‘ઇસરો’ના નામે એક સાથે ૨૦ ઉપગ્રહનો વિક્રમ

Tuesday 28th June 2016 15:47 EDT
 

ભારતીય અવકાશ સંસ્થાન ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)ની સાફલ્યગાથામાં સોનેરી પ્રકરણ ઉમેરાયું છે. ‘ઇસરો’એ ૨૨ જૂને વિખ્યાત પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (પીએસએલવી)ની મદદથી દેશ-વિદેશના એકસાથે ૨૦ સેટેલાઇટ અવકાશમાં તરતા મૂકીને અનોખો વિક્રમ સ્થાપ્યો છે. આ સાથે જ તેણે અમેરિકા અને રશિયાની હરોળમાં સ્થાન મેળવ્યું છે. આ વખતે જે ૨૦ સેટેલાઇટ અંતરિક્ષમાં તરતા મૂકાયા છે તેમાં ભારત ઉપરાંત અમેરિકા, જર્મની, કેનેડા, ઇન્ડોનેશિયા સહિતના દેશોના સેટેલાઇટ ઉપરાંત ભારતની બે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા બે સેટેલાઇટનો પણ સમાવેશ થાય છે. એકસાથે આટલા બધા ઉપગ્રહને અવકાશમાં ફરતા કરવાનું કામગીરી ભારે જટિલ અને પડકારરૂપ છે. આમાં પણ મુખ્ય ઉપગ્રહ કાર્ટોસેટ-બેને અલગ ભ્રમણકક્ષામાં તરતો મૂકવાનો હતો. જ્યારે બાકીના ઉપગ્રહોને થોડા થોડા અંતરે સ્થિર કરવાના હતા. આ માટે તેમને અવકાશમાં લઇ જનાર રોકેટના ચોથા તબક્કાને બે વખત ચલાવવાની નવી ટેક્નોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કરાયો છે. આમ તો આ ટેક્નોલોજીનું અગાઉ પીએસએલવીના ૨૯મા લોન્ચીંગ સમયે સફળ પરીક્ષણ થઇ ચૂક્યું હતું, પરંતુ આટલા બધા ઉપગ્રહના લોન્ચીંગમાં તેનો પ્રથમ વખત ઉપયોગ થયો હતો.
અંતરિક્ષને આંબતી આ સફળતા બાદ ‘ઇસરો’ માટે હવે ભવિષ્યમાં પણ આ રીતે વધુને વધુ ઉપગ્રહો અવકાશમાં મોકલવાનું આસાન થઇ ગયું છે. એક સાથે વધુ સેટેલાઇટને અવકાશમાં તરતા મૂકવાતી તેના લોન્ચીંગ ખર્ચમાં ભારે ઘટાડો થશે. હાલમાં આમ ‘ઇસરો’ અમેરિકાની વિખ્યાત અવકાશ સંસ્થાન ‘નાસા’ની સરખામણીએ ખર્ચના દસમા ભાગમાં સેટેલાઇટને અવકાશમાં તરતા મૂકવાનું કૌશલ્ય કેળવી ચૂક્યું છે. આજે સમય એવો છે કે વિશ્વની લગભગ તમામ સ્પેસ એજન્સી પોતાના સેટેલાઇટને અંતરિક્ષ તરતો મૂકવા ‘ઇસરો’ પર નિર્ભર બનવા લાગી છે.
ભારતીય વૈજ્ઞાનિકોની સફળતા અને કૌશલ્ય થકી ‘ઇસરો’ આજે વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. ભારત સંરક્ષણ ક્ષેત્રે હજુ તો આત્મનિર્ભર બની રહ્યું છે, પરંતુ મિસાઇલ ટેક્નોલોજીમાં તે આગેકૂચ કરી રહ્યું છે તેનો જશ પ્રખર વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇ દ્વારા સ્થાપિત ‘ઇસરો’ને જ આપવો રહ્યો. અંતરિક્ષ વિજ્ઞાનમાં સફળતાના માપદંડ અલગ હોય છે. અહીં નિષ્ફળતાનો દર ધ્યાનમાં રાખી સફળતાને મૂલવવામાં આવે છે. ‘ઇસરો’ના પીએસએલવી રોકેટની જ વાત કરીએ તો તેના અત્યાર સુધીમાં ૩૬ પ્રક્ષેપણ થઇ ચૂક્યા છે, જેમાંથી માત્ર બે જ નિષ્ફળ ગયા છે. આમ ‘ઇસરો’ આજે વિશ્વમાં મોખરાની અવકાશ સંસ્થાન બની રહી છે. ‘ઇસરો’ની સફળતા દર્શાવે છે કે ભારતમાં જ્ઞાન, કૌશલ્યની કમી નથી, સવાલ તેનો સુપેરે ઉપયોગ કરવાનો છે. એક સંસ્થાને કૌશલ્યબદ્ધ માનવસંસાધન અને આર્થિક સહયોગ મળી રહે તો તે કેવી સિદ્ધિના શીખરે પહોંચી શકે છે તેનું ઉદાહરણ ‘ઇસરો’ છે. ભારતની અન્ય વિજ્ઞાન/સંશોધન સંસ્થાએ ‘ઇસરો’ની સફળતામાંથી પ્રેરણા લેવી રહી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter