ચીનના વુહાનથી એક વર્ષ પૂર્વે શરૂ થયેલી કોરોના મહામારી અટકવાનું નામ લેતી નથી. કોરોનાની લપેટમાં આવેલાઓ અને તેના ચેપથી જીવ ગુમાવનારાઓનો આંકડો દિનપ્રતિદિન વધી જ રહ્યો છે. અને હવે દુનિયાભરમાં આરોગ્ય સંબંધિત બાબતો પર નજર રાખતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ લાલ બત્તી ધરી છે. અમેરિકા અને યુરોપના દેશોને હજુ તો કોરોનાની બીજી લહેરે મારેલા કમરતોડ ફટકાની કળ પણ નથી વળી ત્યાં ‘હૂ’એ વિશ્વને, સવિશેષ તો યુરોપના વિકસિત દેશોને, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે કોરોનાની ત્રીજી લહેર માટે સાબદા થવા ચેતવ્યા છે. ‘હૂ’નું કહેવું છે કે કોરોના મહામારીને રોકવા માટે યુરોપિયન દેશોએ પર્યાપ્ત ઉપાય કર્યા ન હોવાથી આ દેશોમાં કોરોનાનું બીજું મોજું આવ્યું છે. ભારતમાં પણ દિવાળીના દિવસોમાં પ્રજાની બેદરકારી અને સરકારી તંત્રની નરમાઇના પગલે કોરોનાનો સેકન્ડ વેવ જોવા મળી રહ્યો છે, અને કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. બ્રિટનમાં ગયા પખવાડિયાથી લોકડાઉન શરૂ થયું છે, કેનેડાના ટોરોન્ટોમાં સોમવારથી બે સપ્તાહનું લોકડાઉન શરૂ થયું છે તો ભારતમાં ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં લોકોની અવરજવર પર રાત્રિ કરફ્યૂ સહિતના નિયંત્રણો લદાઇ રહ્યા છે.
આ સંજોગોમાં સમગ્ર વિશ્વ માટે એક જ સંદેશ છેઃ સાવધાનીમાં જ સહુ કોઇનું સ્વાસ્થ્ય-હિત સચવાયું છે. ભારતમાં દિવાળીના સપરમા તહેવારો પૂરા થયા છે અને બ્રિટન સહિતના પશ્ચિમી દેશોમાં ક્રિસમસ-ન્યૂ યરની તૈયારી ચાલી રહી છે. ભારતમાં તહેવારોની રંગેચંગે ઉજવણી બાદ જે ઝડપે સ્થિતિ વણસી છે તેમાંથી પશ્ચિમી દેશોએ બોધપાઠ લેવો રહ્યો. લોકો સાવધાની નહીં રાખે અને સરકારો કડક વલણ નહીં દાખવે તો સમગ્ર વિશ્વ ફરી એક વખત લોકડાઉન તરફ ધકેલાઇ શકે છે. ન કરે નારાયણ ને જો આવું થયું તો ફરીથી બેઠાં થઇ રહેલા અર્થતંત્રો માટે આ નિર્ણય પડતાં પર પાટુ સાબિત થઇ શકે છે.
‘હૂ’ નું કહેવું છે કે હજુ પણ સમય છે, સાચવી લો. કોરોના મહામારીને નાથવા માટે આકરાં પગલાં લેવામાં નહીં આવે તો ૨૦૨૧ના પ્રારંભે દુનિયાએ, ખાસ તો યુરોપિયન દેશોમાં કોરોનાનું ત્રીજું રાઉન્ડ શરૂ થઇ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોવિડ-૧૯ પર નજર રાખવા, મહામારીનો સામનો કરવા માટે નિમેલા સ્પેશ્યલ એન્વોય ડો. ડેવિડ નાબરોનું સ્પષ્ટ માનવું છે કે ઉનાળાના સમયમાં યુરોપિયન દેશો કોરોનાનો પ્રસાર રોકવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં નિષ્ફળ રહ્યા છે. આથી દુનિયાએ કોરોના વાઇરસની બીજી લહેરનો પ્રકોપનો સામનો કરવો પડ્યો છે. યુરોપિયન દેશો હજુ પણ કોરોનાનો પ્રસાર રોકવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં વિકસાવી શકે તો મહામારીનું ત્રીજું મોજું નક્કી છે.
