સુપ્રીમ કોર્ટનો સ્તુત્ય આદેશ

Tuesday 07th November 2017 16:25 EST
 

ભારતીય રાજકારણમાં ગુનાહિત ચારિત્ર્ય ધરાવતા રાજનેતાઓનો મુદ્દો કેટલાય વર્ષોથી ચર્ચાતો રહ્યો છે, ને હજુ કોણ જાણે કેટલાય વર્ષો ચર્ચાતો જ રહેશે તેમ લાગતું હતું. તંદુરસ્ત લોકતંત્ર માટે આ વલણ જોખમી હોવા છતાં લોકોએ આ ગંભીર મુદ્દાને સહજતાથી સ્વીકારી લીધો હતો. રાજકીય પક્ષો અને નેતાઓની દલા તરવાડી સ્ટાઇલ નીતિરીતિથી વાકેફ ભારતીયો આથી વિશેષ કંઇ કરી પણ શકે તેમ નહોતા. જોકે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે - એક જનહિત અરજીની સુનાવણી વેળા - આવા ખરડાયેલા રાજનેતાઓ સામે જે પ્રકારે આકરું વલણ અપનાવ્યું છે તે જોતાં લાગે છે કે વહેલા-મોડાં હવે આવા નેતાઓનું ભવિષ્ય ન્યાયના ત્રાજવે અવશ્ય તોળાશે. સુપ્રીમ કોર્ટે ભારત સરકારને સુચના આપી છે કે રાજકીય નેતાઓ સામેના કેસોની ઝડપી અને સમયસર સુનાવણી માટે વિશેષ અદાલતો સ્થાપવા ઘટતી કાર્યવાહી કરો.
ભારતીય રાજકારણ ચારેક દસકાઓ અગાઉ આવું કલંકિત કે ખરડાયેલું નહોતું. મોટા ભાગના લોકો જનસેવાના ઉદ્દેશ સાથે રાજકારણમાં જોડાતા હતા. જનાદેશ મળ્યે સત્તાના સૂત્રો સંભાળતા હતા અને તન-મન-ધનથી દેશસેવામાં સમર્પિત રહેતા હતા. રાજકારણમાં ગંદકી તો હતી પણ માંડ પાંચેક ટકા. બાકી ૯૫ ટકા રાજકારણ અને નેતાઓ એટલા જ શુદ્ધ રહેતા હતા જેટલા એક સમયે ગંગા અને જમના હતા. આજે દસકાઓના વહેવા સાથે ગંગા અને જમનાથી માંડીને ભારતીય રાજકારણમાં સ્થિતિ તદ્દન બીજા છેડાની છે - સવિશેષ તો છેલ્લા અઢી દસકામાં. રાજકારણથી માંડીને ગંગા અને જમનામાં એટલું પ્રદૂષણ ફેલાયું છે કે તેની સ્વચ્છતા માટે નીતનવા કાયદાકાનૂન જ નથી ઘડવા પડતાં, પણ દેશનાં ભૂખ્યાતરસ્યાં પ્રજાજનોનું પેટ ખાલી રાખીને પણ તેની સફાઇ પાછળ અબજો-ખર્વો રૂપિયા વાપરવાં પડી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં રજૂ થયેલી અરજીના પરિણામે જ સરકાર નેતાઓ સામેના પેન્ડીંગ કેસોનો વહેલી તકે નિવેડો લાવવા માટે ખાસ અદાલતો રચવા તેમજ દોષિત રાજનેતાઓને ચૂંટણી લડતાં રોકવા આવશ્યક પગલાં લેવા તૈયારી શરૂ કરી છે. આજે દેશની આમજનતા માટે જો કોઇ આશાનું કિરણ હોય તો છે સર્વોચ્ચ અદાલત. લોકો જાણે છે કે જો જરાક પણ તક મળી તો સત્તાધીશો અને નેતાઓ સુપ્રીમ કોર્ટની પકડમાંથી પણ છટકી જવાની કોશિષ અવશ્ય કરશે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી અન્ય પક્ષ, પોતાના જ પગ પર કુહાડી મારવાનું તે વળી કોને ગમે? હાલમાં ૧૫૮૧ નેતાઓ સામે એક યા બીજા પ્રકારે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. જો આમાંથી ૧૦ ટકાને પણ સજા મળી ગઇ અને તેમના ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ લદાઇ જશે તો બીજા રાજનેતાઓ ગુનાહિત પ્રવૃત્તિ કરતાં દસ વખત વિચાર કરશે. ભય બિન પ્રીત નહીં એમ કંઇ અમસ્તું નથી કહેવાયું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter