એનડીએ સરકારે વધુ એક યુ-ટર્ન લીધો છે. સરકાર યુપીએની હોય કે એનડીએની, સમય-સંજોગ જોઇને તેની નીતિમાં ફેરબદલ કરે તો તેમાં કંઇ નવાઇની વાત નથી, પણ વાત વિદેશ નીતિની હોય અને તેમાંય મુદ્દો જમ્મુ-કાશ્મીર સાથે સંકળાયેલો હોય ત્યારે ‘યુ-ટર્ન’ ચર્ચાસ્પદ ન બને તો જ નવાઇ. કાશ્મીરના અલગતાવાદીઓ નેતાઓ અંગેના વલણમાં નિર્ણાયક ફેરબદલ કરતાં મોદી સરકારે જાહેર કર્યું છે કે તેઓ પાકિસ્તાની નેતાઓ સાથે ચર્ચા-મંત્રણા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે એક સમયે આ જ હુર્રિયત નેતાઓ દિલ્હીમાં પાકિસ્તાનના હાઇ કમિશનર સાથે ચર્ચા કરવા આવ્યા ત્યારે ભારત સરકારે ‘પાકિસ્તાન ભારતના આંતરિક મામલામાં દખલ દઇ રહ્યું છે’ એવો વાંધો ઉઠાવીને પાકિસ્તાન સાથેની મંત્રણા અટકાવી દીધી હતી. હવે દેશના વિદેશ રાજ્યપ્રધાન વી. કે. સિંહ કહે છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને હુર્રિયતના નેતાઓ ભારત દેશના નાગરિકો છે. તેઓ ભારતમાં રહેતા કોઇ પણ વિદેશી સત્તાના પ્રતિનિધિ સાથે વાતચીત કરે તેમાં કશું અઓગ્ય નથી. વી. કે. સિંહે અલબત્ત લોકસભામાં આ નિવેદન કરતાં સ્પષ્ટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મંત્રણામાં ત્રીજા પક્ષને કોઇ સ્થાન નથી. સિમલા કરાર અંતર્ગત જ પાકિસ્તાન સાથે ચર્ચા થશે.
વિદેશ રાજ્યપ્રધાનના આ નિવેદનથી વિવાદ થવો સ્વાભાવિક હતો. અને એવું જ થયું. હવે તેઓ કહે છે કે મારાં શબ્દનું ખોટું અર્થઘટન થયું છે અને મારો કહેવાનો મતલબ મીડિયા કરે છે તેવો નથી થતો. પરંતુ વી. કે. સિંહ સાહેબ કદાચ એ નથી જાણતા કે બુંદ સે બીગડી હોજ સે નહીં સુધરતી.
જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ભારત માટે આજકાલનો નહીં, પણ દેશના સ્વાતંત્ર્યકાળથી જ બહુ સંવેદનશીલ રહ્યો છે. આ મુદ્દે સરકાર કે તેના પ્રતિનિધિએ કંઇ પણ બોલવું હોય તો જોખીતોળીને બોલવું જોઇએ તે કંઇ કહેવાની વાત નથી. એમાં પણ વી. કે. સિંહ તો એક સમયે ભારતીય સેનાના વડા રહી ચૂક્યા છે ત્યારે આ મુદ્દાની સંવેદનશીલતા તેમનાથી વધુ સારી રીતે કોણ સમજવાનું હતું.
વિશ્વભરમાં વસતો ભારતીય જાણે છે કે હુર્રિયત કોન્ફરન્સ અને તેના નેતાઓ કટ્ટર અલગતાવાદી વલણ ધરાવે છે. હુર્રિયતના સૈયદ અલી શાહ ગિલાની સહિતના નેતાઓ છાસવારે ભારતવિરોધી ઝેર ઓકતા રહે છે અને કાશ્મીર ખીણની યુવાપેઢીને ભારત સામે ઉશ્કેરતા રહે છે. મોદી સરકાર સત્તારૂઢ થઇ તે પૂર્વે થોડોક સમય ગિલાની સહિતના નેતાઓનું જોર નબળું પડ્યું હતું, પરંતુ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા પછીના બે વર્ષમાં તો જેમ જેમ કાશ્મીર સરહદે પાકિસ્તાનના ગોળીબાર વધ્યા છે તેમ આ હુર્રિયત નેતાઓનું જોર પણ પાછું વધ્યું છે. અલગતાવાદી તત્વો ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યા છે. એમાં પણ ભાજપે કાશ્મીરમાં સરકાર રચવાની લ્હાયમાં અલગતાવાદીઓ પ્રત્યે કૂણું વલણ ધરાવતા પીડીપી સાથે યુતિ સાધી છે ત્યારથી તો ખીણમાં અલગતાવાદે માઝા મૂકી છે. તાજેતરના ભૂતકાળ પર નજર ફેરવતાં જણાય છે કે શાંતિને પલિતો ચાંપવાનો એક પણ મોકો તેઓ ચૂક્યા નથી. આ સંજોગોમાં કાશ્મીરના અલગતાવાદી નેતાઓને પાકિસ્તાન સાથે મંત્રણા કરવાની છૂટ આપવાનો નિર્ણય કેટલો યોગ્ય છે અને કેટલો અયોગ્ય એ તો સમય જ કહેશે.