૨૦૧૬માં પનામા પેપર લીક્સ અને હવે ૧૮ માસ બાદ પેરેડાઇઝ પેપર લીક્સ. કરચોરીના ઉદ્દેશથી વિદેશમાં કાળું નાણું છુપાવવાના કિસ્સા સાથે જોડાયેલી ૧.૩૪ કરોડ ફાઇલો જાહેર થતાં જ આર્થિક જગત હચમચી ગયું છે. આ ફાઇલોમાં જે નામોલ્લેખ છે તેમાં ભારતના નેતાઓ ઉપરાંત બ્રિટનના મહારાણી એલિઝાબેથ, અમેરિકાની ટ્રમ્પ સરકારના વરિષ્ઠ પ્રધાન ઉપરાંત કંઇકેટલાય દેશોની ટોચની હસ્તીઓ સામેલ છે. આ માહિતીને પહેલાં એક જર્મન અખબારે એકત્રિત કરી અને પછી ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (આઇસીઆઇજે)એ તેની તપાસ કરી. તેમાં જાણવા મળેલા તથ્યો ચોંકાવનારા છે.
આ બધા પેપર્સ દુનિયાના ૧૮૦ દેશોના લોકો માટે ખૂબ મહત્ત્વના છે તેનું કારણ એ છે કે જે તે દેશના નેતાઓ, મલ્ટીનેશનલ કંપનીઓ, સેલિબ્રિટીસ અને કંઇકેટલાય વગદાર લોકોએ ટ્રસ્ટ ફાઉન્ડેશન રચીને, કાગળ પર કંપનીઓ ઉભી કરીને કે ટેક્સ વિભાગની નજર ચૂકવીને પોતાના નાણાં અને સોદાઓ છુપાવ્યા છે અને ઘટિત ટેક્સ ચૂકવ્યો નથી. તપાસનીશોના મતે, મોટા ભાગના કેસોમાં લેવડદેવડમાં કોઇ કાનૂની ઘાલમેલ જણાતી નથી. પરંતુ અહીં સવાલ નીતિમતાનો છે, જે તે દેશના કાયદામાં રહેલા છીંડાનો ગેરલાભ ઉઠાવીને ચોક્કસ કમાણી પર વેરા ચૂકવણીમાંથી છટકવાનો છે.
ચર્ચાસ્પદ યાદીમાં ભારત સરકારના રાજ્ય-પ્રધાન જયંત સિંહાથી માંડીને ભાજપ સાંસદ આર. કે. સિંહા ઉપરાંત વ્યાલાર રવિ, અશોક ગેહલોત, કાર્તિ પી. ચિદમ્બરમ્, ભૂતપૂર્વ કોંગ્રેસી પ્રધાન વીરપ્પા મોઇલીના પુત્ર હર્ષ મોઇલી જેવા કોંગ્રેસી નેતાઓ, ટ્રમ્પ સરકારના કોમર્સ મિનિસ્ટર વિલ્બર રોસ તેમજ ૧૩ અધિકારી, બ્રિટનના મહારાણી એલિઝાબેથ, કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ ડેપ્યુટી ચેરમેન તથા દાતા લોર્ડ એશ્ક્રોફ્ટ, રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિનના જમાઇ સામાલોવ, કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ભંડોળ એકત્ર કરનાર સ્ટીફન બ્રોન્ફમેન, પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન શૌકત અઝીઝ સહિત દુનિયાના ૧૨૦ નેતાના નામ છે. બિઝનેસમેન, સેલિબ્રિટી અને કંપની તો અલગ.
ભારતની વાત કરીએ તો યાદીમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચન, સંજય દત્તની પત્ની માન્યતા જેવા કલાકારો ઉપરાંત જીએમઆર ગ્રૂપ, જિન્દાલ સ્ટીલ, એપોલો ટાયર્સ, હેવલ્સ, હિન્દુજા એમાર એમજીએફ, વીડિયોકોન, હિરાનંદાની ગ્રૂપ જેવી જાણીતી કંપનીનો સમાવેશ થાય છે. ભારતની બેન્કોના નાણાં ચાંઉ કરીને બ્રિટન આવી પહોંચેલા વિજય માલ્યાનું નામ પણ આ યાદીમાં નજરે પડે છે તો આ જ યાદીમાં બ્રિટનસ્થિત ભારતીય નીરા રાડિયાનું નામ પણ વાંચવા મળે છે.
આ બધાએ એક યા બીજા સમયે ટેક્સ હેવન દેશોમાં આર્થિક વ્યવહારો કર્યા છે. આવા દેશોમાં વ્યાજદર નીચો હોવાથી વેરા પણ નજીવા હોય છે પરિણામે વિશ્વભરના માલેતુજારો આવા દેશોમાં રોકાણ કરે છે. વળી, ટેક્સ સંબંધિત લાભો લેવા બિઝનેસમેન માટે આવા દેશોમાં વસવાટ ફરજિયાત નથી કે ના તો તેમણે આ દેશમાંથી જ બિઝનેસ કરવો પડે છે. અન્ય કોઇ દેશમાં રહીને, કારોબાર કરીને પણ આ દેશોની બેન્કોમાં નાણાં રાખી શકાય છે, અને તેય વેરાની ચિંતા કર્યા વગર. આવા દેશોમાં સ્વિત્ઝરલેન્ડ, હોંગકોંગ, મોરેશ્યસ, મોનાકો, પનામા, અંડોરા, બહામાસ, બર્મ્યૂડા, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, બાલી, કૈમેન આઇલેન્ડ, ચેનલ આઇલેન્ડ, કુક આઇલેન્ડ, લિંચેસ્ટાઇન વગેરે જાણીતા છે. એક અંદાજ પ્રમાણે ટેક્સ હેવન દેશોમાં ૧૦ હજાર બિલિયન ડોલરની જંગી રકમ જમા છે. આ આંકડો બ્રિટન-જાપાન-ફ્રાન્સની સંયુક્ત જીડીપી જેટલો છે.
ટેક્સ હેવન દેશોમાં નાણું છુપાવનારાના નામ ખુલ્યા છે, અને આ તો રિપોર્ટનો પહેલો ભાગ છે. હજુ તો બીજા ૪૦ રિપોર્ટ આવવાના છે. પરંતુ તેથી શું?! પાંચ વર્ષથી દર વર્ષે આ પ્રકારે કાળાંધોળાં કરનારાના નામ જાહેર થતા રહ્યા છે, પણ કોઇ દેશમાં આવા લોકો સામે પગલાં લેવાયાનું જાણ્યું નથી. ૨૦૧૬માં પનામા પેપર્સ, ૨૦૧૫માં સ્વિસ લીક્સ, ૨૦૧૪માં લક્સમબર્ગ લીક્સ, ૨૦૧૩માં ઓફશોર લીક્સ... યાદી લાંબી છે. બધા દેશોમાં ‘તપાસ’ જ ચાલે છે. કારણ બહુ સ્પષ્ટ છે યાદીમાં સામેલ લોકો આમ આદમી નથી, પાવરફુલ લોકો છે. સત્તા સાથે બહુ નજદીકનો નાતો ધરાવે છે.
પનામા પેપર લીક્સમાં નિર્ણાયક ભૂમિકા ભજવનાર માલ્ટાનાં ઇન્વેસ્ટિગેટિવ મહિલા પત્રકાર ડેફ્ની ગાલિજિઆએ ૧૬ ઓક્ટોબરે કાર બોમ્બ-વિસ્ફોટમાં જીવ ગુમાવ્યો છે. બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે ૫૩ વર્ષના ડેફ્ની કાર ચલાવતાં હતાં. માલ્ટામાં ભ્રષ્ટાચાર સંબંધિત અન્ય કેસોનો પર્દાફાશ કરનાર ડેફ્ની રનિંગ કોમેન્ટ્રી નામથી બ્લોગ પણ ચલાવતાં હતાં, જે માલ્ટામાં સૌથી વધુ વંચાતો હતો. ડેફ્ની અને ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટસે તો તેમનો પત્રકારધર્મ નિભાવ્યો છે, હવે જે તે દેશની સરકારો રાજધર્મ ક્યારે નિભાવે છે કે નહીં તે જોવું રહ્યું.