કાચિંડા અને અમેરિકા વચ્ચે એક વાતે બહુ સમાનતા છે - તે ક્યારે રંગ બદલશે તેનું અનુમાન કોઇ કરી શકે નહીં. ટ્રમ્પ સરકારે દેશની શાસનધૂરા સંભાળ્યા બાદ નીતિ-રીતિ અને નિવેદનોમાં છાશવારે ફેરબદલ કરતા રહેતા અમેરિકાએ ફરી એક વખત રંગ બદલ્યો છે. આ વખતે અમેરિકાની આવી અવઢવભરી નીતિ-રીતિ ભારત માટે ચિંતાનું કારણ બની છે. અમેરિકાના યુનાઇટેડ નેશન્સ ખાતેના એમ્બેસેડર નિક્કી હેલીએ એવું નિવેદન કર્યું છે કે યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)માં કાયમી સભ્યપદ માટે દાવો કરી રહેલા ભારતે વીટોના અધિકારનો આગ્રહ પડતો મૂકવો પડશે. ભૂતકાળમાં અમેરિકાએ ભારતને યુએનએસસીમાં સભ્યપદ માટે અનેક વખત જાહેર સમર્થન આપ્યું છે, પણ આ વખતે તેણે સૂર બદલ્યા છે. વીટો એ કોઇ પણ નિર્ણયને સુધારાને અટકાવવા માટે યુએનએસસીના કાયમી સભ્યને અપાતો વિશેષાધિકાર છે, જેનો ઉપયોગ કરીને કોઇ પણ કાર્ય કે નિર્ણયોમાં અવરોધ સર્જી શકાય છે, આવા નિર્ણય કે સુધારાનો અમલ અટકાવી શકાય છે.
અમેરિકા ઇચ્છે છે કે યુએનએસસીના કાયમી સભ્યપદ માટે ભારત વીટોની જીદ છોડી દે કેમ કે રશિયા અને ચીન સિક્યુરિટી કાઉન્સિલના વર્તમાન માળખામાં કોઇ ફેરફાર ઇચ્છતા નથી. પરંતુ ફેરફાર ઇચ્છે છે કોણ? શું અમેરિકા ખરેખર ભારતને કાયમી સભ્યપદ અપાવવાની તરફેણમાં છે? અમેરિકા જો સિક્યુરિટી કાઉન્સિલમાં સુધારા માટે ખરેખર ઇમાનદાર હોય તો તેણે ગંભીરતાપૂર્વક પ્રયાસ કરવા જોઇએ. કાઉન્સિલના બાકી ચારેય કાયમી સભ્યોને પણ સુધારા માટે તૈયાર કરવા જોઇએ.
હાલમાં પાંચ દેશો - અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ અને રશિયા સિક્યુરિટી કાઉન્સિલના કાયમી સભ્યો છે. આ પાંચેય દેશો વીટોનો વિશેષાધિકાર ધરાવે છે, જેનો - પોતાની રાજદ્વારી ગણતરીઓને નજરમાં રાખીને - ઉપયોગ (કે દુરુપયોગ?) કરીને કોઇ સુધારા કે નિર્ણયોનો અમલ અટકાવતા રહે છે. આમાંથી એકેય દેશ આ વિશેષાધિકાર છોડવા માગતા નથી કે બીજો કોઇ દેશ આ અધિકાર મેળવે તેમ ઇચ્છતા નથી. ઉલ્લેખનીય છે કે સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતને કાયમી સભ્યપદ સામે ચીન અને રશિયાને વાંધો છે. ચીન અને રશિયા ભારતને યુએનએસસીમાં કાયમી સભ્ય બનાવવાનો ભારે વિરોધ કરી રહ્યા છે. આ બન્ને દેશો સિક્યુરિટી કાઉન્સિલમાં પ્રવર્તમાન માળખામાં કોઇ પણ પ્રકારના ફેરફારનો વિરોધ કરી રહ્યા છે. અને હવે અત્યાર સુધી ભારતને સમર્થન આપી રહેલો અમેરિકા પણ ધીમે ધીમે વલણ બદલી રહ્યો હોય તેવું લાગે છે. નિક્કી હેલીનું ચોખ્ખું કહેવું છે કે અમેરિકાની કોંગ્રેસ કે સેનેટ સુરક્ષા પરિષદમાં સુધારામાં મોટી ભૂમિકા નિભાવી શકે તેમ નથી.
અહીં વાત ચીન, રશિયાના વાંધાવિરોધ કે અમેરિકાની અવઢવ પૂરતી મર્યાદિત નથી. સમય સાથે આખી દુનિયા બદલાઇ રહી છે તો યુનાઇટેડ નેશન્સ પણ કેમ ન બદલાય? સાત દસકા પહેલા સ્થપાયેલા યુનાઇટેડ નેશન્સની કાર્યશૈલીમાં ઘણી બધી અધૂરપ છે. આનું મુખ્ય કારણ એ છે કે તેણે સમય સાથે તાલ મિલાવ્યા નથી. યુએનની ૧૯૪૫માં રચના થઇ ત્યારે પાંચ શક્તિશાળી દેશોને કાયમી સભ્યપદ આપવામાં આવ્યું હતું. વીતેલા ૭૨ વર્ષોમાં આંતરરાષ્ટ્રીય તખતે ઘણી ઉથલપાથલ થઇ ચૂકી છે. તે સમયે ભલે પાંચ રાષ્ટ્રોનો દબદબો હતો, પણ આજે અનેક દેશ શક્તિશાળી બનીને ઉભર્યા છે. ભારત પણ તેમાંનું એક છે. આ સંજોગોમાં યુએનને મજબૂત બનાવવા માટે જરૂરી છે કે તેનું વિસ્તરણ. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ ધરાવતા દેશોની સંખ્યા પાંચથી વધીને ૧૧ થઇ જાય તો તેમાં વાંધો શું છે? ભારતની સાથે જર્મની, જાપાન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા અલગ ઓળખ બનાવી ચૂક્યા છે.
સાચી વાત તો એ છે કે અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ અને રશિયાએ યુએનમાં લગભગ એકહથ્થુ શાસન જમાવ્યું છે. આજે દુનિયામાં ભાઇચારો અને શાંતિનો માહોલ જાળવવા માટે જરૂરી યોગદાન આપવામાં યુએન ખોડંગાઇ રહ્યું છે. કારણ? જરૂરતના સમયે તે પોતાના અધિકારો કે સત્તાનો ઉપયોગ કરવાના બદલે મહાસત્તાઓના દબાણમાં આવી જાય છે. બદલાતા સમયમાં યુએનની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ બનવી જ જોઇએ. અમેરિકાએ પોતાના હિતોની સાથે સાથે સમસ્ત વિશ્વ માટે પણ ઇમાનદારીથી વિચારવું રહ્યું.