તાજેતરમાં જ ભારત સરકારના રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું હતું કે ગુજરાત રાજ્ય દેશી અને વિદેશી પર્યટકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે. કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલયના ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ ૨૦૨૦ના રિપોર્ટમાં ગુજરાત સતત પાંચમી વાર ટોપ ૧૦ રાજ્યમાં ૯મા ક્રમે રહ્યું છે. ઉત્તર પ્રદેશ ૨૩.૧૦ ટકા પર્યટકોની સાથે દેશનં. સૌથી આકર્ષક પર્યટન રાજ્ય બની ગયું છે. તામિલનાડુ ૨૧.૩૦ ટકા પ્રવાસીઓ સાથે બીજા ક્રમે અને આંધ્ર પ્રદેશ ૧૦.૨૦ ટકા પર્યટકો સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું.
આ રિપોર્ટ અનુસાર તો ૨૦૧૯માં માત્ર ૨.૫ ટકા પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. વિશ્વની સૌથી ઊંચી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રતિમા, અમદાવાદ જેવું હેરિટેજ સિટી કે ચાંપાનેર, એશિયાઈ સિંહના વસવાટ સાથે ગીરનું જંગલ, આરાસુર અંબાજી ધામ જેવી શક્તિપીઠ, સુપ્રસિદ્ધ સોમનાથ જ્યોતિર્લિંગ અને જામનગર નજીક નાગેશ્વર જ્યોતિર્લિંગ જેવા આકર્ષક સ્થળો હોવાં છતાં, પર્યટકો બહોળી સંખ્યામાં ગુજરાતની મુલાકાતે શા માટે આવતા નથી તે યક્ષપ્રશ્ન છે. ગુજરાતમાં ૨૫થી વધારે શાનદાર બીચ, મરિન પાર્ક્સ છે. ખાટલે ખોડ એવી છે કે ‘કુછ દિન તો ગુજારિયે ગુજરાત મેં...’ તેમજ ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ જેવા સ્લોગન્સ હવે બિનઅસરકારી થવા માંડ્યા છે. ગુજરાતમાં પાંચ વર્ષમાં ટુરિઝમ પાછળ ૨૫૦૦ કરોડનો ખર્ચ થયો પરંતુ, તેનું પરિણામ મળતું નથી. દેશનું સૌથી સમૃદ્ધ પર્યટન સ્થળ હોવા છતાં, ગુજરાત પાંચ વર્ષથી ૯મા ક્રમે છે. આનાથી વિપરીત, ઉત્તર પ્રદેશ. છેલ્લા ૧૦ વર્ષમાં યુપી સાતમીવાર બીજા ક્રમે અને એક વખતે ત્રીજા નંબરે રહ્યું.
મોટા ભાગે દેશમાંથી જ પર્યટકો ગુજરાતના પ્રવાસે આવતા રહે છે. વિદેશી પર્યટકોની વાત કરીએ તો તેમની મનપસંદ જગ્યામાં ગુજરાત ટોપ ૧૦માં પણ સામેલ નથી. વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં તામિલનાડુ ૬૮ લાખ પ્રવાસી સાથે પ્રથમ ક્રમે રહ્યું તેમજ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા હતા. વિદેશી પર્યટકોની પસંદગીની યાદીમાં રાજસ્થાન, તામિલનાડુ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, અને બંગાળ પ્રથમ ૧૦ સ્થાનમાં છે. ૨૦૧૮ના રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૧૭ના વર્ષમાં ગુજરાતમાં ૪૮.૩ મિલિયન પ્રવાસીઓ આવ્યા હતા જે, દેશના કુલ પ્રવાસીઓના ૨.૯ ટકા હતા. ૨૦૧૮ના વર્ષમાં ૫૪.૩ મિલિયન પ્રવાસીઓ આવ્યા હતા જે કુલ પ્રવાસીઓના ૨.૯ ટકા જ હતા. ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘીરે ધીરે વધારો થતો જોવા મળી રહ્યો છે પરંતુ, તે અપૂરતો છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત પ્રવાસીઓને આકર્ષવામાં જોઇએ એ પ્રમાણમાં સફળ રહ્યું નથી. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા ૨૦૧૯માં ૨૯ લાખ લોકો આવ્યા હતા જે અનુમાનથી ઘણા ઓછા હતા. રણોત્સવમાં કચ્છનું રણ જોવા જતા સ્થાનિક લોકોની સંખ્યા ૧૫ ટકા જ્યારે વિદેશી પર્યટકોની સંખ્યા ૫૦ ટકા ઘટી છે તેવો ઉત્તર ખુદ રાજ્ય સરકારે આપ્યો છે. હકીકત એ છે કે આમાં સૌથી મોટો વાંક ગુજરાત સરકારની નિષ્ક્રિયતા અને મોટી બડાશો મારવાનો છે. પર્યટકોને ઓછી કિંમતે સારી સુવિધા આપવામાં તેમજ યોગ્ય માર્કેટિંગ કરવામાં ગુજરાત ઘણું પાછળ રહ્યું છે.