જાણીતા અભિનેતા સલમાન ખાનને સંડોવતા બહુચર્ચિત કાળિયાર શિકાર કેસમાં ચુકાદો આવી જ ગયો. કોર્ટે સલમાનને પાંચ વર્ષ કેદની સજા ફરમાવી છે. વીસ વર્ષ જૂના કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને સજા થઇ ગઇ છે. અન્ય આરોપી કલાકારો સૈફ અલી, તબ્બૂ, સોનાલી બેન્દ્રે, નીલમ નિર્દોષ છૂટ્યા છે. તમામ પર રાજસ્થાનમાં જોધપુર નજીક કાકાણી ગામમાં બે કાળા હરણનો શિકાર કરવાનો આરોપ હતો. ચુકાદો આવતાં ૨૦ વર્ષે લાગી ગયા હોય, પણ સલમાન બે જ દિવસમાં જામીનમુક્ત થઇ ગયો તે મુદ્દો ચર્ચાના ચોતરે ચઢ્યો છે. જોકે આમ છતાં ચુકાદાનું મહત્ત્વ લેશમાત્ર ઘટતું નથી.
ચુકાદો અનેક દૃષ્ટિકોણથી મહત્ત્વનો છે. એક તો ચુકાદો સ્પષ્ટ કરે છે કે ભારતીય ન્યાયતંત્રમાં દેર છે, અંધેર નથી. ગુનેગાર ગમેતેટલો પ્રભાવશાળી કેમ ન હોય, પણ તેને કૃત્યોની સજા વહેલા-મોડા ભોગવવી જ પડે છે. બીજું, કેસમાં બે જ દિવસમાં સલમાનને જામીન મળી ગયા છે. હજારો નિર્દોષ લોકો ભલે કાનૂની સહાયના અભાવે જેલના સળિયા પાછળ વર્ષો વીતાવી રહ્યા હોય, પરંતુ આર્થિક સંપન્ન લોકો દોષિત ઠર્યા પછી પણ પોતાના બચાવમાં વકીલોની ફોજ ઉતારીને કાનૂની છટકબારી શોધી જ લે છે. હવે ઉપલી અદાલતમાં કાર્યવાહી ચાલશે અને તેમાં ૧૦-૧૫ વર્ષ વીતી જશે. સંભવ છે કે સલમાનની સજા યથાવત્ રહેશે કે તેમાં વધઘટ થશે કે પછી તે આરોપમુક્ત થઇને છૂટી પણ જાય. શું થાય છે એ તો સમય જ કહેશે. પરંતુ આ કેસ સાથે જે ત્રીજો મુદ્દો સંકળાયેલો છે તે લગભગ ચર્ચામાંથી બાકાત થઇ ગયો છે. આ મુદ્દો છે વન્ય જીવનના સંરક્ષણનો.
સલમાનને કાળિયારના શિકાર માટે થયેલી સજા વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન માટે કામ કરતાં દેશભરના સ્વૈચ્છિક સંગઠનો, ફોરેસ્ટ અધિકારીઓ અને વન્ય જીવપ્રેમીઓ માટે રાહતજનક છે. ભારતમાં ૧૯૭૨થી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અમલી તો બન્યો છે, પરંતુ તેનો અસરકારક અમલ ભાગ્યે જ જોવા મળે છે. આદિકાળથી માનવી શિકારનો શોખીન રહ્યો છે, પણ રાજા-રજવાડાંના યુગમાં શિકાર પ્રવૃત્તિએ માઝા મૂકી. પરિણામે દેશના ઘણા પ્રદેશોમાંથી વન્ય જીવોનો સફાયો થઇ ગયો. શિકાર બે જ પ્રકારના લોકો કરે છેઃ એક તો સ્થાનિક વસાહતીઓ જેઓ વન્ય જીવોના સંઘર્ષમાં આવે છે. તેઓ પોતાના જાનમાલના રક્ષણાર્થે શિકાર કરતા હોય છે. અને બીજો વર્ગ સલમાન ખાન જેવા લોકોનો છે. જેઓ માત્ર મોજ ખાતર કે પોતાનો વટ પાડવા નિર્દોષ પ્રાણીઓનો જીવ લઇ લે છે. આ ચુકાદા બાદ આવા વગદાર લોકો ગમે તે વન્ય વિસ્તારમાં પહોંચી જઇને ગન ઉઠાવવાની હિંમત કરતાં બે વખત વિચારશે એ નક્કી.
આ ચુકાદો વન્ય જીવોના સંરક્ષણમાં સ્થાનિક સમુદાયની ભાગીદારીનું મહત્ત્વ પણ દર્શાવે છે. આ કેસમાં જો સ્થાનિક બિશ્નોઇ સમાજના લોકો છેવટ સુધી મક્કમ ના રહ્યા હોત તો કેસ ક્યારનોય રફેદફે થઇ ચૂક્યો હોત. સલમાન સહિત અન્ય કલાકારો પણ આરોપી હોવાથી સમજી શકાય છે કે બિશ્નોઇ સમાજના લોકોએ આ કેસમાં પતાવટ માટે કેવાં દબાણો કે લાલચોનો સામનો કર્યો હશે. પરંતુ, આ જાતિના લોકો ભૂતકાળમાં વૃક્ષને બચાવવા પોતાના જીવનું બલિદાન આપી ચૂક્યા હોવાની વાત પણ ઇતિહાસમાં નોંધાયેલી છે. કાળિયારને તો તેઓ પૂજનીય ગણે છે. આથી જ સામે સલમાન જેવો વગદાર આરોપી હોવા છતાં બે દાયકાથી અડગ રહીને તેને સજા અપાવીને જ જંપ્યા છે. આ બિશ્નોઇ સમાજના લોકોએ અને સ્થાનિક વન અધિકારીઓએ તો પોતાની ફરજ બજાવી છે. આગામી દિવસોમાં શાસકો સલમાનની અપીલનો કેવોક સબળ પ્રતિકાર કરે છે તે જોવું રહ્યું.