પડોશી દેશ માલદીવમાં ફરી એક વખત રાજકીય કટોકટીનો ખતરો મંડરાઇ રહ્યો છે. પડોશી દેશમાં અસ્થિરતાનો માહોલ કોઇ પણ દેશના શાસકો માટે ચિંતાનો મામલો બનવો સ્વાભાવિક છે, પરંતુ માલદીવ મુદ્દે ભારત માટે વધુ ચિંતાની બાબત છે તેણે આર્થિક મહાસત્તા ચીન સાથે કરેલી વ્યાપાર સમજૂતી. માલદીવની અબ્દુલ યામીન સરકારે પોતાના જ દેશવાસીઓને અંધારામાં રાખીને ચીન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) કર્યો છે.
દેશભરમાં આક્રોશ પ્રવર્તે છે કે વિપક્ષ અને પ્રજાને વિશ્વાસમાં લીધા વગર જ આ મહત્ત્વની સમજૂતી પ્રક્રિયા સમેટી લેવામાં આવી છે. સંસદની આ બેઠક કોઇ પ્રકારની આગોતરી જાહેરાત વિના તત્કાળ યોજવામાં આવી હતી. કેટલાય સાંસદોને તો બેઠક ચાલુ થઇ ગયા આવા મહત્ત્વના મુદ્દે બેઠક યોજાઇ રહ્યાના ટેકસ્ટ મેસેજીસ મળ્યા હતા. સમજૂતી કરારની જાણકારી આપતા દસ્તાવેજો હજુ સંસદ સભ્યોના હાથમાં પહોંચ્યા પણ નહોતા કે સરકારે ૧૦૦૦ પાનના કરાર પર કલાકથી પણ ઓછા સમયમાં મંજૂરીનું મત્તું મેળવી દેવાયું હતું. કરારને બહાલી અપાઇ ત્યારે ગૃહમાં અડધા કરતાં પણ ઓછા સભ્યો હાજર હતા. આ પ્રકારે ઉતાવળે કાર્યવાહી પાછળ કંઇક રંધાઇ ગયું હોવાની આશંકા માલદીવના વિપક્ષે દર્શાવી છે. વિપક્ષની નારાજગી કે માલદીવના આમ નાગરિકનો અસંતોષ અસ્થાને નથી. ચીન અને માલદીવ વચ્ચેના વેપાર-વણજ, આર્થિક વ્યવહારોને મૂલવવામાં આવે તો પલ્લુ હંમેશા ચીનની તરફેણમાં નમતું રહ્યું છે. માલદીવ હંમેશા તેનું દેવાદાર રહ્યું છે. આર્થિક નિષ્ણાતોના મતે ચીન સાથેના એફટીએથી ભવિષ્યમાં માલદીવનું નુકસાન હજુ વધશે અને અહીં પણ શ્રીલંકાની જેમ જ દેવાની કટોકટી સર્જાઇ શકે છે.
દેશમાં તો દેકારો થઇ જ ગયો છે, માલદીવ અને ચીન સાથે વેપાર-વણજ સહિતના ક્ષેત્રે આર્થિક સંબંધો ધરાવતા દેશોએ પણ આ અણધાર્યા અને ઉતાવળિયા પગલાથી આશ્ચર્ય અનુભવ્યું છે. કારણ સ્પષ્ટ છે - આ પ્રકારના દ્વિપક્ષી વ્યાપાર કરારોની અસર માત્ર તેમના પૂરતી સીમિત નથી હોતી, પણ તેમની સાથે સંકળાયેલા દેશોના આર્થિક હિતો પર પણ તે એક યા બીજી રીતે અસરકર્તા બનતા હોય છે. આથી જ ભારતીય રાજદ્વારીઓ પણ જે ઉતાવળે આ કાર્યવાહી આટોપાઇ છે તેનાથી દિગ્મૂઢ થઇ ગયા છે.
ખંધુ ચીન લાંબા સમયથી ભારતના એક પછી એક પડોશી દેશોને પોતાના સકંજામાં લઇ રહ્યું છે. જીવનજરૂરી ચીજોથી માંડીને કેટલીય સેવાઓ માટે ભારત પર નિર્ભર
આ દેશોના ભ્રષ્ટ શાસકોને પોતાના પડખામાં લઇને ચીન ભારતને અજગરભરડો લઇ રહ્યું છે. ચીનના આ વ્યૂહમાં માલદીવ નવો ઉમેરો છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે ચીન તેની જાળમાં ભારતના પડોશીઓને ફસાવી રહ્યું છે તેનું મુખ્ય કારણ છે તેની મેલી મુરાદ. ચીન માલદીવમાં નૌસેનાનો અડ્ડો સ્થાપવા માગે છે. પાકિસ્તાન અને નેપાળને પહેલાથી જ પોતાના પ્રભાવમાં લઇ ચૂકેલા ચીને આથી હવે ભ્રમિત ઉદારતા દાખવીને માલદીવને પોતાની પડખે લીધું છે.
માલદીવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા હોય તેવો ચીન એકમાત્ર દેશ છે. તો સામા પક્ષે ચીને પણ આ પ્રકારના કરાર કર્યા હોય તેવો પાકિસ્તાન પછીનો માલદીવ બીજો દેશ છે. આ હકીકત જ દર્શાવે છે કે ચીન કેવી રીતે માલદીવને પોતાના બાહુપાશમાં લઇ ચૂક્યું છે અને કેવી રીતે તે હિન્દ મહાસાગરમાં ભારતને વેપાર-વણજથી માંડીને સંરક્ષણ ક્ષેત્રે ઘેરવાના વ્યૂહ સાથે આગળ વધી રહ્યું છે.
ચીન દ્વારા વ્યાપાર, સંરક્ષણ, રાજદ્વારી સહિતના મોરચે ઉભા થઇ રહેલા પડકારોને ખાળવામાં ભારતના ક્યાંક પ્રયાસો ક્યાંક ઓછા પડતા હોય તેવું લાગે છે. ઉલ્લેખનીય છે કે ભારતના પડોશી દેશોમાં માલદીવ એકમાત્ર એવો દેશ છે જેની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં મુલાકાત લીધી નથી. માલદીવ સાથેના સંબંધો સાવ હાથમાંથી સરકી જાય તે પહેલાં ભારત સરકારે નક્કર પગલાં લેવા રહ્યાં.