‘બ્રિક્સ’ઃ આખરે આતંકી સંગઠન ભીંસમાં

Tuesday 05th September 2017 14:37 EDT
 

ચીનના યજમાનપદે યોજાયેલા ‘બ્રિક્સ’ દેશોના નવમા શિખર સંમેલનમાં ભારતને મોટી કૂટનીતિક સફળતા હાંસલ કરી છે. બ્રાઝિલ, રશિયા, ઇંડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા એમ પાંચ દેશોના બનેલા આ સંગઠનના ઘોષણાપત્રમાં પહેલી વખત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના નામ સામેલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ‘બ્રિક્સ’ના તમામ સભ્ય દેશોએ આતંકવાદના જુદા જુદા સ્વરૂપોની આકરા શબ્દોમાં ટીકા કરતાં માત્ર આતંકવાદીઓને જ નહીં, પરંતુ તેમને પોષનારાઓ અને સમર્થકોને પણ કોઇ પણ આતંકવાદી ઘટના માટે સમાન હિસ્સે જવાબદાર માનવાની વાત કરી છે. આ સંમેલનની સૌથી મહત્ત્વની બાબત એ રહી છે કે સંમેલનના ઘોષણાપત્રમાં આતંકવાદના સફાયાનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો. આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોના નિષ્ણાતો માને છે કે સિક્કિમ સરહદે સર્જાયેલા ડોકલામ વિવાદમાં ચીનની સામે કૂટનીતિક વિજય મેળવ્યા બાદ ભારતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ એક વધુ મહત્ત્વની સફળતા હાંસલ કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ચીનના અડિયલ વલણના કારણે જ ભારતને જૈસ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર જેવા આતંકવાદીઓને યુનાઇટેડ નેશન્સની આતંકવાદી યાદીમાં સામેલ કરવામાં સફળતા સાંપડતી નહોતી. જોકે હવે આ જ ચીને ‘બ્રિક્સ’ ઘોષણાપત્ર જેવા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા, તહરિક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) અને હિઝ્બ-ઉલ-તહરીર (પાકિસ્તાનસ્થિત સંગઠન) ઉપરાંત તાલિબાન, આઇએસ (ઇસ્લામિક સ્ટેટ), અલ કાયદા, પૂર્વી તુર્કિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ઇસ્લામિક આંદોલન અને હક્કાની નેટવર્કને આ ઉપખંડમાં ફેલાયેલા આતંકવાદ માટે જવાબદાર ઠેરવ્યા છે.
‘બ્રિક્સ’માં સફળતા હાંસલ કર્યા બાદ હવે ભારતે આ અભિયાનને આંતરરાષ્ટ્રીય સ્તરે વેગવંતુ બનાવવું પડશે કે જેથી મસૂદ અઝહર અને પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓને પોષનારાઓ પર ગાળિયો વધુ મજબૂત બનાવી શકાય. ‘બ્રિક્સ’ ડેકલેરેશન પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગે ભલે મંજૂરીની મહોર મારી હોય, પરંતુ ચીન ભારતની આ સફળતા જોઇને અંદરખાને તો ધૂંધવાતું જ હશે તેમાં બેમત નથી. આખી દુનિયા જાણે છે કે મસૂદ અઝહરને યુનાઇટેડ નેશન્સમાં આતંકવાદી જાહેર કરાવવાના ભારતના પ્રયાસો આડે તે જ રોડાં નાંખતું રહ્યું છે. જોકે હવે તે આ મુદ્દે વિરોધ નહીં કરી શકે. આતંકવાદ પર અંકુશ આવતાં જ એક તરફ ‘બ્રિક્સ’ દેશોના આર્થિક અને વ્યાપારિક સંબંધ મજબૂત થશે આની સાથોસાથ પ્રદેશમાં શાંતિ પણ સ્થપાશે. ‘બ્રિક્સ’માં સફળતા મેળવ્યા બાદ હવે ભારતે સતત સાબદા રહેવું પડશે - તેણે એક આંખ આતંકી તત્વો પર રાખવી પડશે તો બીજી આંખ વિશ્વાસઘાતી ચીન પર. ચીન અત્યારે ભલે ગમેતેટલું સૌહાર્દ દાખવે પણ લાગ મળ્યે તે ભારતને ભીડવવાનો મોકો ચૂકશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter