મોહમ્મદ પયગંબર સાહેબ સંદર્ભે થયેલા ઉચ્ચારણોના પગલે ઉઠેલો વિવાદનો વંટોળ શમવાનું નામ લેતો નથી. ભારતના અનેક શહેરોમાં આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. અને વિરોધનાં નામે કાનપુરથી ફેલાયેલી હિંસાની આ અગનજવાળાને કોઇ પણ સંજોગોમાં વાજબી ઠેરવી શકાય તેમ નથી. શુક્રવારે તો હદ થઇ ગઇ. જુમ્માની નમાઝ બાદ ઝારખંડ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, કાશ્મીર, પશ્ચિમ બંગાળનાં અનેક શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શન થયા. ઠેર ઠેર પથ્થરબાજી, આગજની, મંદિરોમાં તોડફોડ અને પોલીસ જવાનો પર હુમલાના ટીવી દૃશ્યોએ દુનિયાભરમાં વસતાં ભારતીયોને હચમચાવી નાંખ્યા છે. મુસ્લિમ બિરાદરો મસ્જિદોમાં નમાજ થકી શાંતિ અને ખુશહાલી માટે દુઆ કરતા હોય છે, પણ કેટલાક તોફાની તત્વોએ પવિત્ર મસ્જિદમાંથી બહાર નીકળ્યા બાદ તેનાથી ઉલ્ટું જ આચરણ કર્યું. આ તત્વોએ ગણતરીની મિનિટોમાં ઉશ્કેરાટ ફેલાવીને ભારે પથ્થરબાજી કરી - આગચંપી કરી. ઝારખંડ હોય કે ઉત્તર પ્રદેશ, કાશ્મીર હોય કે પશ્ચિમ બંગાળ, દેશભરમાં જોવા મળેલી એક જ પેટર્ન પૂર્વયોજિત ષડયંત્રનો સંકેત આપે છે. પ્રાથમિક તપાસ પણ આ જ દિશામાં અંગૂલિનિર્દેશ કરે છે. હવે સુરક્ષા એજન્સીઓએ આ કાવતરાં પાછળ કોનો હાથ છે તે શોધવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરવી પડશે. સાચી વાત તો એ છે કે આ હિંસા - અશાંતિ દેશ અને સમાજમાં વૈમનસ્ય ઊભું કરવાના ઇરાદે જ આચરાયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. અમુક તત્ત્વો આ વિવાદ શમે નહીં તે માટે સક્રિય હોય તેવું સ્પષ્ટ જણાય છે. નૂપુર શર્માએ પોતાના વિવાદાસ્પદ વિધાનો માટે માફી માગી લીધી છે, ભાજપે નૂપુર શર્મા અને નવીન જિંદાલ સામે કાર્યવાહી કરી છે અને મુસ્લિમ બિરાદરીની મોખરાની સંસ્થા જમિયત-ઉલેમા-એ-હિંદે નુપૂર શર્માને માફ કરી દેવાની હાકલ કરીને મુસ્લિમ નેતાઓને ઉશ્કેરણીજનક નિવેદનો નહીં કરવા તાકીદ કરી છે. આમ છતાં વિવાદ સળગી રહ્યો છે તે શું દર્શાવે છે?!
ચિંતાજનક બાબત એ છે કે આવાં તોફાનોથી હિન્દુ અને મુસ્લિમો વચ્ચેનો ખટરાગ વધી શકે તેમ છે. હિંસક માહોલ લાંબો સમય રહ્યો તો કોમી ભાઇચારાના વર્ષોજૂનાં તાણાંવાણાં નબળાં પડી શકે છે. આજે દેશની એકતા અને અખંડિતતા જાળવવાની તાતી જરૂરત છે તેવા સમયે કોમી લાગણીને ઉશ્કેરે - તણાવ વધારે તેવા ષડયંત્ર સામે આકરાં પગલાં લેવા જ રહ્યાં. ભૂતકાળમાં હિન્દુ દેવીદેવતાઓના અપમાનની પણ અનેક ઘટનાઓ બની છે (અને આ અપમાન કરનારાઓમાં ચોક્કસ સમુદાયના લોકોની સંખ્યા સવિશેષ રહી છે તેનાથી કોણ અજાણ છે?). આવા સમયે હિન્દુ સમુદાયે પણ નારાજગી - ગુસ્સો - આક્રોશ વ્યક્ત કર્યા છે, પરંતુ તેમણે ક્યારેય હિંસક વિરોધ પ્રદર્શનનો માર્ગ અપનાવ્યાનું જાણમાં નથી. આ સમજદારી - પાકટતા - ઔદાર્યપૂર્ણ અભિગમ અન્ય સમુદાયે પણ અપનાવવો રહ્યો. સહુ કોઇએ સમજવું રહ્યું કે ધાર્મિક લાગણીઓનાં નામે હિંસા આચરીને આપણે ખુદનું જ નહીં, દેશનું અને સમાજનું ભારે નુકસાન કરી રહ્યા છીએ. તાજેતરનાં હિંસક તોફાનો સંદર્ભે સંબંધિત તંત્રોએ ત્વરિત કાર્યવાહી કરી છે તે આવકાર્ય છે. ઉત્તર પ્રદેશમાં સેંકડો તોફાનીઓની ધરપકડ થઇ છે અને જનસમુદાયને ઉશ્કેરનારા નઠારા તત્વોની ગેરકાયદે મિલકતો પર બુલડોઝર ફરી વળ્યા છે. પશ્ચિમ બંગાળમાં સંબંધિત પોલીસ અધિકારીઓની બદલી કરી નખાઇ છે. અને ઉશ્કેરણીથી પ્રેરાઇને ગેરમાર્ગે દોરાયેલા તોફાનીઓને તેમની ભૂલનો અહેસાસ થઇ રહ્યો હોવાના અહેવાલ છે. આવા સમયે રાજ્ય સરકારોએ વિવિધ સમુદાયો - સંપ્રદાયો વચ્ચે સંવાદ અને સંપર્કનો સેતુ ફરી સ્થાપવા, સંબંધોના તાણાવાણાને વધુ મજબૂત બનાવવા માટે નક્કર પ્રયાસો કરવાની જરૂર છે. ગેરસમજની હવા દૂર થશે ત્યારે જ બે સમુદાય વચ્ચે, બે ધર્મના લોકો વચ્ચે સૌહાર્દ વધશે, અને તમામ વર્ગો વચ્ચે અમન-શાંતિ સ્થપાશે.