વિધાનસભા બેઠકમાં અંદાજપત્ર પ્રસ્તુત કરવું એ એક બંધારણીય પ્રક્રિયા છે. ગુજરાત વિધાનસભામાં નાણાંપ્રધાન નીતિન પટેલ કેવું બજેટ રજૂ કરે છે એ તો સામાન્ય નગરિકને અસર કરનારું હોવા છતાં માત્ર અર્થશાસ્ત્રીઓ અને વેપારી મંડળો પૂરતું મર્યાદિત થઇ જશે એ નક્કી છે. ટીવી અને અખબારોમાં થોડી ચર્ચા થશે. એ શું થશે તેની ભવિષ્યવાણી થઇ શકે તેમ છે. કેમ કે દરેક વખતે અંદાજપત્ર એક વર્ગ માટે પ્રજાલક્ષી રહેશે જયારે બીજો વર્ગ, મોટા ભાગે વિરોધ પક્ષ તેને ગરીબવિરોધી ગણાવશે. કેટલાક તેને આગામી ચૂંટણીને કેન્દ્રમાં રાખીને તૈયાર કર્યું હોવાની વાત કરશે. આ આપણી નિરર્થક પરંપરા છે. ખરેખર તો અંદાજપત્ર અને તેનું વાસ્તવિક અમલીકરણ એ રાજ્યના સહુથી મહત્વના મુદ્દા છે. આગામી ગુજરાતમાં સામાન્ય નાગરિકને તેનાથી કેટલી સુખાકારી અને વિકાસ માટેની શક્તિ પ્રાપ્ત થાય છે, તેની ચર્ચા અને ખુલાસા થવા જોઈએ. લોકશાહી સમાજનો આ તકાજો છે.
એ વાત નોંધવા જેવી છે કે પૂર્વેના અંદાજપત્રોમાં નર્મદા યોજના વિનાની તસ્વીર જોવા મળતી. રાજ્યની બીજી આવક પર વહીવટ કરવો પડતો. દરેક ત્રણ વર્ષે મોટા દુકાળ આવે ત્યારે બાકી યોજનાઓ ખોરવાઈ જતી. કેન્દ્ર તેની પોતાની ગણતરી મુજબ સહાય આપે તે તદ્દન અપૂરતી જ રહેતી. ૧૯૭૪માં ગુજરાતમાં અનાજ અને તેલનો સવાલ હતો. રાજ્યના તે સમયના મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલે કેન્દ્ર પાસે વધુ અનાજનો જથ્થો માંગ્યો, પણ તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરાજીની ઈચ્છા વિરુદ્ધ કોંગ્રેસમાં નેતાપદની ઉમેદવારી કરીને મુખ્ય પ્રધાન બનેલા ચીમનભાઈને બોધપાઠ ભણાવવા અનાજનો પુરવઠો ઓછો અને મોડો મળ્યો એટલે મોંઘવારીવિરોધી આંદોલન શરૂ થઇ ગયું અને ચીમનભાઈએ રાજીનામું આપવું પડ્યું તે વાત ખુદ તેમણે એક પુસ્તિકામાં લખી હતી.
નર્મદા સરદાર સરોવરના પાણી છેક ગામડા સુધી પહોંચે તે માટે છેલ્લા કેટલાંક વર્ષોથી સખ્ત પ્રયત્ન થઇ રહ્યો છે. બીજી તરફ નાના ડેમ, તળાવ, નહેર વગેરેને કારણે હવે દુકાળ અને તેમાંથી પેદા થતી સમસ્યાઓનો ગુજરાતને સામનો કરવો પડતો નથી. ખેડૂતો, ગોપાલકો અને પશુઓની હિજરતોના ઠેર ઠેર દૃશ્યો જોવા મળતા, ઢોરવાડા ઉભા કરાતા.. એ બધો ભૂતકાળ થઇ ગયો. એટલે સામાન્ય સંજોગોમાં ગુજરાત માટે કોઈ મોટી આફત આવતી નથી,
આ બાબતનો પડઘો અંદાજપત્રમાં ના પડે તો જ નવાઈ. સદ્દભાગ્યે ગુજરાતને કુશળ નાણાંપ્રધાનો મળતા રહ્યા છે. સનત મહેતા, જશવંત મહેતા, બાબુભાઈ પટેલ, વજુભાઈ વાળા, બાબુભાઈ શાહ, સૌરભ પટેલ વગેરે નામો હોઠે ચડે. બીજા પણ સમર્થ પ્રધાનો આ વિભાગમાં હતા. એકંદરે ગુજરાત માટે સંતુલિત અંદાજપત્રની નજરે ચડે તેવી પરમ્પરા છે.
એ તો તદ્દન સ્પષ્ટ છે કે ૧૫,૦૦૦થી વધુ ગામડાઓનો બનેલો પ્રદેશ મુખ્યત્વે ખેતી પર આધારિત છે. ખેતપેદાશ વધી છે. હજુ તેના બજારભાવ, નિર્યાત, અને સામાન્ય નાગરિક ઉપભોક્તાને પરવડે તેવા ભાવ એ ત્રણ બાબતો મહત્વની જ રહેશે. તેમાં અસંતુલન આવે એટલે એક યા બીજા વર્ગને ભોગવવાનું આવે છે. જેમ કે, ગુજરાતમાં સિંગતેલ વધુ વપરાય છે એટલે તેના ભાવમાં વધારો થતો રહે છે. ખરેખર તો મગફળી પકવાનારો ખેડૂત અને તેલનો ઉપયોગ કરનારો મધ્યમ અને ગરીબ વર્ગ એ બન્નેને ભાગે મુશ્કેલી આવે અને વચ્ચે ક્યાંક આવક કરી લેનારો વચેટિયો વર્ગ અસરકારક રહે એવું બને છે.
