‘ઈસરો’ની અવિરત આગેકૂચ

Tuesday 30th August 2016 11:48 EDT
 

‘ઈસરો’ના ટૂંકાક્ષરી નામે જાણીતા ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને રવિવારે તેની સિદ્ધિઓના છોગામાં વધુ એક સફળતાનું પીછું ઉમેર્યું છે. ‘ઈસરો’એ વાતવારણમાંથી જ ઓક્સિજન મેળવીને તેનો ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવતા સ્ક્રેમજેટ એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું હતું. આંધ્રના શ્રીહરિકોટ સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરાયેલા આ પરીક્ષણ અંગે વિજ્ઞાનીઓનું કહેવું છે કે રિયુઝેબલ લોન્ચ વેહિકલમાં અવાજ કરતાં વધુ ગતિ એટલે કે હાઇપરસોનિક સ્પીડ માટે આ એન્જિનનો ઉપયોગ કરાયો છે. આ સફળતા સાથે જ ભારતે અમેરિકી સંસ્થાન ‘નાસા’ની હરોળમાં સ્થાન મેળવ્યું છે ને જપાન, ચીન, રશિયાને પાછળ રાખી દીધા છે.
અંતરિક્ષ અધ્યયન ક્ષેત્રે ‘ઈસરો’ વિશ્વના ટોચના સંસ્થાનોમાં કંઇ અમસ્તું જ સ્થાન નથી ધરાવતું. તે દિન-પ્રતિદિન સિદ્ધિના નવા શીખરો સર કરી રહ્યું છે. ‘ઈસરો’ હવે સૂર્યની તરફ ઉડાન ભરવાની તૈયારીમાં છે. ‘ઈસરો’ના સેટેલાઇટ સેન્ટરના ડિરેક્ટર એમ. અન્નાદુરેઇના જણાવ્યા પ્રમાણે સૂર્યના અધ્યયન માટે ૨૦૨૦ સુધીમાં ‘આદિત્ય’ મિશન લોન્ચ કરવાની યોજના છે. જ્યારે આવતા વર્ષના અંત કે ૨૦૧૮ના પ્રારંભે ચંદ્રયાન પ્રોજેક્ટના બીજા ચરણમાં સંપૂર્ણપણે સ્વદેશી યંત્ર ચંદ્ર પર ઉતારાય તેવી સંભાવના છે. અગાઉ આ માટે રશિયા પાસેથી ટેકનિકલ સહાય લેવાનું નક્કી થયું હતું, જોકે હવે ‘ઈસરો’ ખુદ આ યંત્ર વિકસાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં ‘ઈસરો’એ ૧૦ સેટેલાઇટ અંતરિક્ષમાં તરતા મૂક્યા છે અને આવતા ત્રણ મહિનામાં વધુ ચાર સેટેલાઇટ લોન્ચ કરવાનું છે. ‘ઈસરો’ની યોજના ત્રણ વર્ષમાં ૭૦ સેટેલાઇટસ અંતરિક્ષમાં મોકલવાની છે. ઉલ્લેખનીય છે કે ગયા જૂનમાં જ ‘ઈસરો’એ એક સાથે ૨૦ સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કરીને વિશ્વમાં તેની ક્ષમતાના ડંકા વગાડ્યા હતા.
આ આંકડા દર્શાવે છે કે ‘ઈસરો’ની ટીમ ખૂબ જ વધારે વ્યસ્તતા છતાં પોતાના વ્યવસાયી કૌશલ્ય અને સંચાલન થકી શ્રેષ્ઠતમ પરિણામ આપી રહી છે. ગુજરાતના પનોતા પુત્ર વિક્રમ સારાભાઇએ સ્થાપેલી આ સંસ્થાએ ૪૭ વર્ષની પોતાની વિકાસ યાત્રામાં દેશની જરૂરિયાતોને પૂર્ણ કરવાની કોશિશ તો કરી જ છે, સાથોસાથ અન્ય કેટલાય દેશોને અંતરિક્ષના અભ્યાસ અને સંશોધનમાં પણ સહાય કરી છે.
આજે ‘ઈસરો’ની ગણના વિશ્વની છ સૌથી મોટા અંતરિક્ષ સંસ્થાનોમાં થાય છે. સૌપ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’થી સૂરજને નજીકથી નિહાળવા જઇ રહેલા ‘આદિત્ય’ સુધીનો આ સિલસિલો તેની આગેકૂચની ઝાંખી રજૂ કરે છે. ૨૦૦૬માં અંતરિક્ષ વિજ્ઞાનીઓએ એકસૂરે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે ભારતે માનવસહિત ઉપગ્રહ મોકલવાનો પ્રોજેક્ટ હાથ ધરવો જોઇએ. અલબત્ત, ભારત સરકારે આ પ્રોજેક્ટ પર હજુ સુધી મંજૂરીની મહોર તો મારી નથી, પરંતુ ‘ઈસરો’ ભાવિ શકયતાઓ ધ્યાનમાં રાખી નીતનવી આધુનિક ટેક્નોલોજી જરૂર વિકસાવી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter