ભારતભરમાં લોકો ગણેશ ચતુર્થી પર્વ ઉજવી રહ્યા હતા ત્યારે હરિયાણાનું પંચકૂલા ભડકે બળી રહ્યું હતું. એક (અ)‘ધર્મગુરુ’ નામે બાબા રામ રહીમ સિંહને હાઇ કોર્ટે બળાત્કાર કેસમાં દોષિત ઠરાવતા તેમના હજારો અનુયાયીઓ રસ્તાઓ પર ફરી વળ્યા હતા. અનેક દુકાનો-ઇમારતોમાં તોડફોડ કરી, સેંકડો વાહનોને આગ ચાંપી, પથ્થરમારો કર્યો. વિરોધ પંચકૂલા પૂરતો સીમિત નહોતો, રાજ્યના અન્ય ભાગ ઉપરાંત પંજાબ, દિલ્હી-ઉત્તર પ્રદેશમાં પણ હિંસક વિરોધની ઘટનાઓ બની. ડેરા સચ્ચા સૌદાના વડા બાબા રામ રહીમના સમર્થકોએ કરેલા હિંસક તોફાનોને હરિયાણા સરકાર અને વહીવટી તંત્રના મોં પર તમાચા સમાન ગણી શકાય કેમ કે હિંસાની આશંકા છતાં તેઓ પગલાં લેવામાં ઊણા ઉતર્યા. ૩૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને સેંકડો ઇજાગ્રસ્ત થયા. અબજો રૂપિયાની માલમિલકતને નુકસાન થયું. ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓએ માફિયાઓને પણ સારા કહેવડાવે તે પ્રકારે જનજીવનને બાનમાં લઇને આતંક ફેલાવ્યો હતો. સમગ્ર ઘટના સાથે કંઇકેટલાય એવા સવાલો સંકળાયેલા છે જે આજેય અનુત્તર છે. જો હિંસક વિરોધ પ્રદર્શનની આશંકા હતી તો હજારો લોકોને પંચકૂલામાં એકત્ર થતા કેમ અટકાવાયા નહીં? ગુપ્તચર વિભાગ કેમ ઊંઘતો રહ્યો? મુખ્ય પ્રધાનથી લઇને રાજ્યના પોલીસ વડા સ્થિતિ અંકુશમાં લેવા માટે તંત્ર સજ્જ હોવાના દાવા કેમ કરતા રહ્યા? પોતાને ‘ભગવાનના દૂત’ ગણાવતી એક વ્યક્તિએ આચરેલા ગુનાઓની સજા લાખો લોકોને કેમ ભોગવવી પડી? બળાત્કાર જેવા ગંભીર કેસમાં દોષિત ઠરેલા ડેરા પ્રમુખ આટલા શક્તિશાળી કઇ રીતે બન્યા..?
સવાલો તો અનેક છે, પણ તેનો જવાબ એક જ શબ્દમાં આપવો હોય તો કહી શકાયઃ રાજકારણ! કોઇ પણ ભોગે મતબેન્ક સાચવી રાખવાની હલ્કી માનસિક્તા. ધર્માંધતા અને રાજકારણની ભેળસેળ કેવો વિસ્ફોટક માહોલ સર્જતી હોય છે તેનું ઉદાહરણ આ હિંસક વિરોધ પ્રદર્શનમાં જોવા મળે છે. આજની હાલત માટે જવાબદાર છે મુઠ્ઠીભર મતની લાલચમાં આવા બાબાઓ-ગુરુઓની સામે નતમસ્તક થઇ જતા રાજકીય નેતાઓ. અહીં વાત માત્ર ડેરા સચ્ચા સૌદાની નથી. વાત એ તમામ બાબાઓ અને સંપ્રદાયના ગાદીપતિઓની છે, જેઓ શાસકોની છત્રછાયામાં ફૂલ્યાફાલ્યા બાદ પોતાને ભગવાનનો અવતાર માનવા લાગે છે. રામ રહીમનું ધતિંગ કંઇ ભારતનો પહેલો કિસ્સો તો નથી જ. વીતેલા વર્ષોમાં આવા કિસ્સાઓ બહાર આવ્યા જ છે, પરંતુ આપણા શાસકો અને નેતાઓએ તેને ઇરાદાપૂર્વક નજરઅંદાજ કર્યા છે.
