લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળ ઈન્ડિયા ગઠબંધને ભાજપની એકચક્રી શાસનની મહેચ્છાને ધૂળમાં મેળવી દીધા પછી કોંગ્રેસ પાર્ટી જોરમાં આવી હતી. જોકે, મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોંગ્રેસ સહિતના વિપક્ષી ગઠબંધનનો જે રીતે રકાસ થયો તેનાથી સર્જાયેલા વમળો હવે બહાર આવી રહ્યાં છે. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ઈન્ડિયા બ્લોકની આગેવાની સંભાળવાનો દાવો કરીને શાંત જળમાં પથરો નાખ્યો છે. વિજયના શિલ્પી હોવાનો દાવો સહુ કરે છે પરંતુ, પરાજય માટે એકબીજા સામે આંગળી ચીંધવામાં કોઈ નેતાઓ પાછીપાની કરતા નથી. એક સમયે પૂર્વ વડા પ્રધાન અને કોંગ્રેસના મહારથી શ્રીમતી ઈન્દિરા ગાંધીએ વિરોધપક્ષોની સરખામણી નારંગી સાથે કરી હતી જે ખુલવાની સાથે જ અલગ પડી જાય છે. આજે કોંગ્રેસના વડપણ હેઠળના ઈન્ડિયા બ્લોકની પણ હાલત નારંગી જેવી છે જેની પેશીઓ અલગ પડીને સાત સૂરો આલાપી રહી છે.
વિફરેલાં મમતા બેનરજીએ વિપક્ષી ઈન્ડિયા ગઠબંધન જે રીતે કામગીરી કરે છે તેનાથી અસંતોષ દર્શાવી તક મળે તો બંગાળના મુખ્યપ્રધાનપદની કામગીરીની સાથોસાથ ગઠબંધનની નેતાગીરી હું સ્વીકારીશ તેવો હુંકાર પણ કર્યો છે. તેમણે ઈન્ડિયા બ્લોકની રચના પોતે કરી હોવાનું કહેવા સાથે મોરચો કેવી રીતે સંભાળવો તે અન્યોનું કામ છે. આમ છતાં, અન્ય પક્ષોના નેતાઓ શો ચલાવી ન શકતા હોય તો શું થઈ શકે. બીજી તરફ, કોંગ્રેસનું વલણ મમતાવિરોધી રહ્યું છે. અને રાહુલ ગાંધી સિવાય અન્ય કોઈ નેતા ઈન્ડિયા બ્લોકનું વડપણ સંભાળી શકે તેમ નથી જણાવી અન્ય નેતાઓની ક્ષમતાને પડકારી રહેલ છે.
એક સમયે કોંગ્રેસ અને રાહુલ ગાંધીના ચૂસ્ત સમર્થક રહેલા રાજદના લાલુ પ્રસાદ યાદવે પણ હવે ટોપી બદલી ઈન્ડિયા ગઠબંધનની નેતાગીરી મમતા બેનરજીને સોંપવાની તરફેણ કરી મોટાભાઈપણું કરવાના કોંગ્રેસના દાવાને ફગાવી દીધો છે. રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ બંગાળી વાઘણની તરફેણ કરી છે જ્યારે સંજય રાઉતે તો રાહુલ ગાંધીની નેતાગીરી સામે કોઈ જ પ્રશ્ન ઉઠાવી ન શકાય છતાં, અન્ય નેતાઓ ગઠબંધનને મજબૂત બનાવવા યોગદાન આપે તેમાં કોઈ વિરોધ ન હોવાનું નિવેદન ફટકારી દીધું છે.
એક પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે ઈન્ડિયા બ્લોક એકસંપ રહી શકશે ખરો? મમતા બેનરજીએ ફેંકેલા નેતાગીરીના પથ્થર સિવાય પણ આંતરિક વિખવાદો બહાર આવી રહ્યા છે. ઉદ્ધવ શિવસેનાના એક નેતાએ બાબરી મસ્જિદના વિધ્વંસ માટે બાલાસાહેબ ઠાકરેને ગર્વ હતો તેવું નિવેદન જાહેર કર્યા પછી સમાજવાદી પાર્ટીએ મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવી બેઠેલા ગઠબંધન મહા વિકાસ અઘાડીથી અંતર જાળવવાનું જાહેર કર્યું છે. બીજી તરફ, પાર્લામેન્ટમાં કોંગ્રેસ દ્વારા અદાણી મુદ્દે વિરોધો જાહેર કરાયા તેમાં પણ સમાજવાદી પાર્ટી અને શરદ પવારની એનસીપી જોડાયા નથી. આટલું જ નહિ, સમાજવાદી પાર્ટી તો હવે એવું માને છે કે ઈન્ડિયા બ્લોક મોટા ભાગે માત્ર મીડિયામાં જ અસ્તિત્વ ધરાવે છે. ઈન્ડિયા બ્લોકની મુખ્ય સમસ્યા એ રહી છે કે તેના નેતાઓ એકબીજાને સલાહ આપતા રહે છે અને પોતે કોઈ નક્કર કામગીરી બજાવતા નથી. આવા સંજોગોમાં તેઓ કેટલો સમય સાથે રહી શકશે તે પણ યક્ષપ્રશ્ન છે.