૧૪ નવેમ્બરનો દિવસ ભારતમાં બાળ દિન તરીકે ઉજવાય છે, પણ આ દુનિયા આ દિવસ ડાયાબિટીસ ડે તરીકે મનાવે છે. વિશ્વભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે તે જોતાં તબીબી નિષ્ણાતો જોરશોરથી કહી રહ્યા છે હજુ પણ સમય છે ચેતી જાવ... જો આ રોગને ઉગતો જ નહીં ડામો તો હેરાન-પરેશાન થઇ જશો. ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા જે ઝડપે વધે છે તે જોઇને નિષ્ણાતો બહુ ચિંતિત છે. ૧૯૮૦માં વિશ્વમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ૧૮ કરોડ હતી, જેમાં આજે ૬૦ ટકાનો વધારો થયો છે. આજે વિશ્વમાં ૪૨.૨ કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે, જેમાંથી ૧૭ કરોડથી વધુ દર્દી તો ભારત - ચીનમાં છે. હાલ વિશ્વમાં ડાયાબિટીસની સારવાર પાછળ ૮૨૭ બિલિયન ડોલરનો તોતિંગ ખર્ચ થાય છે, જે ૨૦૩૦માં વધુને બમણો થવાની શક્યતા છે. આમ ડાયાબિટીસની બીમારી દર્દીના શરીર માટે જ નહીં દેશના અર્થતંત્ર માટે પણ નુકસાનકારક છે. અનિયમિત જીવનશૈલી, વ્યાયામનો અભાવ, તણાવયુક્ત જિંદગી, મેદસ્વીતા સહિતના પરિબળો શરીરમાં ડાયાબિટીસ નોતરે છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં જે ઝડપે ડાયાબિટીસ દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતાં નિષ્ણાતો કહે છે કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ભારત બહુ જલ્દી ડાયાબિટીસની રાજધાની બની જશે. ભારતમાં એક તરફ લોકોને ભરપેટ ભોજન મળતું નથી તો બીજી તરફ એક બહોળો વર્ગ જરૂરત કરતાં વધુ કે વધુ કેલરીયુકત ભોજનનું સેવન કરીને ડાયાબિટીસ ભણી આગળ વધી રહ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર ડાયાબિટીસથી મૃત્યુના ૮૦ ટકા કિસ્સા ઓછી કે મધ્યમ આવક ધરાવતા દેશોમાં નોંધાય છે. ડાયાબિટીસના કારણે વર્ષે ૫૦ લાખ લોકો મૃત્યુ પામે છે. આપણા શરીરમાં રહેલું પેન્ક્રિયાઝ પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિનનું પેદા ન કરે ત્યારે ડાયાબિટીસ થાય છે. લોહીમાં શુગરનું સતત ઊંચુ પ્રમાણ શરીરના મહત્ત્વના તમામ અંગોને પ્રભાવિત કરે છે. આ વ્યાધિ મુખ્યત્વે કિડની, આંખ, હૃદય, અને કોશિકાઓને પ્રભાવિત કરે છે. જો રોગનું સત્વર નિદાન ન થાય તો અનેક રીતે શરીરને નુકસાન કરે છે. અલબત્ત, યોગ્ય ઉપચાર દ્વારા મહદ્ અંશે ડાયાબિટીસની આડઅસરથી બચી શકાય છે. સ્વસ્થ જીવનશૈલી, સમયસર ઊંઘવું અને જાગવું, સમયસર ભોજન, યોગ્ય વ્યાયામ, તણાવથી મુક્તિ ઉપરાંત નિયમિત દવા આ રોગથી બચાવે છે. ઘણા લોકો કહે છે કે ડાયાબિટીસથી ડરાવો નહીં. આ રોગની માહિતી મેળવીને માનસિક તણાવ વધે છે.
પરંતુ શાહમૃગની જેમ રેતીમાં માથું ખોંસી દેવાથી શું આ રોગની આડઅસરોથી બચી જવાના છીએ? ના, જે દર્દી ડાયાબિટીસ અંગે જેટલી વધુ જાણકારી અને સાવચેતી રાખે છે એટલો જ તે દીર્ઘાયુ બને છે. ડાયાબિટીસ જેવા જીવનપર્યંત સાથે રહેનારા રોગ સંદર્ભે જાગ્રતિ જરૂરી છે. જો યોગ્ય પગલાં લેવાય તો લગભગ બે-તૃતિયાંશ દર્દીને ડાયાબિટીસનો ભોગ બનતાં અટકાવી શકાય છે. યોગ્ય જીવનશૈલીના અનુસરણથી આ શક્ય છે. ડાયાબિટીસની મોટા ભાગની દવાઓ સુરક્ષિત છે અને તેની આડઅસરો પણ નજીવી છે.
આ રોગની સારવાર સંબંધિત સંશોધન સતત ચાલુ છે. આશા છે કે ભવિષ્યમાં ઇન્સ્યુલિનની ગોળી કે સ્ટેમ સેલ પ્રત્યારોપણ દ્વારા રોગનો સરળ ઉપચાર શક્ય થશે, પરંતુ અત્યારે તો ડાયાબિટીસથી બચવાનો એકમાત્ર અસરકારક ઉપાય છે - તંદુરસ્ત જીવનશૈલી.