ન્યાયતંત્રમાં દરેક સ્તરે અદાલતને પોતાનો ફેંસલો સંભળાવવાનો અધિકાર છે. તે પોતાના વિવેક અનુસાર નિર્ણય કરવા સ્વતંત્ર છે. આપણે તે ચુકાદા સાથે સંમત હોઇએ કે નહીં, પણ ઉપલી અદાલતમાં જવાનો રસ્તો ખુલ્લો રહે છે. ચિંકારા શિકાર કેસમાં રાજસ્થાનની હાઇ કોર્ટે અભિનેતા સલમાન ખાનને નિર્દોષ છોડ્યો છે. ચુકાદાના કેન્દ્રમાં ત્રણ મુદ્દા મુખ્ય છે. પહેલો મુદ્દો, બાકી તમામ ૧૧ આરોપી છૂટી ગયા છે, અને સલમાન જ કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. બીજો મુદ્દો, જે ચાકુ મળ્યું છે, તે નવું હતું અને બહુ નાનું છે. તેનાથી ચિંકારાનું ગળું કાપી શકાય નહીં. ત્રીજો મુદ્દો છે કે બંદૂકની ગોળીના જે છરા મળ્યા છે, તે સલમાનની બંદૂક સાથે મેચ થતા નથી.
બચાવ પક્ષ આ મુદ્દાને આધારે ન્યાયનું પલડું પોતાની તરફેણમાં ઝૂકાવવામાં સફળ રહ્યો છે, પરંતુ બીજા કેટલાય સવાલ જૈસે થે છે. સલમાન શિકાર કરવા ગયો હતો, તેને નજરે જોનારા સાક્ષીઓ છે. જ્યાં ચિંકારાને કાપવામાં આવ્યું હતું ત્યાંથી લોહીના નિશાન મળ્યા છે. જે હોટેલમાં માંસ રંધાયું હતું ત્યાંથી પુરાવા મળ્યા છે. સલમાનને પહેલાં ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ (સીજેએમ) કોર્ટમાં પાંચ વર્ષ કેદની સજા થઇ. સેશન્સ કોર્ટે પણ સજાને યથાવત્ રાખી. પરંતુ હાઇ કોર્ટે તેને છોડી દીધો છે. સવાલ એ છે જ્યારે તેની વિરુદ્ધના પુરાવા આટલા બધા નબળા હતા તો પછી ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટે ૨૦૦૬-૦૭માં જ કેમ સલમાનને છોડી મૂક્યો નહીં, તેને સજા કેમ આપી? ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટે જે પુરાવા-તથ્યોને આધારે સજા ફરમાવેલી તે શું ખોટા હતા? કોઇ પણ નીચલી અદાલતમાં સુનાવણી વેળા જજ તમામ પાસાંઓનો વિચાર કરે છે, અને તેને ધ્યાનમાં રાખીને જ ફેંસલો સંભળાવે છે. તેઓ જાણતા હોય છે કે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચશે. ચિંકારા કેસમાં સલમાનને ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટે પાંચ વર્ષ કેદની સજા ફરમાવી હતી. સેશન્સ કોર્ટે પણ સજા યથાવત્ રાખતા ફેંસલાને હાઇ કોર્ટમાં પડકારાયો હતો. સરકારે સલમાનની સજા વધારવા અપીલ કરી હતી, સલમાને આરોપમુક્તિ માટે. હાઇ કોર્ટે સરકારની અપીલ ફગાવી દીધી ને સલમાનની અપીલ સ્વીકારી. ‘ભાઇ’ છૂટી ગયા.
આ કેસમાં એક નહીં, અનેક ખામી જોવા મળે છે. પહેલાં તો સરકાર પક્ષે રજૂઆત જ નબળી રહ્યાનું કાનૂનવિદોનું માનવું છે. ૧૮ વર્ષ જૂના આ કેસમાં દર બે-ચાર વર્ષે વકીલ બદલાયા છે. સલમાન તરફથી વર્ષ ૧૯૯૮માં જે વકીલ કેસ લડતા હતા તે જ હાઇ કોર્ટમાં પણ હતા, પણ સરકાર પક્ષે એવું ન થયું. સલમાન જેવી હસ્તીના મોટા વકીલો સામે તેમના જેવા જ મોટા ગજાના વકીલને રોકવા જોઇએ, પણ એવું ન થયું. ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ જીતનાર વકીલોને હાઇ કોર્ટમાં પણ સાથે રાખવા જોઇએ, પરંતુ એમાંય ચૂક થઇ. જો નીચલી કોર્ટમાં કેસ જીતી ચૂકેલા વકીલોને હાઇ કોર્ટમાં સહયોગી તરીકે સાથે રખાયા હોત તો સલમાનની મુક્તિ મુશ્કેલ જરૂર બની હોત. આ બધું દર્શાવે છે કે સરકારી પક્ષ ગંભીર નહોતો.
ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટે વિસ્તૃત ચુકાદો આપતાં સલમાનને સજા ફરમાવી હતી. તો પછી હાઇ કોર્ટમાં સમગ્ર કેસ ઉલટપુલટ કેવી રીતે થઇ ગયો તે સવાલ લોકોને મૂંઝવી રહ્યો છે. જ્યારે કોઇ કેસમાં ફરમાવાયેલી સજાને બે કોર્ટ યથાવત્ રાખે છે ત્યારે ત્રીજી કોર્ટમાં જવલ્લે જ ચુકાદો બદલાતો હોય છે. પરંતુ આ કેસમાં આવું બન્યું એ રસપ્રદ છે. હવે જોવાનું એ છે કે આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઇ જવા માગતી રાજસ્થાન સરકાર હાઇ કોર્ટમાં થયેલી ભૂલોને કઇ રીતે સુધારે છે. યાદ રહે કે સલમાનને હજુ ચિંકારા શિકાર કેસમાં જ મુક્ત કરાયો છે. બે બ્લેક બક (કાળા હરણ)નો શિકાર કરવાના કેસમાં હજુ તે આરોપી છે.