હજારો વિદેશી વિદ્યાર્થીઓ, તેઓ અંગ્રેજી ભાષામાં કુશળતા તથા પૂરતી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાનું પુરવાર કર્યા વિના તેમજ તેમની પાસે પૂરતું નાણાકીય ભંડોળ ન હોય તો પણ હવે બ્રિટિશ યુનિવર્સિટીઓમાં ભણવાનો લહાવો મેળવી શકશે. સારી વાત છે પરંતુ, આ લાભ ભારતીય વિદ્યાર્થીને નહીં મળે. થેરેસા મે સરકારના હોમ સેક્રેટરી સાજિદ જાવિદે ૧૫ જૂને ઈમિગ્રેશન નીતિમાં આ ફેરફારો પાર્લામેન્ટમાં રજૂ કરી ભારતીયોને આઘાતનો આંચકો આપ્યો છે.
બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા માટે વિઝાઅરજી પ્રક્રિયાને વધુ હળવી બનાવાઇ છે. વિદેશથી વધુને વધુ વિદ્યાર્થી બ્રિટનમાં ભણવા આવે તે માટે નિયમો હળવા કરાયા છે, જેનો અમલ ૬ જુલાઈથી થશે. બ્રિટિશ હોમ ઓફિસે વિદેશી વિદ્યાર્થી માટે ટિયર-૪ વિઝા કેટેગરીમાં કેટલીક છૂટછાટો જાહેર કરી છે, જેનો લાભ અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, ચીન, સર્બિયા, આર્જેન્ટિના, બાર્બાડોસ, બોસ્ટવાના, બ્રૂનેઈ, ચિલી, હોંગકોંગ, જાપાન, કમ્બોડિયા, થાઈલેન્ડ, ઈન્ડોનેશિયા, મલેશિયા, કતાર, સાઉથ કોરિયા, સિંગાપોર, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, તાઈવાન અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ સહિત ૩૦ દેશો મેળવી શકશે. આ દેશોના વિદ્યાર્થીને બ્રિટનની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા શિક્ષણ, ફાઈનાન્સ અને અંગ્રેજી ભાષામાં કૌશલ્ય જેવા માપદંડોમાં હળવી તપાસમાંથી પસાર થવાનું રહેશે. વિશ્વના ૩૦ દેશોના વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમોમાં હળવાશ જાહેર કરાય ત્યારે સ્વાભાવિક છે કે ભારતને તેમાં સ્થાન મળે તેવી અપેક્ષા બ્રિટન પાસેથી હોય. ખાટલે ખોડ તો એ જ રહી છે કે આ યાદીમાં ભારતને બાકાત રખાયું છે. મતલબ કે ભારતીય વિદ્યાર્થીઓને વિઝાના કઠોર માપદંડોમાંથી પસાર થવાનું જ રહેશે. નવા ફેરફારોનો લાભ ભારતીય વિદ્યાર્થીઓને નહિ અપાતા ભારતીય સમુદાયમાં રોષ ફેલાય તે પણ સ્વાભાવિક છે કારણ કે આ તો જમવામાં જગલો ને કૂટવામાં ભગલો જેવી જ નીતિ બ્રિટને અપનાવી છે. યુકેના નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્યુમની યુનિયને પણ ભારતને હળવા વિઝા નિયમોની યાદીમાંથી બાકાત રખાતાં નારાજગી દર્શાવી છે.
વિઝા અરજીની પ્રોસેસ કામગીરી માટે બ્રિટિશ સરકારે સિસ્ટમનો ઓછો દુરુપયોગ કરે તેવાં ઓછાં જોખમો ધરાવતા દેશો અને વિદ્યાર્થીની યાદી બનાવી છે. આનો અર્થ એ પણ થાય કે બ્રિટને ભારતને વધુ જોખમવાળો દેશ ગણ્યો છે. એક તરફ, ભારત સાથે દ્વિપક્ષી અને વેપારી સંબંધો વધુ ગાઢ બનાવવાની જાહેરાત કરવી, બ્રેક્ઝિટ પછી ભારતીય બજારોનો લાભ લેવા વડા પ્રધાન મે અને તેમના પ્રધાનો દ્વારા ભારતની મુલાકાતો લેવી અને બીજી તરફ, ભારતને જ વધુ જોખમ ધરાવતો દેશ ગણવો તેમાં તર્કસંગત શું તે જ કહી શકાય તેમ નથી.
મોટા પ્રમાણમાં ભારતીયો બ્રિટન જઇને વસ્યાં છે. ભારતથી આફ્રિકા અને આફ્રિકાથી બ્રિટન ગયેલા લોકોની સંખ્યા પણ મોટી છે. અમેરિકા અને કેનેડાની જેમ સૌથી વધુ ઇમિગ્રેશન ભારતમાંથી થાય છે, જેમાં હાઈ સ્કીલ્ડ માઈગ્રન્ટ્સનું પ્રમાણ વધુ છે. બ્રિટનના આર્થિક વિકાસમાં ભારતીયોનો ફાળો મહત્ત્વપૂર્ણ છે. બ્રિટન હવે યુરોપિયન યુનિયનમાંથી નીકળી જાય તે પછી સરળ વેપારની અનુકૂળતા પણ રહેવાની નથી. આ સંજોગોમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન શા માટે તે સમજી શકાતું નથી.
બ્રિટનસ્થિત મૂળ ભારતીય ઉદ્યોગસાહસિક, યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ચેરમેન, કોબ્રા બિયરના સ્થાપક અને યુકે કાઉન્સિલ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અફેર્સના પ્રમુખ લોર્ડ કરણ બિલિમોરિયાએ સ્વાભાવિક રીતે જ બ્રિટનનાં આ પગલાંને ભારતનાં દેખીતા અપમાન સમાન ગણાવ્યું છે. ઇમિગ્રેશન માટે બ્રિટનનું આ આક્રમક વલણ ભારતવિરોધનું બીજું ઉદાહરણ છે. ભારતને બ્રિટિશ સરકારે આ બીજો ફટકો માર્યો છે. ટિયર-૪ નિયમોમાંથી ભારતને બાકાત રાખવાથી ભારત પ્રત્યે ખોટા સંકેતો જઈ રહ્યા છે. બ્રિટન એક તરફ બ્રેક્ઝિટ પછી ભારત સાથે વેપારવૃદ્ધિ અને મુક્ત વેપાર કરારની વાતો કરે છે અને બીજી તરફ ભારત તરફ બેહૂદું વલણ અપનાવે ત્યારે ભારત પાસેથી તે વધુ વેપારની અપેક્ષા કેવી રીતે રાખી શકે? ભારત હંમેશાં બ્રિટનનું ગાઢ સાથી બની રહ્યું છે અને ઊભરતું વૈશ્વિક અર્થતંત્ર છે, તેના વિશાળ બજારની બ્રિટનને વિશેષ આવશ્યકતા છે ત્યારે બ્રિટનનાં આ પગલાંથી તેને જ નુકસાન થશે અને બંને દેશ વચ્ચેના સંબંધો બગડશે.
યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓમાં ભારતીયો ત્રીજા નંબરે છે. ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર ચીન, અમેરિકા પછી ભારતના સૌથી વધુ વિદ્યાર્થીઓ બ્રિટનની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવે છે. જોકે, છ વર્ષ અગાઉ, ભારતથી ૩૦,૦૦૦ જેટલા વિદ્યાર્થી યુકેમાં અભ્યાસાર્થે ગયા હતા અને આજે તેમની સંખ્યા અડધી થઈ છે તેનું કારણ સમજવા બ્રિટન જરા પણ તૈયાર હોય તેમ લાગતું નથી. યુકેમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિ ડામાડોળ છે અને સરકારી ભંડોળ પૂરતું મળતું ના હોવાથી યુનિવર્સિટીઓને વિદેશી વિદ્યાર્થીઓની જરૂર છે અને ભારતમાંથી વધારે પ્રમાણમાં વિદ્યાર્થીઓ આવે તેમ પણ તેઓ ઇચ્છે છે. વિદેશી વિદ્યાર્થીઓ બ્રિટિશ અર્થતંત્રમાં વાર્ષિક ૨.૩ બિલિયન પાઉન્ડનો ફાળો આપે છે. યુકેની કડક વિઝાનીતિના કારણે અહીં અભ્યાસ કરવા આવવામાં ભારતીય વિદ્યાર્થીઓને અગાઉ કરતાં ઓછો રસ છે. ભારતીય વિદ્યાર્થીઓ હવે અભ્યાસ માટે સૌથી વધુ અમેરિકા અને તે પછી ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ, કેનેડા વગેરે દેશો પર પસંદ ઉતારતાં થયાં છે. બ્રિટિશ યુનિવર્સિટીઓને ચિંતા છે કે ભારતીય વિદ્યાર્થીઓ યુએસ અને ઓસ્ટ્રેલિયા જ પસંદ કરી રહ્યા છે, ફ્રાન્સ અને જર્મની પણ જાય છે, પણ બ્રિટન આવવા તૈયાર નથી. આવાં સંજોગોમાં ભારતીય વિદ્યાર્થીઓને ફરી આકર્ષવા અને તેમની સંખ્યા વધી જાય તેવા પ્રયાસો યુકે સરકાર કેમ કરતી નથી તે લોકોને પણ સમજાય તેમ નથી.
જોકે, સમગ્રતયા વિઝાનીતિમાં ફેરફારોની એક સારી બાજુ એ છે કે બિન-ઈયુ દેશોના માઈગ્રન્ટ્સ અને નિર્વાસિતો પણ બ્રિટનમાં કામ કરવા અને રહેવા માટે આવી શકશે. હજારો વિદેશી ડોક્ટર્સ અને નર્સીસને યુકેમાં કામ કરવા લાવી શકાય તે માટે ઈમિગ્રેશન નિયંત્રણો હળવાં કરાયાં હોવાથી બિઝનેસીસ અને નોકરીદાતાઓ ઈજનેરો, આઈટી પ્રોફેશનલ્સ અને શિક્ષકો સહિત વધારાના ૮,૦૦૦ બિન-ઈયુ સ્કીલ્ડ વર્કર્સને યુકેમાં લાવી શકશે. આના પરિણામે, ભારત જેવા દેશોમાંથી પ્રોફેશનલ્સને યુકેમાં કામ કરવા લાવવાનું સરળ બનશે.
હળવાશપૂર્ણ ઈમિગ્રેશન નીતિની યાદીમાં કમ્બોડિયા, થાઈલેન્ડ, કુવૈત, બહેરિન, સર્બિયા, મકાઉ, માલદીવ્ઝ, મેક્સિકો અને ઈન્ડોનેશિયા સહિત વધુ ૧૧ દેશોનો ઉમેરો કરી શકાય અને ‘હાઈ રિસ્ક’ ગણાવી ભારતનો ઉમેરો ન થાય તે તર્ક જરાય ગળે ઉતરતો નથી. ભારતીય વિદ્યાર્થીને અગાઉની જેમ જ વિઝા મળતા રહેશે તેવો બ્રિટિશ હોમ ઓફિસનો બચાવ પણ તર્કસંગત નથી. હોમ ઓફિસે યુએસ અને ચીન પછી સૌથી વધુ વિઝા ભારતીય વિદ્યાર્થીને અપાતા હોવાં તરફ પણ ધ્યાન દોર્યું છે. પરંતુ, મુખ્ય મુદ્દો તો હળવાશ રાખવાની હોય તેવા દેશોની યાદીમાં ભારતને સ્થાન કેમ અપાયું નહિ તે જ છે.
ભારતને હળવી સ્ટુડન્ટ વિઝાનીતિમાં સ્થાન કેમ ન અપાયું તેની પણ વાતો કર્ણોપકર્ણ ચાલી રહી છે. ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સને પરત લેવા મુદ્દે ચાલતી વાટાઘાટોમાં ભારત મચક આપી રહ્યું નથી. આના મુસદ્દા પર હસ્તાક્ષર કરવા નરેન્દ્ર મોદી સરકાર રાજી નથી. યુકેમાં એક લાખ જેટલા ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સ હોવાના આંકડા સાથે ભારત સંમત નથી. બ્રિટન તેના વિઝાનિયમો હળવા બનાવે અને તે પછી જે ભારતીયોને વિઝા કે વસવાટ મળી શકે તેમ ન હોય તેના વિશે વિચારવા ભારત રાજી થઈ શકે છે. ગેરકાયદે ભારતીય ઈમિગ્રન્ટ્સ અને સ્ટુડન્ટ વિઝાના મુદ્દાઓ સાંકળી લેવા યોગ્ય નથી. ભારત અને ભારતીય વિદ્યાર્થીઓ સાથે અન્યાયનો વિરોધ થવો જ જોઈએ.