સાઉથ ચાઇના સીના નામે જાણીતા દક્ષિણ ચીની સમુદ્રની માલિકીના નામે છાશવારે વિવાદનો ધોકો પછાડતા ચીનને હેગ સ્થિત ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલે ૪૪૦ વોટનો આંચકો આપ્યો છે. ટ્રિબ્યુનલે આ જળપ્રદેશ પર એકાધિકાર હોવાના ચીનના દાવાને ફગાવ્યો છે. ચીન વર્ષોથી આ દરિયાઇ પ્રદેશ પર કબજો જમાવીને બેઠું છે. જેને ૨૦૧૩માં ટચુકડા ફિલિપાઇન્સે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પડકાર્યો હતો.
સાઉથ ચાઈના સી પ્રશાંત મહાસાગરનો એક હિસ્સો છે, જે ચીનની દક્ષિણેથી તાઈવાનના દ્વીપ સુધી અને મલેશિયાના નોર્થ-વેસ્ટથી બ્રુનેઈ સુધી, ઈન્ડોનેશિયાની ઉત્તરે અને વિયેતનામની પૂર્વ દિશામાં આશરે ૩૫ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. જેના ૯૦ ટકા હિસ્સા પર ચીન દાવો કરે છે. બીજી તરફ, વિશ્વના ત્રીજા ભાગના વેપારી જહાજો આ સમુદ્ર વિસ્તારમાંથી પસાર થાય છે. ભારતનો જ ૫૫ ટકા દરિયાઈ વેપાર સાઉથ ચાઇના સીના દરિયાઇ માર્ગે થાય છે. આ પ્રદેશનું ભૌગોલિક મહત્ત્વ તો છે જ સાથોસાથ તેના પેટાળમાં ક્રૂડ ઓઈલ અને ગેસના જંગી ભંડાર પણ ધરબાયેલા છે. આથી જ દસકાઓથી ચીને આ વિસ્તારમાં અડીંગો જમાવ્યો છે.
આંતરરાષ્ટ્રીય જળસીમાના નિયમ અનુસાર, કોઇ પણ દેશની જમીની સરહદ સાથે જોડાયેલા જળક્ષેત્રનો ૭૦ નોટિકલ માઇલ વિસ્તાર જે તે દેશની માલિકીનો ગણાય છે. આ વિસ્તાર પર જે તે દેશ સુવાંગ પ્રભુત્વ ધરાવતો હોય છે. આ પછીનો જળપ્રદેશ કોઇ દેશની માલિકીનો નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય જળપ્રદેશ ગણાય છે. જેમાંથી કોઇ પણ દેશના જહાજો અવરજવર કરી શકે છે. આખી દુનિયા આ નિયમ પાળે છે, સિવાય કે ચીન. સાઉથ ચાઇના સી વિસ્તાર ચીનની આંતરરાષ્ટ્રીય જળસીમાથી ૭૦ નોટિકલ માઇલ જ નહીં, સેંકડો નોટિકલ માઇલ દૂર છે. છતાં આ પ્રદેશ પર ચીન તેનો દાવો કરી રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય જળપ્રદેશમાં ચીને કૃત્રિમ ટાપુ પણ બનાવી નાખ્યા છે અને તેના પર એરસ્ટ્રીપ બનાવીને લશ્કરી થાણાં પણ સ્થાપ્યા હોવાના અહેવાલ છે. આ બધું તો ઠીક આ જળક્ષેત્રમાંથી પસાર થતાં અન્ય દેશના જહાજોને તેની જોહુકમીનો પણ સામનો કરવો પડે છે.
ચીને ટ્રિબ્યુનલમાં એવી દલીલ કરી હતી કે આ ક્ષેત્ર સાથેનો ચીનનો નાતો ૨૦૦૦ વર્ષ પુરાણો છે. સાથોસાથ તેણે એવી (હાસ્યાસ્પદ) દલીલ પણ કરી હતી કે દરિયાઇ પ્રદેશ સાથે ચીનનું નામ જોડાયેલું છે તે જ આ પ્રદેશ સાથેનો તેનો નાતો દર્શાવે છે! ચીનની આ દલીલ પ્રમાણે તો અરબી સમુદ્ર અરબ દેશોની માલિકીનો ગણાવો જોઇએ અને હિન્દ મહાસાગર ભારતની માલિકીનો. કેસની સુનાવણી વેળા ચીન આ પ્રદેશ સાથેનો તેનો નાતો ૨૦૦૦ હજાર વર્ષ જૂનો હોવાનું પુરવાર કરવામાં નિષ્ફળ રહેતા તેનો દાવો ફગાવી દેવાયો છે.
ચીનની નફ્ફટાઈની હદ તો એ છે કે તે હેગની આંતરરાષ્ટ્રીય લવાદ કોર્ટનો ચુકાદો માનવા તૈયાર નથી. ચુકાદો જાહેર થયાના બીજા જ દિવસે ચીને સાઉથ ચાઇના સી પોતાનું ૨૦૦૦ વર્ષ જૂનું અધિકાર ક્ષેત્ર હોવાના દાવાનો પુનરોચ્ચાર કર્યો છે. હંમેશા બીજા દેશોના પ્રદેશો પર કબજો જમાવવાની તાકમાં રહેતું ચીન એવું માને છે કે તેનું ભૌગૌલિક, રાજકીય અને આર્થિક કદ વધારે હોવાથી ઈચ્છા પ્રમાણે તે કંઈ પણ કરી શકે છે. તે ભારતની સરહદમાં, અરુણાચલ પ્રદેશ અને લેહ-લદ્દાખમાં ગમેત્યારે ઘૂસણખોરી કરી શકે છે. અરબી સમુદ્રમાં છેક અંદામાન નિકોબાર સુધી પોતાની સબમરિન લઈ આવી શકે છે અને જ્યાં ક્રૂડનો ભંડાર ધરબાયેલો છે તે સાઉથ ચાઈના સી પર પોતાનો એકાધિકાર હોવાનું પણ જાહેર કરી શકે છે.
સાઉથ ચાઇના સી મુદ્દે ફિલિપાઇન્સની તરફેણમાં આવેલા ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલના ચુકાદાનો જેટલો ફાયદો ફિલિપાઇન્સને થયો છે, તેથી વધુ લાભ ભારતને મળશે તેવી શક્યતા છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ચીન ચુકાદો સ્વીકારે કે જીદે ચઢીને તેને નકારે, ભારતને બન્ને સંજોગોમાં લાભ છે. તેમના મતે, જો ચીન આ ફેંસલો નહીં સ્વીકારવા અડગ રહેશે તો તે આંતરરાષ્ટ્રીય જગતમાં એકલુંઅટુલું પડી જશે. સામી બાજુ આંતરરાષ્ટ્રીય તખતે ભારતનું રાજદ્વારી વજન વધી શકે છે. ભારતનો ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)ના સભ્યપદનો માર્ગ આસાન બની શકે છે. ચીનનો સામનો કરવા માટે અન્ય આંતરરાષ્ટ્રીય મામલાઓમાં પણ ભારતની ભૂમિકા વધી જશે. બીજી તરફ, ચીન ચુકાદો સ્વીકારે (જેની શક્યતા બહુ ઓછી છે) તો તેમાં પણ ભારતના આર્થિક લાભો પણ છુપાયેલા છે. ભારત અને ચીન વચ્ચેના વિવાદોમાં સાઉથ ચાઇના સીના જળક્ષેત્રમાં ધરબાયેલા ક્રૂડ ઓઇલ અને ગેસ જથ્થાનો પણ સમાવેશ થાય છે.
દરિયાઇ સરહદ હોય કે જમીની, ચીન ભારત સાથે જ ઝઘડતું રહે છે તેવું નથી. સિંગાપોર અને ફિલિપાઈન્સ સાથેનો તેનો સરહદી વિખવાદ જરીપુરાણો છે. હવે સાઉથ ચાઇના સીના મુદ્દે મલેશિયા, ઇંડોનેશિયા, વિયેતનામ પણ ઇંટરનેશનલ ટ્રિબ્યુનલમાં જઇ શકે છે. આનાથી ‘આસિયાન’માં ધ્રુવીકરણ થઇ શકે છે.
હમણાં સુધી આ જળક્ષેત્રમાં જ્યારે પણ ઘર્ષણ થતું હતું ત્યારે દુનિયાને ઝાઝી જાણ થાય તે પહેલાં સમાધાન થઈ જતું હતું. જોકે હવે વાત વણસે તેવો ખતરો છે. આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલનું કહેવું છે કે સાઉથ ચાઈના સી પર ચીનની માલિકી હોવાના કોઈ જ પુરાવા નથી અને તે તેના પર દાવો ન કરી શકે. ચીને તેની આદત મુજબ આ ચુકાદાને ફગાવતાં કહ્યું છે કે તેને ચુકાદો સ્વીકાર્ય નથી. આથી ઉલ્ટું ચીને ચુકાદા બાદ સાઉથ ચાઇના સીના એક ભાગને સીલ કરીને ત્યાં સૈન્ય કવાયતના નામે કબજો જમાવ્યો છે, અન્ય દેશના જહાજોની અવરજવર પર અંકુશ લાદયા છે. ચીનનું આ જક્કી વલણ સ્પષ્ટ સંકેત આપે છે કે આગામી દિવસોમાં આ જળક્ષેત્રમાં વિસ્ફોટક સંજોગો સર્જાવાની પૂરી શક્યતા છે.