આમ આદમી પાર્ટી (‘આપ’)ના ૨૦ ધારાસભ્યોની અયોગ્યતા રદ કરીને તેમને ધારાસભ્ય પદે પુનઃ સ્થાપિત કરતો ચુકાદો પક્ષ અને તેના વડા અરવિંદ કેજરીવાલ માટે જેટલો રાહતજનક છે એટલો જ ચૂંટણી પંચ માટે આંચકાજનક છે. બદનક્ષી કેસોમાં એક પછી એક માફીનામા પછી પોતાના જ પક્ષના નેતાઓ-કાર્યકરોના રોષનો ભોગ બનેલા કેજરીવાલે આ ચુકાદાને સચ્ચાઇની જીત ગણાવી છે, પરંતુ ખરેખર એવું નથી. કોર્ટે સંસદીય સચિવ પદે સંબંધિત વિધાનસભ્યોની નિયુક્તિને સાચી કે વાજબી નથી ઠેરવી, પરંતુ કોર્ટે એવું કહ્યું છે કે ચૂંટણી પંચે યોગ્ય નિર્ણયપ્રક્રિયાનું પાલન કર્યું ન હોવાથી તમામને પુનઃ સ્થાપિત કરાય છે. વિધાનસભ્યોએ પણ હાઇ કોર્ટમાં કરેલી અરજીમાં એવો જ મુદ્દો ઉઠાવ્યો હતો કે ચૂંટણી પંચે તેમને સાંભળ્યા વગર ચુકાદો આપી દીધો છે, અને તે કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ‘આપ’ને ભલે અત્યારે રાહત મળી, પણ આ કામચલાઉ રાહત છે. હવે તેણે ચૂંટણી પંચ સમક્ષ પોતાના ધારાસભ્યોની સંસદીય સચિવ પદે નિમણૂક ન્યાયસંગત હોવાનું પુરવાર કરવું પડશે.
બીજી તરફ, ચૂંટણી પંચ માટે આ ચુકાદો આંચકાજનક છે કેમ કે કોર્ટે તેનો નિર્ણય રદ કરીને તમામ વિધાનસભ્યોની રજૂઆતો સાંભળવા જણાવ્યું છે. એટલું જ નહીં, કોર્ટે એવી પણ ટકોર કરી છે કે પંચે તેની નિર્ણયપ્રક્રિયા વધુ પારદર્શક બનાવવાની જરૂર છે. આ બન્ને ટિપ્પણી દર્શાવે છે કે ચૂંટણી પંચ યોગ્ય ન્યાયપ્રક્રિયાને અનુસર્યું નથી અને તેની પ્રક્રિયામાં પારદર્શક્તાનો અભાવ છે. કોર્ટની આ ટિપ્પણી એક બંધારણીય સંસ્થાની વિશ્વસનીયતા સામે શંકાની આંગળી ઉઠાવે છે. પંચે ‘આપ’ના ધારાસભ્યોની બરતરફીના કિસ્સામાં આવી ઉતાવળ શા માટે કરી? તેની કામગીરી પારદર્શક કેમ નથી? આ સવાલો એવા છે જેના તેણે સંતોષજનક જવાબ આપવા જ રહ્યા. કોર્ટના ચુકાદા બાદ ચૂંટણી પંચ સમક્ષ બે વિકલ્પ છે. એક તો, ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવો, અને બીજું, યોગ્ય પ્રક્રિયાને અનુસરતા ‘આપ’ના ધારાસભ્યોને તેમની રજૂઆત કરવાનો મોકો આપવો. પંચે હજુ સુધી તો મગનું નામ મરી પાડ્યું નથી. સંસદીય સચિવોની નિમણૂકના મુદ્દે દૂધનું દૂધ, પાણીનું પાણી ક્યારે થાય છે તે જોવું રહ્યું.