અદાલતોના ચક્કર કાપી રહેલા આવા નામોની યાદી બહુ લાંબી છે. ગુજરાતના ‘સંત’ આસારામ અને તેનો ‘કૃષ્ણાવતાર’ પુત્ર નારાયણ સાંઇ જાતીય દુષ્કર્મના આરોપસર કેટલાક વર્ષથી જેલના સળિયા ગણી રહ્યા છે. ગયા વર્ષે મે મહિનામાં ઉત્તર પ્રદેશના બારાબંકીથી બાબા પરમાનંદની ધરપકડ કરાઇ છે. બાબા પરમાનંદને મહિલાઓની સાથે કઢંગી હાલતમાં દર્શાવતા વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતા થયા બાદ તેનું ધતિંગ ખુલ્લું પડ્યું હતું. હાલ પોલીસના સકંજામાં રહેલા ઢોંગી બાબાએ સેંકડો મહિલાઓનું શોષણ કર્યું હોવાનું કહેવાય છે. ઉત્તર ભારતથી દૂર બીજા છેડે દક્ષિણ ભારત પર નજર નાખવામાં આવે તો ત્યાંના કથિત ધર્મગુરુ સ્વામી નિત્યાનંદની સેક્સ સીડી ટીવી પરદે ચમકી હતી. ૨૦૧૦માં બહુચર્ચિત બનેલી આ સીડીમાં તેઓ એક અભિનેત્રી સાથે રંગરેલિયા મનાવતા જોવા મળતા હતા. ભારતની ફોરેન્સિક લેબોરેટરીએ તો સીડીમાં કોઇ ચેડાં થયા હોવાનું નકારીને તેને એકદમ સાચી ઠરાવી હતી, પરંતુ ભારતના કાનૂન સામે અમેરિકાની લેબોરેટરીનો રિપોર્ટ વધુ વજનદાર સાબિત થયો. અને બાબા છુટી ગયા.
વાત ૨૦૧૭ની હોય, ૨૦૦૭ની હોય કે ૧૯૯૭ની... આવા બાબાઓ-ગાદિપતીઓ-ગુરુઓ રાજકીય કાંખઘોડીના સહારે અઢળક ધનસંપતિ એકઠા કરતા રહ્યા છે, ધર્મના અંચળા તળે ભોગવિલાસનો ખેલ ખેલતા રહ્યા છે. રામ રહીમ તો જાણે વિલાસીજીવનનો પર્યાય બની ગયો હતો. આશરે રૂ. ૧૦૦૦ કરોડની સંપત્તિ ધરાવતા રામ રહીમના વસ્ત્રો ચંડીગઢના ડિઝાઇનર તૈયાર કરતા હતા. ડેરા સચ્ચા સૌદાના દેશભરમાં કુલ ૨૫૦ આશ્રમ છે. હરિયાણાના સિરસામાં આવેલો મુખ્ય આશ્રમ ૭૦૦ એકરમાં ફેલાયેલો છે, જે શાનદાર લક્ઝુરિયસ સુવિધા સાથેના આવાસ, સ્વિમિંગ પુલ અને રિવોલ્વિંગ રેસ્ટોરાંથી સજ્જ છે. બાબા પાસે ૨૦૦થી વધુ વૈભવી મોટરકારનો કાફલો છે. તેની માલિકીનું ભવ્ય શોપિંગ કોમ્પલેક્સ છે. બાબાએ કરોડો રૂપિયાના ખર્ચે પાંચ ફિલ્મોનું નિર્માણ કર્યું છે, જેમાં તે પોતે જ મુખ્ય ભૂમિકામાં ચમક્યા છે. અને હા... ભારતમાં માત્ર ૩૩ મહાનુભાવોને ઝેડ પ્લસ સ્તરનું સિક્યુરિટી કવચ અપાયું છે, જેમાં બાબા રામ રહીમ એક હતા. હાઇ કોર્ટે તેમને દોષિત ઠરાવ્યા બાદ સરકારે આ કવચ હટાવ્યું છે.
આ બધા પરિબળો દર્શાવે છે કે બાબા રામ રહીમ જેવા ગુરુઓ કંઇ ભારતમાં કે વિદેશમાં રાતોરાત પેદા નથી થઇ જતાં. શાસકોના થાબડભાણાં જ આવા લોકોના હાથ મજબૂત કરે છે. અને પછી જ્યારે તેમના ભોપાળા ખુલ્લાં પડવા લાગે છે ત્યારે આ જ હાથ વડે તેઓ અશાંતિ સર્જીને શાસકોનું નાક દબાવવા પ્રયાસ કરે છે. પંજાબ-હરિયાણા હાઇ કોર્ટે પંચકૂલા હિંસા સંદર્ભે કરેલી ટિપ્પણી બહુ સૂચક છેઃ હરિયાણા સરકારે માત્ર અને માત્ર મતબેન્કને નજરમાં રાખીને હિંસક તોફાનો સામે આંખ આડા કાન કર્યા છે. તોફાનીઓને અટકાવવા કોઇ પ્રયાસ કર્યા નથી. કોઇ પણ સરકાર કે તંત્ર માટે આનાથી વધુ નાલેશીભરી ટીપ્પણી વાત કઇ હોઇ શકે? સરકારે ભલે નરમ વલણ અપનાવ્યું હોય, કોર્ટ બાબાને બક્ષવાના મૂડમાં નથી. કોર્ટે બાબા રામ રહીમની સંપત્તિ વેચીને હિંસાથી થયેલા નુકસાનની રકમ વસૂલવા આદેશ આપ્યો છે. કોર્ટે તો પગલાં લીધા, પણ શાસકો ક્યારે જાગશે? જ્યાં સુધી શાસકો મતબેન્કની લાલચ નહીં છોડે ત્યાં સુધી આવા બાબાઓ, બાવાઓ, ગુરુઓ ધર્મના નામે પાખંડ ફેલાવતા જ રહેવાના. રાજકીય પક્ષોએ દેશવાસીઓના વિશાળ હિતમાં ક્યારેક થોડોક ભોગ આપવો પડે તો તેમ કરતાં ખચકાવું ન જોઇએ.