ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ફરી સમાચારમાં છે. માત્ર એક ટ્વીટ વાંચીને લોકોની નાની-મોટી સમસ્યા દૂર કરી દેતાં સુષમા સ્વરાજે આ વખતે સંકુચિત વિચારસરણી ધરાવતા લોકોને ઝાટક્યા છે. હિન્દુ જાગરણ સંઘે ટ્વીટ કર્યું હતું કે મોદીજી, આપના સુષમા સ્વરાજ મુસ્લિમ વિઝા પર જ ધ્યાન આપે છે. હિન્દુઓને ભારતના વિઝા મેળવવામાં ઘણી હાલાકી ભોગવવી પડે છે. ઘણી મુશ્કેલી છે... હિન્દુ સ્વરાજ મંચના આ આક્ષેપનો સુષમા સ્વરાજે બહુ સ્વસ્થ, પણ સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો છે. મુસલમાનોને વધુ વિઝા આપવાના આરોપ સંદર્ભે સુષમાએ કહ્યું છે કે ભારત મારો દેશ છે, ભારતીયો મારા છે. મારા માટે જાતિ, પ્રદેશ, ભાષા કે ધર્મનું કોઇ મહત્ત્વ નથી.
સુષમા સ્વરાજની વાત સાચી છે. તેમના માટે જાતિ, પ્રદેશ, ભાષા કે ધર્મનું કોઇ મહત્ત્વ ન જ હોવું જોઇએ, કેમ કે તેઓ કોઇ પક્ષના નહીં, પરંતુ સમગ્ર દેશના પ્રધાન છે. વિદેશ પ્રધાન તરીકે સુષમા સ્વરાજે જે પ્રકારે દેશવાસીઓ માટે કામ કર્યું છે, તેમાંથી બીજા પ્રધાનોએ પણ બોધપાઠ લેવા જેવા છે. વિદેશોમાં ફસાયેલા ભારતીયોને છોડાવવાની વાત હોય કે ભારતીય તિરંગો ધરાવતા ડોરમેટ અને ગાંધીજીની તસવીરોવાળા સ્લીપર વેચતી કંપનીને ફટકાર લગાવવાની વાત હોય, સુષમાએ બખૂબી પોતાની જવાબદારી નિભાવી છે.
કેટલાક તત્વો હિન્દુ અને મુસ્લિમોના નામે દેશના ભાગલા પડાવવા માટે પહેલાથી જ સક્રિય રહ્યા છે. લગભગ દરેક રાજકીય પક્ષોમાં કેટલાક એવા તત્વો હોય છે, જેઓ દરેક મુદ્દાને ધર્મ સાથે જોડીને તેમાંથી રાજકીય સ્વાર્થ સાધવાની વેતરણમાં હોય છે. ગુલામીની ઝંઝીરમાંથી મુક્તિ મળ્યા બાદ ભારતે દરેક મોરચે પ્રગતિના નવા શીખરો સર કર્યા છે. દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ પણ ઉભી કરી છે. આમ છતાં એક હકીકત એ પણ છે કે જો રાજકીય પક્ષોએ થોડીક વધુ ઉદારતા દેખાડી હોત, મોકળા મને મતભેદો નિવાર્યા હોત તો આ જ ભારત દેશ હજુ પણ બીજી અનેક સમસ્યાઓથી મુક્તિ મેળવી શક્યો હોત. ધર્મના નામે ભારતે અનેક વાદવિવાદ જોયા છે, અને તેના માઠાં પરિણામ પણ ભોગવ્યા છે - આઝાદીના અરસામાં, અને તે પછીના સમયગાળામાં પણ. કોમી તોફાનોની અગનજ્વાળા હજારો માનવજિંદગીને ભરખી ગઇ છે. અબજો-ખર્વો રૂપિયાની જાહેર અને ખાનગી સંપત્તિ તબાહ થઇ છે. સાથે સાથે જ દેશમાં અવિશ્વાસનો માહોલ સર્જાયો. સમયના વહેવા સાથે આ અવિશ્વાસ ઘટવો જોઇએ, તેના બદલે અંતર વધતું જ ગયું. દેશ ભલે આર્થિક વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યો હોય, પરંતુ તાતી જરૂર તો અવિશ્વાસનો આ માહોલ દૂર કરીને દેશના તમામ - સવાસો કરોડ ભારતીયોમાં ભારતીયતાની ભાવના જાગૃત કરવાની છે. દરેક ભારતીય પોતાના ધર્મ પહેલાં પોતાના રાષ્ટ્ર માટે વિચારે તેવો માહોલ સર્જવાની જરૂર છે. અને આવું ત્યારે જ સંભવ છે જ્યારે માત્ર સરકાર જ નહીં, પણ તમામ રાજકીય પક્ષો અને નેતાઓ પણ તેને અનુરૂપ આચરણ પણ કરે. દેશવાસીઓની સામે આચાર-વિચારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કરે. વિદેશ પ્રધાન હોવાના નાતે સુષમા સ્વરાજે આ જ તો કર્યું છે. સંકુચિત રાજકીય વિચારસરણી કોઇ પક્ષ કે નેતાને સંભવતઃ તાત્કાલિક લાભ ભલે કરાવી દેતી હશે, પરંતુ આવો અભિગમ પક્ષ કે નેતાનું કદ ક્યારેય નથી વધારી શકતો. ઇતિહાસમાં હંમેશા એ લોકો જ સ્થાન મેળવતા હોય છે કે જેઓ સહુને સાથે રાખીને ચાલે છે.