અમેરિકાએ સાતમી એપ્રિલે સીરિયાના ઇદલિબ એરબેઝ પર ૬૦ ટોમહોક ક્રૂઝ મિસાઇલ ઝીંક્યા તેની જગતભરમાં ચર્ચા ચાલી. કેટલાકે તો આ પગલાંને ત્રીજા વિશ્વયુદ્ધની દિશામાં પહેલું પગલું પણ ગણાવ્યું છે. જોકે સૌથી અફસોસજનક બાબત તો એ છે કે મિસાઇલ હુમલાના આ સમાચારોના દેકારામાં રાસાયણિક હુમલાનો ભોગ બનેલા ઇદલિબના નિર્દોષ નાગરિકોની દર્દભરી ચીસ દબાઇ ગઇ છે. સીરિયામાં બળવાખોર જૂથોના અંકુશ હેઠળના ઇદલિબ પ્રાંતમાં ચોથી એપ્રિલે રાસાયણિક બોમ્બ વડે હુમલો કરાયો. આમાં ૧૦૦ જણા અબાલવૃદ્ધ માર્યા ગયાના અહેવાલ છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ બોમ્બ હુમલો સીરિયાએ પોતાના જ દેશના નાગરિકો પર કર્યો છે. સીરિયાના આ અમાનવીય પગલાંના કારણે જ પોતાને મિસાઇલ હુમલાનું આક્રમક વલણ અપનાવવું પડ્યું હોવાનો અમેરિકી દાવો છે. લાંબા સમયથી અશાંતિની આગમાં લપેટાયેલા સીરિયામાં રાસાયણિક બોમ્બના ઉપયોગની આ કંઇ પહેલી ઘટના નથી. આ પૂર્વે પણ સરકારી સુરક્ષા દળો અને ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) સમર્થિત બળવાખોર જૂથો એકબીજા સામે રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરતા રહ્યા છે. યુનાઇટેડ નેશન્સ (યુએન)ના સંગઠન ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપનના કહેવા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં સીરિયાના લશ્કરી દળો બળવાખોરોને નાથવા માટે ત્રણથી ચાર વખત જુદા જુદા ઘાતક ગેસોનો રાસાયણિક શસ્ત્રો તરીકે ઉપયોગ કરી ચૂક્યા છે. યુએનએ હંમેશની જેમ ઇદલિબમાં થયેલા રાસાયણિક હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. અલબત્ત, હરહંમેશની જેમ આ વખતે પણ સરકારી સુરક્ષા દળોએ આ હુમલામાં પોતાનો હાથ હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. સીરિયન સરકાર અને બળવાખોરની આ લડાઇમાં પ્રજાનો ખો નીકળી રહ્યો છે. લશ્કરી હુમલામાં બળવાખોરોની સાથે સાથે નિર્દોષ નાગરિકો અને માસૂમ બાળકો જીવ ગુમાવી રહ્યા છે. રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ માત્ર સ્થાનિક પ્રજાજનો માટે જ નહીં, પરંતુ સમગ્ર પ્રદેશના પર્યાવરણને પણ બરબાદ કરી રહ્યા છે. ચોથી એપ્રિલના હવાઇ હુમલામાં રાષ્ટ્રપતિ બસર અલ અસાદને વફાદાર એવા સુરક્ષા દળોએ ક્લોરિન ગેસ ધરાવતા બાર્બેબિક બોમ્બનો ઉપયોગ કર્યો છે. આ ગેસના ઉપયોગથી અસરગ્રસ્ત વ્યક્તિનો શ્વાસ રુંધાવા લાગે છે અને તબીબી મદદ મળે તે પહેલાં તો વ્યક્તિ મોતના મુખમાં હોમાઇ જાય છે. તો બીજી તરફ, વિદ્રોહી જૂથ ખતરનાક મસ્ટર્ડ ગેસનો ઉપયોગ કરી રહ્યો છે. જેમાં અસરગ્રસ્તના આખા શરીર પર ફરફોલા ઉપસી આવે છે. રાસાયણિક હુમલાનો ભોગ બનેલી વ્યક્તિનું મોત બહુ જ પીડાજનક હોય છે, અને જે બચી જાય છે તે ગંભીર બીમારીનો ભોગ બને છે.
પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે બળવાખોર જૂથ રાસાયણિક શસ્ત્રનો ઉપયોગ કરે એટલે શું સીરિયાની સેનાએ પણ આ પ્રકારના ઘાતક શસ્ત્રનો ઉપયોગ કરવો જોઇએ? રાસાયણિક શસ્ત્ર ભલે અણુશસ્ત્રની શ્રેણીમાં ન આવતા હોય, પરંતુ તેની લાંબા ગાળાની આડઅસરોને ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ બિલકુલ ન જ થવો જોઇએ. આ હુમલો દુશ્મન પરનો નહીં, પણ માનવતા પરનો છે. એવું લાગે છે કે સીરિયાના રાષ્ટ્રપતિ અસાદનો વહીવટી તંત્ર કે લશ્કરી દળો પર અંકુશ જ રહ્યો નથી. લાંબા અરસાથી દેશમાં અરાજકતાનો માહોલ પ્રવર્તે છે પરંતુ તેઓ શાંતિ સ્થાપવામાં કે લોકોના માનવાધિકારોનું સદંતર નિષ્ફળ રહ્યા છે.
યુએનને રાસાયણિક શસ્ત્રોના દુષ્પરિણામોની ભયાનકતાને નજરમાં રાખીને આવા શસ્ત્રોના નિર્માણ, સંગ્રહ અને ઉપયોગ પર અંકુશ લાદવા માટે ૧૯૬૮માં સદસ્ય દેશોનું સંમેલન યોજ્યું હતું. ત્રણેક દસકા સુધી ચર્ચાવિચારણા બાદ - છેક ૧૯૯૭માં - નેધરલેન્ડમાં યોજાયેલા સંમેલનમાં આ સંધિને સમગ્ર વિશ્વમાં લાગુ કરવામાં આવી હતી. સીડબ્લ્યુસી નામે જાણીતી આ કેમિકલ વેપન્સ કન્વેન્શન સંધિને લાગુ કરાવવાની અને તેના પર નજર રાખવાની જવાબદારી ઓર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન (ઓપસીડબ્લ્યુ)ને સોંપાઇ છે. સંધિ અનુસાર ઓપીસીડબ્લ્યુનો ઉદ્દેશ તેની સીધી નજર તળે જુદા જુદા દેશો પાસે ઉપલબ્ધ રાસાયણિક શસ્ત્રોના જથ્થાને માત્ર નષ્ટ જ કરાવવાનો નહોતો, પણ બીજા દેશોને રાસાયણિક શસ્ત્રો બનાવતા અટકાવવાનો પણ હતો. સીરિયન સરકારે પણ વર્ષ ૨૦૧૩માં સીડબ્લ્યૂસી સંધિ પર હસ્તાક્ષર કરીને રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ નહીં કરવાનું વચન આપ્યું હતું. ઓક્ટોબર ૨૦૧૬ સુધી તો વિશ્વના ૯૩ ટકા દેશોએ જાહેર કરી દીધું હતું કે તેમણે પોતાના રાસાયણિક હથિયારો સંપૂર્ણ નષ્ટ કરી નાખ્યા દીધા છે. ભારતે પણ ૧૯૯૭માં સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. અલબત્ત, ભારતે સંધિ સ્વીકારતા એ શરતે રાસાયણિક શસ્ત્રો નાબૂદ કર્યા છે કે જો કોઇ દેશ તેના પર આક્રમણ કરશે તો તે સુરક્ષા માટે અણુશસ્ત્રોનો ઉપયોગ કરવા માટે મુક્ત રહેશે. ભારત સરકારની આ શરત તો વિરોધીઓને એ દેખાડવા માટે છે કે અમે કંઇ કમજોર નથી, પરંતુ સીરિયાની હાલત જોતાં તો એવું જ લાગે છે કે અસાદ સરકારને પોતાના નાગરિકોના જાનમાલની સુરક્ષાની કોઇ ચિંતા જ નથી. અસાદને તો કોઇ પણ ભોગે બળવાખોર જૂથોનો સફાયો કરીને પોતાની સત્તા બચાવવામાં રસ હોય તેવું લાગે છે. યુદ્ધ દરમિયાન પણ આંતરરાષ્ટ્રીય સંધિઓનું પાલન કરવાનું જ હોય છે, સીરિયન સરકારને જાણે આવી કોઇ પરવા જ નથી. સીરિયાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ યુનાઇટેડ નેશન્સે સવેળા સક્રિય થવું જ રહ્યું. આમ નહીં થાય ત્યાં સુધી સરકાર અને બળવાખોરોની લડાઇમાં નિર્દોષોનું નિકંદન નીકળતું રહેશે.