જે સમાચારો કે અહેવાલો મીડિયામાં ઝાઝું ચમકતા નથી તેનું પણ કેટલીક વાર, અલગ પ્રકારનું મહત્ત્વ હોય છે. આજે એવા કેટલાક બનાવોની વાત કરવી છે.
સંસ્કૃત પ્રેમના વહેણ
શું સંસ્કૃત ભાષા મરી પરવારી છે? માત્ર વિદ્વાનો અને કર્મકાંડીઓ પૂરતી બંધિયાર થઈ ગઈ છે? પહેલી નજરે તો એવું લાગે પણ અંતરંગ જોતાં તેના ઉત્કર્ષની આશાનાં વાદળો બંધાતાં રહ્યાં છે. આ અંક તમારા હાથમાં આવશે ત્યારે અમદાવાદના ગાંધી-ખ્યાત કોચરબ આશ્રમમાં, ૨૬ જુલાઈએ એક આખો દિવસ સંસ્કૃતમાં રચાયેલી ‘વેદની વૈશ્વિક પ્રાર્થનાઓ’ પર ચર્ચા થવાની છે. તેમાંના એક આયોજક પ્રા. શૈલેષ સોલંકીએ આશ્ચર્ય પમાડે તેવી મઝાની વાત કરી. તેમણે કહ્યું કે મારા અભ્યાસલેખ માટે વેદગ્રંથો જોતાં એક જગ્યાએ આઠથી નવ શ્લોક એવા મળ્યા કે જેમાં બેભાન (કોમા) થયેલી વ્યક્તિને, માત્ર શ્લોકથી જાગૃતાવસ્થામાં લાવવાનો પ્રયોગ છે. જે ઋષિવર માટે આ પ્રયોગ કરાયો તે થોડાક જ સમયમાં જાગૃત પણ થયાનો તેમાં ઉલ્લેખ છે.
એ તો સ્વીકૃત સત્ય છે કે આપણા પ્રાચીન સમાજની પાસે વિવિધ પ્રકારનું ઞ્જાન હતું અને અમલમાં મૂકવા માટે તેનો ઉપયોગ થતો. દ્વારિકાના યવનાચાર્યે ગ્રીસ જઈને સમુદ્રશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરતો ગ્રંથ લખ્યો એ તો આજે પણ સમુદ્રયાત્રામાં કામ આવે છે. પછીથી આવા અભ્યાસની સાથે દંતકથાઓને ઉમેરી દેવામાં આવી એટલે આપણો આધુનિક સમાજ તેને હસી કાઢે છે. ખરેખર તો ઇઝરાયલે હિબ્રુ ભાષાને પુનઃઉદ્ધાર દરમિયાન તેમાં સંશોધન પર ભાર મૂક્યો તેવું સંસ્કૃત ભાષામાં થવું જોઈતું હતું.
વેદ-સભાનું આયોજન
કપિલભાઈ ઓઝા વેદ-સભા ઘણા લાંબા સમયથી ચલાવે છે. કોચરબ આશ્રમમાં દર સપ્તાહે તેઓ એકઠા થાય અને ‘વેદ’ની ચર્ચા કરે છે. દૂરદૃષ્ટા સ્વામી દયાનંદ સરસ્વતિએ તો કહ્યું હતું કે વેદ તરફ પાછા વળો. મહારાષ્ટ્રમાં, ગાંધી-હત્યા સમયે પંડિત સાતવલેકરની સમૃદ્ધ સંસ્થાને બાળી મૂકવામાં આવી એટલે સ્થળાંતર કરીને ગુજરાતનાં પારડી ગામે આવીને વસ્યા અને ત્યાં સ્વાધ્યાય આશ્રમ ખોલ્યો. સાતવલેકર ખરા અર્થમાં ‘વેદ મૂર્તિ’ હતા! ૧૯૭૦ની આસપાસ કેટલાકે વેદ સમયે ગૌમાંસ ખવાતું એવી ચર્ચા શરૂ કરી ત્યારે સાતવલેકરજીએ પૂરા સંદર્ભો સાથે તેનું નિવારણ કર્યું હતું. ‘સત્યાગ્રહ’ અખબાર ચલાવતા ગાંધી-જન મગનલાલ દેસાઈને ‘સાધના’માં છપાયેલો તે લેખ વાંચવા મળ્યો તો આખોને આખો તેમનાં સામયિકમાં છાપ્યો અને પોતાની નોંધ પણ લખી.
આજકાલ મુસીબત એ છે કે લેખો લખવાનું સહેલું બની ગયું છે. આટલા બધાં છાપાં, સાપ્તાહિકો અને ચેનલોમાં કંઈક ને કંઈક તો આવતું જ રહે છે. પણ લેખકો કાં તો ગૂગલનો આશરો લે અથવા એકાદ- બે પુસ્તકો વાંચીને લેખ લખી નાખે ત્યારે તેમાં અર્ધસત્યની ભરમાર ચાલે છે. બંને બાજુ કે અનેક બાજુનું ‘સત્ય’ મેળવવાનો લેખકને સમય જ નથી! પરિણામે સામાન્ય વાચકમાં ભ્રમણા પેદા થાય.
