસ્લિમ સમીકરણના મુદ્દા પર ફોકસ કર્યું, તો ભાજપે વડા પ્રધાન મોદીના ચહેરાને આગળ ધરી આક્રમક ઝૂંબેશ શરૂ કરી છે. આમ ત્રણેય બાજુથી ભીંસ અનુભવતા અખિલેશને કોઇ એવા રાજકીય સથવારાની આવશ્યક્તા હતી જેના થકી તેઓ મતદારોને સંદેશ પાઠવી શકે કે તેમને વિપક્ષનો પણ સહકાર છે. પ્રવર્તમાન સંજોગોમાં કોંગ્રેસ સાથેનું જોડાણ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઇ શકે તેમ હોવાથી અખિલેશે મને-કમને કોંગ્રેસને થોડીક વધુ બેઠકો આપીને પણ તેની સાથે જોડાણ કરી લેવાનું શાણપણ દાખવ્યું છે. વિધાનસભાની કુલ ૪૦૩ બેઠકોમાંથી હવે સપા ૨૯૮ બેઠકો પરથી ને કોંગ્રેસ ૧૦૨ બેઠકો પર ચૂંટણી લડશે. હાલ ગૃહમાં સપાના ૨૨૪ અને કોંગ્રેસના માત્ર ૨૨ સભ્યો છે. આમ રાજ્યમાં કોંગ્રેસ પણ મજબૂત સ્થિતિમાં ન હોવાથી તેનેય સપા સાથે છેડાછેડી બાંધ્યા વગર છૂટકો નહોતો. કોંગ્રેસ ભલે સદી પુરાણો વડલો હોય, પણ છેલ્લા દસકામાં તેના મૂળિયા નબળા પડ્યા છે. આમ સપા અને કોંગ્રેસ માટે આ જોડાણ આવ ભાઇ હરખા, આપણે બેઉ સરખા જેવું છે.
અલબત્ત, આ યુતિને મહાયુતિ બનાવવાની યોજના સાકાર થઇ નથી (કે પછી તેવો પ્રયાસ માંડી વાળવામાં આવ્યો છે). અહેવાલ હતા કે અજિત સિંહનો રાષ્ટ્રીય લોક દળ પણ આ યુતિમાં જોડાશે, પરંતુ ગમે તે કારણસર અખિલેશે મહાયુતિનો વિચાર ફેરવી તોળ્યો હોય તેમ લોક દળ જોડાણમાં નથી. વિશ્લેષકોના મત મુજબ, હવે રાજ્યમાં ત્રિકોણીય જંગ તો છે જ, પણ લોક દળ અલગથી ચૂંટણી લડી રહ્યું હોવાથી મહત્ત્વના પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં હવે લઘુમતી મતોનું વિભાજન થાય તેમ છે, અને આ સંજોગોમાં સરવાળે ભાજપને જ ફાયદો થશે.
સપા સાથેના આ જોડાણ માટે કોંગ્રેસની નવી પેઢીએ ચાવીરૂપ ભૂમિકા ભજવ્યાના અહેવાલ છે. પ્રિયંકા ગાંધીએ અંગત રસ લઇ બન્ને પક્ષોની વચ્ચેના મતભેદની ખાઇ પૂરવામાં રસ દાખવ્યો હતો. પ્રિયંકા રાજકારણમાં સક્રિય થઇ રહ્યાના સંકેતોથી કોંગ્રેસી - સ્વાભાવિકપણે જ - ખુશ ખુશ છે. જોકે રાજકીય વિશ્લેષકોનો એક વર્ગ આ યુતિને અલગ નજરે મૂલવી રહ્યો છે. તેમના મતે યુતિ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે પાયારૂપ ભૂમિકા ભજવશે. ખરેખર આમ બનશે?
સપા-કોંગ્રેસની યુતિ ભવિષ્યમાં કેવો વળાંક લેશે અને વધારે મજબૂત બનશે કે નહીં તેનો આધાર ચૂંટણી પરિણામો પર છે. જો ઉત્તર પ્રદેશમાં ભાજપનો વિજય થયો તો સપા-કોંગ્રેસનું તકવાદી જોડાણ તકલાદી સાબિત થઇ શકે છે. આથી ઉલ્ટું સપા-કોંગ્રેસની યુતિ ચૂંટણી જીતી જશે તો કોંગ્રેસ અને અન્ય પ્રાદેશિક પક્ષોનો મોરચો આવતાં બે વર્ષ સંસદમાં મોદી સરકારને આક્રમકતાથી ભીંસમાં લેશે. યુવરાજ રાહુલ ગાંધી રાજકીય અહમ્ છોડીને અન્ય રાજ્યોમાં પણ પ્રાદેશિક પક્ષો સાથે જોડાણોની દિશામાં આગેકૂચ કરશે. ૨૦૧૯માં ભાજપનો મુકાબલો કરવા કોંગ્રેસ-સપા સહિતના વિપક્ષનો મોરચો રચાય તેવું પણ બની શકે. જોકે આ બધી જો અને તો વચ્ચેની વાત છે. ખરેખર શું બનશે એ તો સમય જ કહેશે.