એક સમય એવો હતો કે સૌરાષ્ટ્રના તેલ મિલોના માલિકો ‘તેલિયા રાજા’ કહેવાતા, અને ગુજરાતના સત્તાકીય રાજકારણમાં તેનો મોટો પ્રભાવ રહેતો. આની સીધી અસર તેલના ભાવ પર થતી. તેલ આંદોલનો એ વળી ગુજરાતી પ્રજાના મિજાજનું એક અલગ પ્રકરણ બની ગયા છે.
અત્યારના સંજોગોમાં મોંઘવારી, બેરોજગારી, નિવાસ, અને શિક્ષણ આ મુખ્ય બાબતો છે જેના પર અધિક ધ્યાન આપવું જરૂરી બની જાય છે. અનામત માત્ર અને માત્ર રાજકીય મુદ્દો છે. પાટીદાર અનામત આંદોલન તેનો એક ભાગ છે. ખરેખર તો સમગ્ર પ્રજાને નજરમાં રાખીને કલ્યાણકારી યોજનાઓ થવી જોઈએ, અનામતના ટુકડાઓ તેનો ઉપાય નથી. અને સહુથી મહત્વનું કામ ખરેખરા અમલીકરણનું છે. યોજના ગમેતેવી મોટી હોય, કરોડો રૂપિયા તેમાં ફાળવવામાં આવ્યા હોય તો પણ જો નીચેના સ્તરે તેનો અમલ ના થાય અથવા તો ઢીલાશ, ભ્રષ્ટાચારમાં બદલાઈ જતો હોય તો તે મોટી નિષ્ફળતા છે. રાજ્ય સરકારે સહુથી ઉપર વાસ્તવિક અમલીકરણનું માળખું ગોઠવવું જોઈએ.
...અને યાત્રાઓ
આ યાત્રા શબ્દ હિન્દુસ્તાની રાજકારણમાં તેનો અર્થ ગુમાવી બેઠો છે અથવા તો અર્થ બદલાઈ ગયો છે. ઇતિહાસની નજરે ગાંધીજીની દાંડી યાત્રા અને ચીનમાં માઓ ત્સે તુંન્ગની ‘લોંગ માર્ચ’ જાણીતી બની ગઈ છે, સ્વતંત્રતા પછી વિનોબા ભાવેએ ભૂદાન યાત્રા કાઢી હતી. જલ્દીથી સત્તા અને સત્તા વિરોધમાંથી જે ‘યાત્રા’ઓ શરૂ થઇ તેમાં ચંદ્રશેખરે દેશવ્યાપી રેલ યાત્રા કરી હતી. ઇન્દિરાજીની ‘હાથી’ પરની યાત્રા નાની પણ અસરકારક હતી.
આ પછી તો અયોધ્યા યાત્રા, લોકશાહી બચાવ યાત્રા, કાશ્મીર યાત્રા એવા પ્રયોગો થયા. જોકે સહુથી અસરકારક ડો. શ્યામાપ્રસાદ મુકરજીની કાશ્મીર યાત્રા હતી, તેમાં આપણે વિરોધ પક્ષના સબળ નેતા ગુમાવ્યા. શ્રીનગર જેલમાં તેમનું સંદેહાસ્પદ મૃત્યુ થયું. અડવાણીની સોમનાથ યાત્રા ભાજપને સત્તા સુધી દોરી ગઈ એ વાત જાણીતી છે.
ગુજરાતમાં કેટલીક યાત્રાઓ જાહેર થઇ ગયા પછી સુરસુરિયું થઇ ગયું તેમાં ઉના પ્રકરણમાં નીકળેલી યાત્રા હતી. ગુજરાતનો ‘કનૈયો’ (જે.એન.યુ.ના કનૈયાની જેમ) થવાના અને કેટલાક દ્વારા તેમ બનાવવાના ઈરાદા થયા, પણ જીજ્ઞેશ મેવાણીમાં કોઈ જ પ્રભાવકારી બાબત નહોતી. આજકાલ નલિયા બળાત્કારના મુદ્દે કોંગ્રેસે એક યાત્રા કાઢી છે. ભાજપે આદિવાસી યાત્રા શરૂ કરી છે. ‘આપ’ પક્ષ પણ એવું કૈંક વિચારી રહ્યો છે.
સવાલ એટલો જ છે કે આ યાત્રાઓનો શો પ્રભાવ પેદા થાય છે? લોકોમાં તે મુદ્દે સાચી જાગૃતિ થાય છે કે ખાલી સભાઓમાં પ્રવચનોનો ખડકલો થાય છે? તેની પાછળનો ખરેખરો હેતુ જનજાગૃતિ રહે છે કે કોઈ બીજો? તેમાં કેટલો ખર્ચ થતો હશે તે વળી એક વધુ મુદ્દો છે.
સરવાળે આ યાત્રાઓનો નુસખો હવે પ્રભાવી રહ્યો નથી. લોકો સુધી પહોંચવા માટેના દેખાવો, માનવ-સાંકળો, ધરણા, પ્રતિક ઉપવાસ, દેખાવો, જુલુસ, બંધ, હડતાલ... આ બધા હવે લોકશાહી રાજ્યમાં કેવા અને કેટલાક પ્રસ્તુત છે તેનો ગંભીર વિચાર કરી લેવો જોઈએ. ખુદ ડો. ભીમરાવ આંબેડકરે બંધારણ સભાના અંતિમ પ્રવચનમાં કહ્યું હતું કે હવે હડતાલ, દેખાવ, ધરણા, અસહકાર જેવા ‘અરાજકતાના વ્યાકરણ’ જેવા પ્રયોગો બંધ કરવા જોઇશે.