વિદાય લઇ રહેલા વર્ષના છેલ્લા સપ્તાહમાં અને નૂતન વર્ષના પહેલા સપ્તાહમાં ભારતે મિસાઇલ ટેક્નોલોજી ક્ષેત્રે બે સિમાચિહન સર કર્યા. વર્ષના આરંભે સોમવારે ૪૦૦૦ કિલોમીટરના અંતરે જઇને ત્રાટકવાની ક્ષમતા ધરાવતી અગ્નિ-૪નું સફળ પરીક્ષણ કર્યું તો આગલા સપ્તાહે ૫૦૦૦ કિલોમીટરના અંતરે જઇને ત્રાટકતા ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-૫નું સફળ પરીક્ષણ કર્યું છે. આ બન્ને ભારતીય મિસાઇલ અણુશસ્ત્ર વહન કરવા સક્ષમ છે. ભારતે ૩૫ દેશોના સંગઠન મિસાઇલ ટેક્નોલોજી કન્ટ્રોલ રેજીમ (એમટીસીઆર)નું સભ્યપદ મેળવ્યા બાદ અગ્નિ-૫નું આ પ્રથમ પરીક્ષણ છે. અગ્નિ-૫ને લાંબા અંતરે ત્રાટકવાની ક્ષમતાને આધારે મૂલવીએ તો તે સમગ્ર એશિયા અને અડધા યુરોપને આવરી લે છે. જોકે ભારતને સવિશેષ ચિંતા બે પડોશી દેશો - પાકિસ્તાન અને ચીન તરફથી છે, અને આ બન્ને દેશો અગ્નિની રેન્જમાં આવી જાય છે. આ જ કારણથી ભારતના સફળ મિસાઇલ પરીક્ષણથી ચીનના પેટમાં તેલ રેડાયું છે, અને તેણે આનો વિરોધ કર્યો છે.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિકસિત ૫૦ મીટર લાંબી અને ૫૦ ટનનું વજન ધરાવતી અગ્નિ-૫ મિસાઈલ ૧૦૦૦ કિલો વોરહેડ લઇ જવા સક્ષમ છે. તેને કોઇ પણ મોસમમાં અને દેશના કોઇ પણ સ્થળેથી લોન્ચ કરી શકાય છે. પછી તે કાશ્મીર હોય કે કન્યાકુમારી, ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ. અગ્નિ મિસાઈલની સફળતાનું આ પાંચમું પગલું છે. પૂર્વે ભારત ૭૦૦થી માંડીને ૩૫૦૦ કિમી સુધીના ચાર તબક્કામાં આવી જ સફળતા હાંસલ કરી ચૂક્યું છે. ૮૫ ટકા સ્વદેશી ટેક્નિકથી બનેલી અગ્નિ-૫ની સિદ્ધિ સાથે ભારત ૫૦૦૦ કિલોમીટરના અંતરે ત્રાટકે તેવી મિસાઈલો ધરાવતા અમેરિકા, રશિયા, ફ્રાન્સ, ચીન જેવા દેશોની હરોળમાં આવી ગયું છે.
અગ્નિ-૫ જેવી મિસાઇલ શાંતિના શસ્ત્ર તરીકે ઓળખાય છે કેમ કે દુશ્મનથી તીવ્ર ખતરો સર્જાય છે ત્યારે જ તેનો ઉપયોગ થતો હોય છે. આવી મિસાઇલ વિકસાવવાનું મુખ્ય કારણ હોય છે દુશ્મનના મનમાં ડર પેદા કરવાનું. ભારતે ચીનના સંભવિત ખતરાને નજરમાં રાખીને આ મિસાઇલ વિકસાવી છે. અલબત્ત, ચીન આનાથી વધુ લાંબા અંતરે ત્રાટકવા સક્ષમ મિસાઇલ ધરાવે છે, પરંતુ ભારત પણ મિસાઇલ ટેક્નોલોજીમાં લગાતાર પ્રગતિ કરી રહ્યું છે. સંભવ છે કે ભારત આગામી દિવસોમાં અગ્નિ-૫ કરતાં પણ વધુ લાંબા અંતરની મિસાઇલ વિકસાવવામાં સફળતા હાંસલ કરે. પહેલાં પૃથ્વી હતી, પછી ૭૦૦ કિમી રેન્જની અગ્નિ બની, પછી ૩૫૦૦ કિલોમીટરની રેન્જ થઇ અને હવે દેશ પાસે અગ્નિ-૪ અને અગ્નિ-૫ છે.
ભારત મિસાઇલ ટેક્નોલોજીમાં સુપર પાવર બનવાની દિશામાં ઝડપભેર આગેકૂચ કરી રહ્યું છે. દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર વૈશ્વિક લશ્કરી મહાશક્તિઓની રણનીતિનો અખાડો છે. ચીન, રશિયા અને અમેરિકાના આર્થિક અને રાજદ્વારી હિતોની ખેંચતાણ વચ્ચે દક્ષિણ એશિયામાં પોતાનું મજબૂત સ્થાન જાળવવા ભારત માટે લશ્કરી સજ્જતા, ખાસ તો મિસાઈલ ટેક્નોલોજીમાં અગ્રતા અને આત્મનિર્ભરતા જરૂરી છે. આ સંદર્ભે અગ્નિ-૫ની સફળતા મહત્ત્વની સિદ્ધિ છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે.