થોડાંક વર્ષ પૂર્વે ભારતની રાજકીય ક્ષિતિજે આમ આદમી પાર્ટી (‘આપ’)નો ઉદય થતાં જ લોકોને કંઇક આશાસ્પદ રાજકીય વિકલ્પ મળવાની આશા જાગી હતી. લોકોને વધુ ભ્રષ્ટાચારમુક્ત, અસરકારક વહીવટ આપે તેવું શાસન મળવાની અપેક્ષા હતી. અરવિંદ કેજરીવાલ લોકનજરમાં છવાઇ ગયા હતા. જોકે બે-ત્રણ વર્ષમાં તો વિવાદનો એવો જોરદાર વંટોળ ઉઠ્યો કે લોકોની આશા-અપેક્ષાના તણખલા વેરવિખેર થઇ ગયા. દિલ્હીમાં શાસનધૂરા સંભાળતી ‘આપ’ના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ આજેય ચર્ચામાં તો છે, પરંતુ કોઇ ખોટા જ કારણસર. તેમના જ એક સમયના સાથીદાર પણ હવે પક્ષમાંથી બરતરફ કપિલ મિશ્રાએ તેમની સામે ખુલ્લો જંગ છેડ્યો છે. તેમણે અરવિંદ કેજરીવાલ સામે ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપો પણ કર્યા ને દેશની ટોચની તપાસનીશ એજન્સી સીબીઆઇમાં કથિત પુરાવાઓ સાથે રજૂઆત પણ કરી. સપ્તાહ પૂર્વે શરૂ થયેલો સિલસિલો આજેય ચાલુ છે. કેજરીવાલ સામે સત્યાગ્રહના મંડાણ કરનાર મિશ્રાએ રવિવારે પત્રકાર પરિષદ યોજીને ‘આપ’ના ભંડોળમાં ગેરરીતિ આચર્યાના આક્ષેપ કર્યા. નાટ્યાત્મક ઢબે બેહોશ થઇ ગયા. તબીબોના કહેવાથી છઠ્ઠા દિવસે ઉપવાસના પારણા કર્યા, પણ કેજરીવાલ સામેની આક્ષેપોની તલવાર મ્યાન કરી નથી. જવાબમાં ‘આપ’ના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને મિશ્રાને ભાજપની કઠપૂતળી ગણાવ્યા. ‘આપ’ને ખતમ કરવા ભાજપ પ્રયાસ કરી રહ્યો હોવાના આક્ષેપ કર્યા.
અહીં સવાલ એ નથી કે કોઇ સાચું બોલે છે અને કોણ નહીં. સામસામો આક્ષેપોનો દોર તો ચાલતો જ રહેવાનો છે. પરંતુ દિલ્હીની પ્રજાએ શું આ આરોપો-પ્રતિઆરોપો સાંભળવા માટે પક્ષને પ્રચંડ વિજય અપાવ્યો હતો? પ્રજાએ કુલ ૭૦માંથી ૬૭ બેઠકો પર વિજય અપાવ્યો હોવા છતાં ‘આપ’ સરકાર દિલ્હીવાસીઓને અસરકારક વહીવટ આપવામાં નિષ્ફળ રહી છે એ તો તેમણે કબૂલવું જ રહ્યું. ‘આપ’ને આ બહુમતી દિલ્હીમાં કામ કરવા માટે આપવામાં આવી હતી, પરંતુ પક્ષમાં સત્તા માટેની સાઠમારી એટલી હદે વધી ગઇ કે કેટલાય નેતાઓએ પોતપોતાનો મારગ પકડી લીધો છે. જનઆંદોલનોમાંથી જન્મેલો પક્ષ સત્તા સાંપડતા જ એકતા કેમ જાળવી શકતો નથી? ભારતીય રાજનીતિનો આ દસકાઓ જૂનો પ્રશ્ન એવો છે જેનો આજ સુધી પ્રજાને જવાબ મળ્યો નથી. નેતાઓ તો સામસામે નિવેદનબાજી કરીને ‘હિસાબ સરભર’ કરી લેશે, પરંતુ અહીં પ્રશ્ન એ છે કે મતદારો સાથે થયેલા વિશ્વાસઘાતનું શું? આટલી પ્રચંડ બહુમતી પછી પણ જો કોઇ પક્ષ સ્વચ્છ અને સ્થિર શાસન ન આપી શકે તો તે માટે દોષિત કોણ? ‘આપ’ની નેતાગીરીએ આજે નહીં તો કાલે આ પ્રશ્નનો જવાબ આપવો જ પડશે.