હાર્ટ ઓફ એશિયામાં પાકિસ્તાન ઘેરાયું

Wednesday 07th December 2016 04:42 EST
 

પાકિસ્તાન ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર બેનકાબ થયું છે, અને આ વખતે પ્રસંગ હતો ‘હાર્ટ ઓફ એશિયા-ઇસ્તંબુલ પ્રોસેસ’ કોન્ફરન્સ. પંજાબના અમૃતસરમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો સતત ભોગ બનતા રહેલા ભારત અને અફઘાનિસ્તાને એકમેકના સાથમાં આતંકવાદ સામે બુલંદ અવાજ ઉઠાવીને આ સમસ્યાને નેસ્તનાબૂદ કરવા માટે તમામ સભ્યોને એક થવા હાકલ કરી હતી.
૧૪ સભ્ય દેશો, ૧૭ સહયોગી દેશોના પ્રધાનો અને ૧૨ સંગઠનોના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ કોન્ફરન્સના કેન્દ્રસ્થાને સ્વાભાવિકપણે જ જૂથના મૂળભૂત ઉદ્દેશ અનુસાર અફઘાનિસ્તાનનું નવનિર્માણ, આર્થિક વિકાસ અને સુરક્ષાના મુદ્દા હતા. જોકે સહુ કોઇ જાણે છે તેમ અફઘાનિસ્તાન અને તેની આસપાસના દેશ આતંકના ઓછાયાથી પણ દૂર રહે ત્યારે જ આવું સંભવ છે. સંભવતઃ આ જ કારણસર અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કોન્ફરન્સમાં પાકિસ્તાન સહિત સમસ્ત વિશ્વને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી આ પ્રદેશમાં શાંતિ નહીં સ્થપાય ત્યાં સુધી (૫૦૦ મિલિયન ડોલરની) પાકિસ્તાની સહાયથી અફઘાનિસ્તાનના વિકાસની આશા રાખવી વ્યર્થ છે. રાષ્ટ્રપતિ ગનીએ તો સંમેલનમાં ઉપસ્થિત પાકિસ્તાનના પ્રતિનિધિ અને વિદેશી બાબતોમાં વડા પ્રધાનના સલાહકાર સરતાઝ અઝીઝના નામોલ્લેખ સાથે કહ્યું હતું કે આના કરતાં તો વધુ સારું એ છે કે પાકિસ્તાન આ નાણાં આતંકવાદનો સફાયો કરવામાં વાપરે. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં પાયાની સગવડો વિકસાવવા માટે પાકિસ્તાને ૫૦૦ મિલિયન ડોલરની આર્થિક સહાય જાહેર કરી છે.
લાંબા સમયથી યુદ્ધગ્રસ્ત હોવાની સાથોસાથ આતંકવાદનો ભોગ બનેલા અફઘાનિસ્તાનના આર્થિક વિકાસ, સુરક્ષા અને નવનિર્માણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સહિયારા પ્રયાસોની જરૂરતને સંતોષવા હાર્ટ ઓફ એશિયા ગ્રૂપ સ્થપાયું છે. નવેમ્બર ૨૦૧૧માં તુર્કીની રાજધાની ઇસ્તંબુલમાં ભારત, પાકિસ્તાન, ચીન, રશિયા, તુર્કી, ઇરાન સહિત ૧૪ દેશોએ સાથે મળીને આ ગ્રૂપ રચ્યું છે. સભ્ય દેશોએ અફઘાનિસ્તાનને એશિયાના દિલ તરીકે ઓળખાવતા તેમજ આ પ્રક્રિયાનો પ્રારંભ ઇસ્તંબુલમાં થયો હોવાથી ગ્રૂપને ‘હાર્ટ ઓફ એશિયા-ઇસ્તંબુલ પ્રોસેસ’ નામકરણ થયું. આજે આ ગ્રૂપને ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, અમેરિકા સહિત વિશ્વના ૧૭ દેશોનો સહયોગ અને સમર્થન પ્રાપ્ત છે.
કોન્ફરન્સનું વિષયવસ્તુ ભલે અફઘાનિસ્તાનનું નવનિર્માણ, આર્થિક વિકાસ અને સુરક્ષા સંબંધિત હોય, પરંતુ ચર્ચાનો મુખ્ય મુદ્દો તો આતંકવાદની સમસ્યા જ રહ્યો હતો. આથી જ ભારતે પણ, પૂર્વધારણા અનુસાર, આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સના માધ્યમથી પાકિસ્તાનને ભીંસમાં લીધું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આતંકવાદનો સફાયો કર્યા વગર વિકાસની વાત થઇ શકે નહીં. મૌન રહીને આતંકવાદ સામે લડી શકાય નહીં. આ માટે સક્રિયતા દાખવવી જ પડશે. આતંકવાદ અને તેનાથી ઉભી થઇ રહેલી અન્ય સમસ્યાઓને ઉકેલવા આપણે અગ્રતા આપવી જોઇએ.
આ સંમેલન દરમિયાન ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મંત્રણા તો થવાની જ હતી, પરંતુ કેટલીક સમજૂતીઓ પર હસ્તાક્ષર પણ કરીને બન્ને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. પરિવહનના દૃષ્ટિકોણથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે પાકિસ્તાન એક દિવાલ બનીને ઉભું છે. આથી બન્ને દેશો કારોબાર માટે હવાઇરૂટ શરૂ કરવા સંમત થયા છે. આ ઉપરાંત બન્ને દેશોએ આર્થિક સહયોગ અને વ્યાપાર માટે ઇરાનના ચાબહાર એરપોર્ટનો ઉપયોગ કરવા પણ સહમતી સાધી છે.
ભારત માટે અફઘાનિસ્તાનની દોસ્તીનું વિશેષ મહત્ત્વ છે. અફઘાનિસ્તાન ઇસ્લામિક દેશ છે અને તે આતંક સામે લડવામાં ભારત માટે ખૂબ મહત્ત્વનો સાથીદાર પુરવાર થઇ શકે તેમ છે. વળી, અફઘાનિસ્તાન ચીન અને પાકિસ્તાન સાથે સરહદથી જોડાયેલું છે. આમ અફઘાનિસ્તાન સાથેની ઘનિષ્ઠતા ભારત માટે ભૌગોલિક ઉપરાંત આર્થિક દૃષ્ટિકોણથી પણ મહત્ત્વપૂર્ણ છે.
કોન્ફરન્સ દરમિયાન રાજકીય વિશ્લેષકો એ બાબત પર પણ આંખ માંડીને બેઠા હતા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મંત્રણાનો પ્રારંભ થાય છે કે કેમ. અત્યારે તો આવું થયું નથી. પરંતુ પાકિસ્તાન તરફથી આવો પ્રયાસ થયો હતો જરૂર. પાકિસ્તાને એવું નિવેદન કર્યું હતું કે ભારત રસ્તો ખોલે તો વાતચીત સંભવ છે. જોકે ભારતે હાલમાં સરહદે પ્રવર્તતા તનાવને નજરમાં રાખીને આવી હિલચાલ ટાળી હોવાનું લાગે છે. ખરેખર તો પાકિસ્તાનને આશંકા હતી જ કે આ કોન્ફરન્સના માધ્યમથી ભારત તેને પઠાણકોટ, ઉરી અને નાગરોટાના આતંકી હુમલા મુદ્દે ભીંસમાં લઇ શકે છે. અને આવું થયું પણ ખરું. ભારત કોન્ફરન્સને અફઘાનિસ્તાનમાં સુરક્ષાના નામે આતંકવાદની આસપાસ કેન્દ્રીત રાખવામાં સફળ રહ્યું છે. આતંકવાદના પાલનહાર તરીકે પાકિસ્તાન ફરી એક વખત ઉઘાડું પડ્યું છે. હવે તે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જેવો અભિગમ બદલે છે કે નહીં એ જોવું રહ્યું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter