‘અચ્છે દિન’ના આગમનનો અણસાર અને આશંકા

Tuesday 30th January 2018 13:27 EST
 

નાણાં પ્રધાન અરુણ જેટલીએ સંસદમાં રજૂ કરેલા વર્ષ ૨૦૧૭-૧૮ના આર્થિક સર્વેક્ષણના તારણોએ ભારતવાસીઓમાં ફરી એક વખત અચ્છે દિનના આગમનની આશા નવપલ્લવિત કરી છે. આર્થિક સર્વેમાં આશા વ્યક્ત કરાઇ છે કે ભારત સરકાર તરફથી ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ (જીએસટી) સહિતના જે આર્થિક સુધારાલક્ષી પગલાં ઉઠાવાયા છે તેના સકારાત્મક પરિણામ આગામી વર્ષમાં જોવા મળશે. પાછલા વર્ષમાં કૃષિ ઉત્પાદનમાં નોંધાયેલા ઘટાડા માટે વધી રહેલા તાપમાન અને અપૂરતા વરસાદને મુખ્ય કારણ ગણાવાયા છે. આ ઉપરાંત સર્વેક્ષણમાં નવા બેન્કરપ્સી કાયદા અને દેશમાં મૂડીરોકાણ આકર્ષવા માટે સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઇ)ના નિયમોમાં અપાયેલી છૂટછાટ જેવાં પગલાંની સરાહના કરાઇ છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર ૬.૭૫ રહેવાનો અંદાજ મૂકવાની સાથોસાથ એવું ગુલાબી ચિત્ર રજૂ કરાયું છે કે જીડીપીમાં વૃદ્ધિ, નિકાસમાં વધારો, જીએસટી અને એફડીઆઇ જેવા કારણસર આવતા વર્ષે જીડીપી દર વધીને ૭થી ૭.૫ ટકા પહોંચશે. આર્થિક સુધારાલક્ષી પગલાંથી રિઅલ એસ્ટેટ સહિતના બાંધકામ ક્ષેત્રે વર્ષે ૩૦ લાખ લેખે ૨૦૨૨ સુધીમાં દોઢ કરોડ નવીન રોજગારીનું સર્જન થવાનો અંદાજ સર્વેમાં રજૂ કરાયો છે. તો પરોક્ષ કરની આવકમાં ૧૮.૩ ટકાની વૃદ્ધિની સાથે સાથે જ કરદાતાઓની સંખ્યામાં ૫૦ ટકાનો વધારો પણ દર્શાવાયો છે. કરવેરાની આવક ૧૩.૭ ટકા વધી છે તે જણાવવાની સાથોસાથ સર્વેક્ષણમાં એ વાત સામે પણ આંગળી ચીંધાઇ છે કે રાજ્ય સરકારો સીધા કરવેરાની વસૂલાતમાં નિષ્ફળ રહી છે.
સરકાર ગમે તે પક્ષની હોય તેને નિરાશાવાદી થવું પાલવે નહીં. મોદી સરકારે રજૂ કરેલું આર્થિક સર્વેક્ષણ પણ આ દિશામાં એક પ્રયાસ ગણી શકાય. આ તારણોમાં નરી આંખે એવી ઘણી વાતો જોવા-જાણવા મળે છે કે જે સહુકોઇને રાજી કરી શકે છે. જેમ કે, કરદાતાઓમાં ઉમેરો, જીએસટી-નોટબંધીની માઠી અસરોમાંથી અર્થતંત્ર બહાર આવી રહ્યું હોવાના સંકેત, તળિયે જઇ બેઠેલા જીડીપીના આંકડામાં ઉન્નતિનો તબક્કો શરૂ થયો હોવાનો અણસાર તેમજ આવતા વર્ષે વિકાસ દર વધવાનો આશાવાદ અર્થતંત્રનું ગુલાબી ભાવિ રજૂ કરે છે.
જોકે, આમ આદમીના આશા-ઉમંગમાં ઉમેરો કરતાં આ શબ્દોની વચ્ચે પડકારો પણ છુપાયેલા છે તે કોઇએ ભૂલવું જોઇએ નહીં. સર્વેક્ષણમાં સ્વીકારાયું છે કે વિકાસના આ અંદાજો પર ક્રૂડના વધતા ભાવો વિપરિત અસર કરી શકે છે. મતલબ કે સરકાર પાસે આ સંભવતઃ જોખમનો સામનો કરવાની યોજના નથી. આ ઉપરાંત યુવાનો અને મહિલાઓ માટે રોજગારની તકોમાં વધારો, સ્વાસ્થ્ય સેવામાં સુધારો તેમજ કૃષિ ક્ષેત્રે ઉત્પાદક્તા વધારવાની વાત તો કરાઇ છે, પરંતુ આ લક્ષ્યો કેવી રીતે હાંસલ થશે તેની કોઇ રૂપરેખા આ સર્વેક્ષણમાં જોવા મળતી નથી. આ જ રીતે નોટબંધી અને જીએસટીના કારણે મંદીના મોજામાં અટવાયેલા રિઅલ એસ્ટેટ અને બાંધકામ ઉદ્યોગ પાંચ વર્ષમાં દોઢ કરોડ નવી રોજગારીનું સર્જન કરી શકશે કે તે વાતે પણ શંકા છે. સર્વેક્ષણમાં પહેલી વાર રાજ્યવાર આંકડા જાહેર કરીને એ પણ સ્વીકારાયું છે કે દેશની કુલ નિકાસનો ૭૦ ટકા હિસ્સો પાંચ રાજ્યો હસ્તક છે. મતલબ કે દેશમાં આર્થિક વિકાસ પ્રમાણમાં અસંતુલિત છે. લાખો કરોડો રૂપિયાના પ્રોજેક્ટસ અટકી પડ્યા છે તેથી બેન્કોના અબજો રૂપિયા ડિફોલ્ટર્સ પાસે ફસાઇ ગયા છે. વધતા ફૂગાવાના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા ધિરાણ નીતિ હળવી કરવાના મૂડમાં નથી તો બીજી તરફ બેન્કો પણ હવે નવી લોનો આપવામાં વધારે સાવચેતી દાખવી રહી છે. પરિણામે, મૂડી પ્રવાહિતા ઘટી રહી છે. બેન્કોમાં નવી મૂડી ઉમેરવાની પ્રક્રિયાનાં ધાર્યાં પરિણામ નહીં મળે તો મૂડીરોકાણ હજુ પણ લાંબા સમય માટે ઠપ રહેશે તેવી ચિંતા પણ તેમાં દર્શાવાઇ છે.
જીએસટીના અમલ બાદ બજાર બેહાલ છે. તો બીજી તરફ દેશમાં મોંઘવારી વધી રહી છે અને તેની સામે રોજગારીમાં જોઇએ તેટલો વધારો થયો નથી. આ માહોલ ધ્યાનમાં રાખીને સરકારે આ સર્વેક્ષણમાં વિકાસની તસવીર વધુ સ્પષ્ટ કરવાની જરૂર હતી. ખેર, અત્યારે તો કહી શકાય કે આર્થિક સર્વેક્ષણ અચ્છે દિનના આગમનની વાત તો કરે છે, પણ આ દિવસો ક્યારે આવે છે એ તો સમય જ કહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter