ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ અપેક્ષા અનુસાર જ ભારતના સર્વોચ્ચ સ્થાને બિરાજ્યા છે. આંકડાઓનું ગણિત કોવિંદની તરફેણમાં હોવાથી તેમણે જંગી સરસાઇ સાથે કોંગ્રેસના ઉમેદવાર મીરા કુમારને હરાવ્યા છે. આઝાદીના સાત દાયકામાં આ પહેલો અવસર છે, જ્યારે ભાજપ વિચારધારાના કોઇ મહાનુભાવે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યું હોય. દેશના ૧૪મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ બિહારના ભૂતપૂર્વ રાજ્યપાલે પોતાની જીતને ભાવુક ક્ષણ જણાવતા આને દેશના લોકતંત્રનો વિજય ગણાવ્યો હતો.
પ્રચાર અભિયાન વેળા કોવિંદ અને મીરા કુમાર - બન્નેએ રાષ્ટ્રપતિ ચૂંટણીના મતદાતાઓ સુધી પોતાનો અવાજ પહોંચડવાના દરેક સંભવ પ્રયાસો કર્યા. અંતરાત્માના અવાજને અનુસરી મતદાનની અપીલ પણ કરી અને દલિત વર્ગનો મુદ્દો પણ છવાયેલો રહ્યો. જોકે સૌથી ઉલ્લેખનીય બાબત એ રહી કે પ્રચાર દરમિયાન એકમેક પ્રત્યે રતિભાર પણ કડવાશ દેખાઇ નહોતી. બન્ને નેતાએ ગરિમાપૂર્ણ પ્રચાર કર્યો તો પરિણામો જાહેર થયે એકમેકને વધાઈ પણ આપી. વડા પ્રધાને પણ લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા બદલ મીરા કુમારને બિરદાવ્યા. ભારતીય લોકતંત્રમાં આવો સૌહાર્દપૂર્ણ માહોલ જવલ્લે જ જોવા મળતો હોય છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરશે.
સામાન્ય પરિવારમાંથી આવતા અને દેશના સર્વોચ્ચ સ્થાને પહોંચેલા કોવિંદની સામે પૂરોગામી રાષ્ટ્રપતિઓ દ્વારા સ્થાપિત ઉજ્જવળ પરંપરાઓને આગળ ધપાવવાની જવાબદારી છે. ડો. રાજેન્દ્ર પ્રસાદ, ડો. રાધાકૃષ્ણન્, ઝાકિર હુસૈન અને ડો. એ. પી. જે. અબ્દુલ કલામ જેવા રાષ્ટ્રપતિઓએ આ પદની ગરિમાને ચાર ચાંદ લગાવ્યા છે. તાજેતરના ભૂતકાળની જ વાત કરીએ તો સરળ અને સાદગીપૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા ડો. કલામ અબાલવૃદ્ધ સહુ કોઇ માટે પ્રેરણાસ્રોત બની રહ્યા હતા. ભારતના તમામ રાષ્ટ્રપતિઓમાં કદાચ તેઓ સૌથી વધુ લોકપ્રિય હતા. તો પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવનના દરવાજા આમ ભારતીય માટે ખુલ્લા મૂકીને ‘પ્રથમ નાગરિક’ અને છેવાડાના નાગરિક વચ્ચેની ખાઈ પૂરવાનો પ્રયાસ કર્યો છે. રામનાથ કોવિંદ પણ રાષ્ટ્રપતિ પદને આવી જ અનોખી, ગરિમાપૂર્ણ ઓળખ આપશે તેવી અપેક્ષા સહજ છે.
કોવિંદે સાંસદ તરીકેના ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન દરેક મુદ્દા પર પોતાના વિચારો મોકળા મને રજૂ કર્યા છે તો બીજાના વિચારોને સાંભળ્યા પણ છે. કોવિંદની ઓળખ એક પરિપકવ અને અભ્યાસુ રાજનેતાની રહી છે. બિહારના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળ્યો તે દરમિયાન નીતીશ સરકાર સાથે તેમનો સારો તાલમેળ રહ્યો. આ જ કારણ છે કે ભાજપ સામે વિરોધ હોવા છતાં નીતીશકુમારના પક્ષે કોવિંદની તરફેણમાં મતદાન કર્યું છે. લાંબા રાજકીય કાર્યકાળમાં તેઓ દરેકને સાથે રાખીને ચાલ્યા છે. ગઇકાલ સુધી ભાજપના ઉમેદવાર કોવિંદ આજે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના સર્વોચ્ચ સ્થાને બિરાજ્યા છે ત્યારે પક્ષીય રાજકારણથી પર થઇને, રાષ્ટ્રહિતને નજરમાં રાખીને જવાબદારીઓ નિભાવશે તેવી આશા અસ્થાને નથી.