સૌરાષ્ટ્રના ઉના તાલુકાનું મોટા સમઢિયાળા ગામ દેશભરના અખબારોના મથાળામાં ચમકી રહ્યું છે. પહેલાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી, પછી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, સામ્યવાદી નેતાઓ બ્રિન્દા કરાત તથા એ. રાજા, જનતા દળ (યુ)ના નેતા શરદ યાદવ, તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરિક ઓ’બ્રેન, એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ... કૃષિ રાજ્યપ્રધાન પરષોત્તમભાઇ રુપાલા અને આ અખબાર આપના હાથમાં પહોંચતાં સુધીમાં બીજા જે કોઇ નેતા પહોંચે તે બધા... કહેવાતા ગૌરક્ષકો દ્વારા ગામના ચાર દલિત યુવાનો પર ગુજારાયેલા અમાનુષી અત્યાચારનો જાતઅહેવાલ મેળવવા આ લોકો વારાફરતી ઉનાના મોટા સમઢિયાળા અને ત્યાંથી આ દલિતોને જ્યાં સારવાર અપાઇ રહી છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલે પહોંચી રહ્યા છે. ભારતમાં રાજકીય રીતે સંવેદનશીલ એવો કોઇ પણ બનાવ બને છે ત્યારે રાજકીય નેતાઓના ધાડાં જે તે સ્થળે પીડિતોની મુલાકાતે ઊમટી પડે છે. કોઇ અત્યાચારનો ભોગ બનેલા પરિવારોની દેશ, રાજ્ય કે સમાજના મોભીઓ ખબરઅંતર પૂછે કે તેમના આંસુ લૂછીને તેમને સમગ્ર દેશ કે સમાજ તેમની પડખે હોવાનો સધિયારો આપે તેમાં કશું ખોટું નથી. લોકપ્રતિનિધિઓના આશ્વાસન અને સહાયની કે ન્યાય અપાવવાની ખાતરીના કારણે તે પીડિતો જ નહીં, પરંતુ સમગ્ર સમાજને એક સંદેશ મળે છે.
જોકે અફસોસની વાત એ છે કે સંવેદના કે અનુકંપા દર્શાવવાની આ ચેષ્ટા હવે રાજકીય દેખાડા જેવી બની રહી છે. મોટા સમઢિયાળામાં દલિત અત્યાચારની ઘટનાના દિવસો પછી રાષ્ટ્રીય નેતાઓનું ધ્યાન દોરાયું અને અસરગ્રસ્તોની મુલાકાત માટે એક પછી એક નેતાઓની લાઇન લાગી ગઇ. રાજ્યના મુખ્ય પ્રધાન હોવાના નાતે આનંદીબેન પટેલની મુલાકાત ઉચિત હતી, પણ પછી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીથી શરૂ થયેલો નેતાઓની મુલાકાતનો દોર વણથંભ્યો ચાલી રહ્યો છે. કોઇ રાજકીય પક્ષ કે નેતા કબૂલતા નથી, પરંતુ સહુ કોઇ જાણે છે કે ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વિધાનસભા ચૂંટણીઓ માથે મંડરાઇ રહી છે અને તેના કારણે જ બધા પક્ષો અને તેના નેતાઓ દલિતો માટે સહાનુભૂતિ દર્શાવવા પડાપડી કરી રહ્યા છે.
અહીં સવાલ એ થાય છે કે જો દેશના બધા જ પક્ષો અને તેના નેતાઓના હૈયે દલિતોનું આટલું જ હિત વસ્યું હતું તો આઝાદીના આટલા દસકા પછી પણ આ કચડાયેલા વર્ગની ઉન્નતિ શા માટે નથી થઇ? દલિતો માટે હમદર્દીનો દેખાડો કરીને ફોટોગ્રાફ પડાવતા રહેતા આ નેતાઓ તેમણે છેલ્લાં દસકામાં દલિતો માટે કર્યું હોય એવું એકાદ શકવર્તી કામ તો યાદ કરાવે. વાસ્તવિક્તા તો એ છે કે દલિતો પ્રત્યે દાખવાતા ભેદભાવનું મૂળ જ્ઞાતિવાદ પ્રથામાં છે. દેશમાં આઝાદીના દસકાઓ બાદ પણ જાતિ-જ્ઞાતિનું દૂષણ પ્રવર્તે છે તેને કમનસીબી જ ગણવી રહી. વધુ અફસોસજનક બાબત તો એ છે કે રાજકીય પક્ષો દેશની આ કમનસીબીનો ઉપયોગ પોતાની મતબેન્ક મજબૂત બનાવવા માટે કરી રહ્યા છે. આ મુદ્દે બહુજન સમાજ પાર્ટી (બસપા) જેવા પક્ષોને થોડાક ‘પ્રામાણિક’ ગણી શકાય, કેમ કે તેઓ ખુલ્લંખુલ્લા જ્ઞાતિવાદનું રાજકારણ રમવાની વાતો કરે છે. બાકી તો ચૂંટણી આવતાં જ રાજકીય પક્ષો પાટીદાર મતબેન્ક કે દલિત અથવા ઓબીસી મતબેન્ક કે પછી મુસ્લિમ મતોનાં સરવાળા-બાદબાકી કરવાના કામે લાગી જાય છે. સામાજિક સૌહાર્દનો માહોલ સર્જવાને બદલે રાજકીય પક્ષો અંગત સ્વાર્થ ખાતર જ્ઞાતિવાદને ભડકાવે છે (જે અત્યારે ગુજરાતમાં થઇ રહ્યું હોય તેમ લાગે છે.) ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી જાતિ-જ્ઞાતિના ગણિતના આધારે થાય છે. પ્રધાનમંડળમાં પસંદગીઓ પણ કોમ કે જ્ઞાતિના ધોરણે થાય છે. આ પછી દલિત હિતો કે અન્ય કોમના હિતોની વાતો કરવી એ તો નર્યો દંભ માત્ર છે.
કોંગ્રેસે દાયકાઓ સુધી દેશની શાસનધૂરા સંભાળી છે. ભાજપ પણ ગુજરાતમાં બે દાયકા કરતાં વધારે સમયથી સત્તા પર છે. આવો બનાવ બને ત્યારે આ પક્ષોએ મગરના આંસુ સારવાને બદલે સામાજિક સમરસતા સાધવા માટે નક્કર પ્રયાસ કરવા રહ્યા. એકબીજાને નીચા દેખાડવાના ઇરાદે થઇ રહેલી સામસામી નિવેદનબાજી બંધ કરવી જોઇએ અને સમાજના તમામ વર્ગના ઉત્થાન માટે કામ કરવું રહ્યું. તેઓ આમ કરશે તો આપોઆપ જ મતબેન્ક મજબૂત બનશે, સમાજનું સમર્થન મેળવવા માટે તાયફો નહીં કરવો પડે.