કોરોના વેક્સીન માટે આખરી તબક્કાના પરીક્ષણો ચાલી રહ્યા હોવાના અહેવાલો વચ્ચે દુનિયાના કેટલાય દેશો તેની ખરીદીના આગોતરા સોદા કરી રહ્યા છે. ઓક્સફર્ડ સહિતની વેક્સીનના પરીક્ષણ દરમિયાન પ્રોત્સાહક પરિણામો પણ મળી રહ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ આજે વણસી રહેલી સ્થિતિનો છે. ઠંડીના દિવસોમાં કોરોનાનો કહેર વધશે તે હકીકત કેટલાય મહિનાઓ પૂર્વેથી સહુ કોઇ જાણતું હોવા છતાં તેમાંથી કોઇ ધડો લેવાના બદલે દુનિયાભરના દેશોએ અર્થતંત્રની ગાડીને ફરી પાટે ચઢાવવાની બાબતને જ પ્રાધાન્ય આપ્યું. કોઇએ એ વાતનો વિચાર જ ન કર્યો કે વિશ્વમાં કરોડો લોકો એક સાથે ઘરમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર ફરવા લાગશે ત્યારે કઇ રીતે બે ગજનું અંતર જળવાશે કે કઇ રીતે ફરજિયાત માસ્ક પહેરવાના કે સેનેટાઇઝેશનના માપદંડોનું પાલન થશે.
દુનિયાભરમાં શાસકોએ દાખવેલી આ લાપરવાહીના દુષ્પરિણામ હવે સામે આવી રહ્યા છે. યૂરોપમાં છેલ્લા સાત મહિનામાં જેટલા કેસ નોંધાયા છે તેનાથી અનેકગણા કેસ છેલ્લા એક મહિનામાં નોંધાયાના અહેવાલ છે. બ્રિટનમાં તાજેતરમાં જ એક દિવસમાં વિક્રમજનક સંખ્યામાં ૫૫૦૦થી વધુ કેસો નોંધાયા છે. તો અન્ય દેશોમાં પણ કેસમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જર્મની અને ફ્રાન્સમાં ૩૩ હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. સ્વિટ્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રીયામાં પણ રોજે હજારોની સંખ્યામાં કેસ આવી રહ્યા છે. તુર્કીમાં એક દિવસમાં ૫૦૦૦થી વધુ કેસ નોંધાયા છે. આ જ સ્થિતિ ભારતની છે. ઠંડીના દિવસોના પ્રારંભમાં જ રાજધાની દિલ્હી સહિત કેટલાય રાજ્યોમાં કોરોના દર્દીઓની સંખ્યા નવા વિક્રમ સજી રહી છે. દિલ્હીમાં મૃત્યુદર ઝડપભેર વધી રહ્યો છે તો ગુજરાતમાં એક જ દિવસમાં ૧૫૦૦થી વધુ વિક્રમજનક સંખ્યામાં કેસ નોંધાયા છે.
આ વખતની કોરોના લહેરમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે અને રિકવરી રેટમાં ઘટાડો થઇ રહ્યો છે. વળી, વિવિધ દાવાઓથી વિપરિત વરવી વાસ્તવિક્તા એ પણ છે કે કોરોના સામે લડવાનો જુસ્સો ઓસરવા લાગ્યો છે. આઠ - આઠ મહિનાથી દિવસ-રાત આ વૈશ્વિક મહામારી સામે લડી રહેલા કોરોના વોરિયર્સના પગની ગતિ પણ ધીમી પડવા લાગી છે. પરંતુ જે જનતાએ થાકવું જોઇએ તે થાકતી પણ નથી, અને કોરોનાની વિકરાળતાને સમજતી પણ નથી. લાખો લોકો એવા છે કે જેઓ માસ્ક ન પહેરવામાં બહાદુરી સમજે છે તો બીજા લાખો એવા છે કે જેઓ સોશ્યલ ડિસ્ટન્સીંગને ગણકારતા જ નથી. કોરોના મહામારીના આ ખતરનાક સમયમાં સૌથી મોટી જવાબદારી પ્રજાના શિરે છે - પછી તે બ્રિટનની હોય કે ભારતની હોય કે અમેરિકાની હોય. પ્રજા નહીં સમજે તો વહીવટી તંત્રના તમામ પ્રયાસો પર પાણી ફરી વળશે. અત્યારે આપણા સહુનો એક જ નારો હોવો જોઇએ, અને એક જ નૈતિક ફરજ હોવી જોઇએઃ ‘જાતે બચો અને બીજાને પણ બચાવો’.