પાકિસ્તાની સૈન્યે ફરી એક વખત તેની હેવાનિયત દર્શાવીને બે ભારતીય જવાનોના મૃતદેહોને ક્ષત-વિક્ષત કરી નાખ્યા છે. આ જવાનો ભારત-પાકિસ્તાનને અલગ કરતી લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર પૂંચ સેક્ટરમાં કૃષ્ણા ઘાટી ખાતે પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાની જવાનોએ - કોઇ પણ જાતની ઉશ્કેરણી વગર - તેમને ઠાર મારીને બર્બરતાપૂર્ણ કૃત્ય આચર્યું હતું. પહેલી મેની આ ઘટના અંગે ભારતીયોમાં ભારે આક્રોશ પ્રવર્તે છે. લોકો ઇચ્છે છે કે પાકિસ્તાનને તેના આ કાયરતાપૂર્ણ કૃત્ય માટે એવો જડબાતોડ જવાબ આપવો જોઇએ કે તે ભવિષ્યમાં આવું કૃત્ય આચરવાનો વિચાર સુદ્ધાં ન કરે. પાકિસ્તાની સૈન્ય દ્વારા આવું કૃત્ય પહેલીવાર થયું છે એવું નથી. કેન્દ્રમાં ભાજપ સરકાર રચાયા બાદ આ ત્રીજી ઘટના છે જેમાં પાકિસ્તાની સેનાએ આ પ્રકારની બર્બરતા આચરી છે. તેઓ વારંવાર ભારતીય સૈન્ય સાથે આવી હરકત કરતા રહ્યા છે તેનો એક અર્થ એ પણ થઇ શકે કે ભારત દ્વારા કોઇ આકરાં પગલાં લેવાશે એવો તેમને કોઇ ડર નથી.
પાકિસ્તાની સેનાના નાપાક કૃત્ય બાદ ભારત સરકારે ફરી એક વખત એ જ જૂનો રાગ આલાપ્યો છે કે શહીદોની શહાદત એળે નહીં જાય. પરંતુ લોકો હવે પાકિસ્તાન સામે નક્કર કાર્યવાહી જોવા માગે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીઓ પૂર્વે મનમોહન સિંહ સરકારના પાકિસ્તાન પ્રત્યેના નરમ અભિગમ બદલ ટીકાની ઝડી વરસાવતાં કહ્યું હતું કે હિંમતભર્યા પગલાં લેવા માટે ૫૬ ઈંચની છાતી જરૂરી છે. દેશવાસીઓ કહે છે કે પાકિસ્તાન સામે ૫૬ ઇંચની છાતી બતાવવાનો આ એકદમ યોગ્ય સમય છે. વિશ્વભરમાં વસતાં ભારતીયો હવે પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને લોખંડી હાથે કચડી નંખાતા જોવા માગે છે.
છેલ્લા કેટલાક મહિનાઓમાં સરહદપારથી પાકિસ્તાન લશ્કરનું ફાયરિંગ પણ વધ્યું છે. તો કાશ્મીર ખીણમાં આતંકવાદી ઘટનાઓ પણ વધી છે. લોકો દેશના શહીદોના અપમાનનો બદલો ઇચ્છે છે ત્યારે હવે સરકારે નક્કી કરવાનું છે કે આ અપમાનનો બદલો કઇ રીતે લેવો છે. બદલાનો મતલબ પાકિસ્તાનને એવો પાઠ ભણાવવાનો છે કે જેથી ભવિષ્યમાં તે આવું કાયરતાપૂર્ણ કરતૂત કરવાની હિંમત ન કરે.
અલબત્ત, ભારત સરકાર શહીદોની શહાદત એળે નહીં જાય તેવા નિવેદનો ભલે કરે, પરંતુ એક કડવી વાસ્તવિક્તા એ પણ છે કે દેશમાં છેલ્લા દોઢ મહિનાથી પૂર્ણ સમયના સંરક્ષણ પ્રધાન પણ નથી. મનોહર પાર્રિકર ગોવાનું મુખ્ય પ્રધાન પદ સંભાળવા ગયા છે ત્યારથી સંરક્ષણ મંત્રાલયનો હવાલો અરુણ જેટલી સંભાળી રહ્યા છે. દેશ જ્યારે આતંકવાદ, માઓવાદ જેવા પડકારોનો સામનો કરી રહ્યો હોય ત્યારે સંરક્ષણ મંત્રાલય માટે પૂર્ણ સમયના પ્રધાન આવશ્યક છે.
ઉરીમાં આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પાકિસ્તાનની હદમાં જઇને સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. તે સમયે એવો દાવો થતો હતો કે ભવિષ્યમાં પાક ભારત સાથે કોઇ પણ જાતનાં અડપલાં કરતાં પહેલાં સો વખત વિચાર કરશે. પરંતુ, પાકિસ્તાને તેનું પોત ફરી પ્રકાશ્યું છે. સૈન્યે આ નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપવાની ચીમકી ઉચ્ચારી હતી, અને એક બિનસત્તાવાર અહેવાલ મુજબ ભારતીય સેનાએ પાકિસ્તાનના સાત બંકર ઉડાવી દીધા છે. પરંતુ શું આટલું પૂરતું છે? ના. ભારત સરકારે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય તખતે આર્થિક અને રાજદ્વારી મોરચે પણ ભીડવવાની જરૂર છે.
મોદી સરકારે પાકિસ્તાન સાથે સંબંધ સુધારવા માટે એકથી વધુ વખત પહેલ કરી છે, પરંતુ તેના પ્રયાસો પથ્થર પર પાણી જેવા પુરવાર થયા છે. ભારતની ઉષ્માપૂર્ણ પહેલનો પ્રોત્સાહક પ્રતિસાદ આપવામાં પાકિસ્તાન ઉણું ઉતર્યું છે તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. વડા પ્રધાન મોદીએ પોતાના શપથ વેળા નવાઝ શરીફને નોતર્યા. આ પછી મોદી ખુદ ઇસ્લામાબાદ જઈ નવાઝ શરીફને એના જન્મદિનની શુભેચ્છા આપી આવ્યા. આ સિવાય પણ પ્રસંગોપાત મોદીએ તેમની સાથે સંપર્ક જાળવ્યો છે.
જોકે પ્રવર્તમાન સંજોગોમાં તો શરીફ સરકાર સાથે વાતચીતનો પણ કોઈ અર્થ જ નથી કારણ કે ત્યાં સરકાર અને સેના વચ્ચે ફાટફૂટ પડ્યાના અહેવાલ છે. તાજેતરમાં એક અહેવાલ એવો આવ્યો હતો કે ભારત-પાકિસ્તાન પાછલા બારણે વાટાઘાટો કરી રહ્યા છે અને એક ભારતીય ઉદ્યોગપતિ મોદી સરકારના દૂત તરીકે પાકિસ્તાન જઇને વડા પ્રધાન શરીફ સાથે વાતચીત પણ કરી આવ્યા છે. મોદી-શરીફ આવતા મહિને કઝાખસ્તાનમાં યોજાનારી શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક દરમિયાન રૂબરૂ મળે તેવી સંભાવના છે. કદાચ એવું પણ બની શકે કે ભારત-પાકિસ્તાનના વડા પ્રધાનો વચ્ચે વાટાઘાટોનો તખતો ગોઠવાઇ રહ્યો હોવાથી નારાજ પાકિસ્તાની સૈન્યે મંત્રણા શરૂ થતાં પૂર્વે જ તેને ખોરભે પાડવા માટે આ ચાલ ચાલી હોય. પાકિસ્તાની સૈન્યની નસેનસમાં ભારતવિરોધી ઝેર ભરેલું છે તે વાતમાં ક્યાં કંઇ નવું છે? પાકિસ્તાનના લશ્કરી વડા જનરલ બાજવા તો સ્પષ્ટ કહે છે કે, અમે કાશ્મીરમાં ચાલતી લડતને ટેકો આપીએ છીએ. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેના પોતાની વગ તથા ભ્રષ્ટાચાર સહિતના વ્યક્તિગત હિતો જાળવવા માટે ભારત સાથેની શાંતિ પ્રક્રિયાને હંમેશાં ખોરવતી રહી છે. આ સ્થિતિમાં બંને દેશો વચ્ચે વાતચીત થાય તો પણ એનું સારું પરિણામ આવવાની શક્યતા નથી. આ સંજોગોમાં મોદી સરકારે નવાઝ શરીફ સરકારને શંકાનો લાભ આપવાના બદલે જડબાતોડ જવાબ આપવો જોઇએ. ભારતીય પ્રજા રાહ જોઇ રહી છે કે સરકાર પાકિસ્તાન સેનાની અવળચંડાઇ અંગે નિર્ણાયક બને, અને આ અપેક્ષા જરાય વધુ પડતી નથી.