આ સંશોધનો અને અભ્યાસો પણ વિચિત્ર હોય છે. ન હોય તેમાંથી વિચારો ઉભા કરે છે જેવી રીતે ૨૦ માર્ચે વર્લ્ડ હેપીનેસ ડે ઉજવાયો તેમાં આપણે સુખી કે દુઃખી તેના વિચારો અને ચર્ચા શરુ થઈ ગયા છે. યુએન દ્વારા જાહેર કરાયેલા વર્લ્ડ હેપીનેસ ઈન્ડેક્સ માટે અભ્યાસ હેઠળના ૧૪૯ દેશોમાં ભારતનો ક્રમ લગભગ તળિયે એટલે કે ૧૩૯મો આવ્યો છે. આ ક્રમથી સુખી થવું કે દુઃખી તે જ નક્કી કરી શકાય તેમ નથી. આ ઈન્ડેક્સમાં ફિનલેન્ડ સતત ચાર વર્ષથી પ્રથમ ક્રમ જાળવી રાખે છે. લાઈફસ્ટાઈલ આધારિત વિવિધ ૨૩ સર્વેક્ષણ અને માપદંડોના આધારે કયા દેશમાં ખુશી ને સુખની લહેર વહે છે તેનો નિર્ણય લેવાય છે. આ સર્વેક્ષણની વિચિત્રતા તો એ પણ છે કે કંગાળ ગણાતું પાકિસ્તાન સુખી દેશોની યાદીમાં ભારત કરતા પણ આગળ છે. વાસ્તવમાં સુખ કે દુઃખ એ નજરિયાનો સવાલ છે, જેવી રીતે પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે અથવા અડધો ખાલી છે. અડધો ભરેલો ગ્લાસ સુખની અને અડધો ખાલી ગ્લાસ દુઃખની અનુભૂતિ કરાવે છે. સુખી માણસનું પહેરણ શોધવા માટે આકાશપાતાળ એક કરી નાખનારા રાજાને જ્યારે આવો માણસ મળ્યો કે જે કહી શકે કે હું સુખી છું ત્યારે એ માનવી પાસે પહેરણ જ ન હતું તે હકીકતે રાજાને શું વિચારવા પ્રેર્યો હશે? ભારતીય સંસ્કૃતિ તો કહે છે કે સંતોષી નર સદા સુખી.
અમેરિકા અને યુરોપના દેશોની સુખની વ્યાખ્યા અથવા બેરોમીટર ભારત જેવા દેશો કરતાં અલગ હોય એ સમજી શકાય એવી વાત છે. અમેરિકા અંગે સર્વેક્ષણનાં પરિણામ ચોંકાવનારા છે કારણકે કોવિડ-૧૯થી પાંચ લાખ મોત થવાં છતાં અમેરિકનોની ખુશીના સ્તરમાં સામાન્ય વધારો નોંધાયો છે. સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીના સર્વે અનુસાર ગત વર્ષે માર્ચ - એપ્રિલમાં અમેરિકનોમાં માનસિક તણાવ અને ચિંતા વધ્યાં હતા જેમાં પાછળથી ઘટાડો નોંધાયો હતો એટલે કે તીવ્ર દુઃખનું સ્થાન ઓછાં દુઃખે લઈ લીધું હતું.
મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનના સાપેક્ષતાના નિયમની કસોટીની એરણ પર સુખ અને દુઃખને તપાસવામાં આવે તો પણ દેશો અને લોકોની ખુશીની પરિભાષાઓ બદલાઈ જાય છે. કોઈ પણ સમાજ માટે રોટી, કપડા અને મકાનને પ્રાથમિક જરુરિયાતો ગણવામાં આવે છે. આ જરુરિયાતો સંતોષાતી હોય તે સમાજ ખુશ કે સુખી ગણાય છે. ચીનની વાત કરીએ તો ત્યાંની સરકાર પ્રજાજનોની આ પ્રાથમિક જરુરિયાતો મહદ્ અંશે પરિપૂર્ણ કરે છે પરંતુ, તેમની પાસેથી વાણી અને લાગણીની અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છીનવી લેવાય છે. ત્યાંના ઉઈગૂર મુસ્લિમો પર અત્યાચાર કરાતો હોય ત્યારે તેમને કેવી લાગણી થતી હશે તે આપણે કહી શકીએ ખરાં?
કોરોના મહામારીએ લોકો પાસેથી ઘણું છીનવી લીધું છે ત્યારે સર્વેક્ષણે જણાવ્યું છે કે ભારત સહિત ૯૫ દેશોમાં લોકો ગયા વર્ષની સરખામણીએ વધુ ખુશ રહ્યા છે. ભારતમાં ૨૦૧૭-૧૯ના ગાળામાં ખુશીનો આંક ૩.૬ હતો, જે ૨૦૨૦માં વધીને ૪થી થોડો વધુ થઈ ગયો છે. આ દેખીતો વિરોધાભાસ છે કારણકે આર્થિક માર પડ્યો હતો. અસંખ્ય લોકોની નોકરી જતી રહી પરંતુ, ખુશી એટલા માટે વધી છે કે લોકોએ પોતાનો વધુ સમય પરિવાર સાથે ગાળ્યો હતો. એકબીજાની સાથે રહીને તેમની સંવેદનાઓ ઓળખી હતી અને તેમાં સહભાગી થયા હતા. આમ, ભૌતિકતાની મર્યાદા જોવાં મળી હતી. બીજી એક વાત પણ ધ્યાનમાં રાખવી આવશ્યક છે કે માત્ર આધ્યાત્મિકતાના સહારે જીવન ચાલતું નથી. પ્રાથમિક અથવા પાયાની જરુરિયાતો પૂર્ણ થવા ઉપરાંત, કેટલીક લક્ઝરી ભોગવવાની ઈચ્છા પણ માનવી રાખે છે. આ માટે તેણે પુરુષાર્થ કરવો ફરજિયાત છે જેના થકી તે ઈચ્છિત પ્રાપ્ત કરી ખુશ રહી શકે છે. જોકે, ભારતીય તત્વજ્ઞાન અલગ કહે છે. ગીતાકાર શ્રી કૃષ્ણ કહે છે તેમ ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન’ના માપદંડ હેઠળ માનવીને કર્મનો જ અધિકાર છે, ફળનો નહિ. માત્ર પ્રાર્થના કરવાથી મોઢામાં કોળિયા ભરાતાં નથી.
પાશ્ચાત્ય દેશોમાં વડીલો માટે ઘરનું સ્થાન હવે વૃદ્ધાશ્રમો અથવા તો કેર હોમ્સે લીધું છે તેવા માહોલમાં લોકડાઉન્સે પરિવારને એક કર્યો હતો. જોકે, હવે ભારતમાં પણ હવા બદલાઈ છે અને વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે ત્યારે દિવસમાં બે વખત ભોજન ભલે મળી જાય પરંતુ, વાંસા પર સંતાનનો હાથ ફરતો રહેતો ન હોય તેવી અવસ્થામાં આ વડીલોની ખુશીનું માપ કેવી રીતે કાઢી શકાશે?