રાષ્ટ્રીય પરિસંવાદ
વેદ અને રામાયણ - મહાભારત તેમજ મનુસ્મૃતિ માટે કંઈક આવું જ થયું છે. વિષ્ણુદેવ સાંકળેશ્વર પંડિતનું અધ્યયન ઘણું ઉત્તમ હતું. તેના આધારે જ તેઓ લખતાં. વેદમૂર્તિ પંડિત સાતવલેકર પણ તેવા જ મહાવિદ્વાન હતા. સો વર્ષ જીવ્યા. ટંકારામાં દયાળ મૂનિ રહે છે. મૂળ મોચી-દરજી પરિવારમાં જન્મેલા, કથિત અભ્યાસ ઓછો, પણ તેમણે ચારે વેદનું અવતરણ જે રીતે કર્યું તે આશ્ચર્યકારક છે. હમણાં સાહિત્ય અકાદમીએ સંસ્કૃત સમારંભ યોજ્યો હતો અને વેદ-સર્વઞ્જોને અભિવાદિત કરાયા હતા. તેમાં બોલનાર અને સાંભળનાર બંનેમાં સંસ્કૃતપ્રેમ છલકાતો હતો... સમગ્ર વકતવ્યો સંસ્કૃતમાં જ થયાં!
વેદ પ્રાર્થના ઉપરાંત આ નાનકડા લાગતા દિવસભરના કાર્યક્રમમાં રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન થયું. ગરવી ગુજરાત કોલેજ અને વેદસભાના સંયુક્ત ઉપક્રમે તેમાં વિદ્વાનોનો વિચારવિમર્શ થશે.
દિલ્હીમાં ગુજરાતી ભાષા-પ્રેમ
જેવો સંસ્કૃતનો, તેવો ગુજરાતી ભાષાનો ઉઘાડ પણ થયો છે. ગુજરાતી સાહિત્ય પરિષદે વિવિધ લેખકોને જે દિવસે પારિતોષિકો આપ્યાં તે જ દિવસે દિલ્હીમાં દિલ્હી ગુજરાતી સમાજે કવિવર ઉમાશંકર જોષીને નૃત્ય-સંગીત-વકતવ્યનાં માધ્યમથી યાદ કર્યા. ૨૩ જુલાઈએ વરસતા વરસાદ વચ્ચે ‘ગીત અમે ગોત્યું...’થી માંડીને ‘ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા...’ સુધીનાં ગરવાં ગીતો કન્યા અને કુમારોનાં ઝુમખાંએ નૃત્યમાં ઢાળ્યાં. દિલ્હી ગુજરાતી સમાજના પ્રમુખ કૌશિકભાઈ પંડ્યા, મહામંત્રી નીતિન આચાર્ય, ટ્રસ્ટીઓ અને સાંસ્કૃતિક ગુજરાતી કાર્યક્રમના આયોજક ભાગ્યેન્દ્ર પટેલની ઇચ્છા રહી છે કે દેશના પાટનગરમાં વસેલા ગુજરાતીઓની ભાષા-પ્રીતિ કાયમ રહે તેવા કાર્યક્રમો કરવા. ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉમાશંકર-શ્રીધરાણી-મેઘાણીની કવિ ત્રિપુટી વિશે મેં વ્યાખ્યાન આપ્યું. અને વરસતા વરસાદ છતાં એકત્રિત ગુજરાતીઓએ તે માણ્યું.
... અને નરસિંહ મહેતા
ત્રીજો પ્રસંગ નરસિંહ મહેતાનાં સ્મરણમાં સંશોધન કેન્દ્રને સક્રિય કરવાનો હતો. ૧૯ જુલાઈએ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. મૌયાણી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ કમલેશ જોશીપુરા, ડો. આંબેડકર યુનિવર્સિટીના મહાપાત્ર ડો. અમી ઉપાધ્યાય, રાજકોટનાં પૂર્વ મેયર ભાવના જોશીપુરા અને ગ્રંથનિર્માણ બોર્ડના અધ્યક્ષ ભાવનાબહેન દવેની ઉપસ્થિતિમાં સઘન વિચારણા થઈ. આમ તો આ પ્રકલ્પ ગુજરાત સાહિત્ય અકાદમીના અંતર્ગત છે. એટલે તેમાં કઈ રીતે આગળ વધવું તેની વિચારણા કરવામાં આવી. નરસિંહ મહેતાના ‘વૈષ્ણવ જન...’ કાવ્યને તો હવે આંતરરાષ્ટ્રીય નાગરિકતાની પીછાણ મળી છે, પણ આપણું દુર્ભાગ્ય તો જુઓ કે ભારતની આટલી બધી ભાષામાં તેનો સુચારૂ અનુવાદ પ્રાપ્ત નથી. ગાંધીજનોની સંસ્થાઓએ ગાંધીજીનાં આ પ્રિય ભજનોનો અનુવાદ-વિસ્તાર કરવો જોઈએ.
એક વધુ સાહિત્યિક ઘટના એટલે ગુજરાતી સાહિત્ય પરિષદે ઉત્તમ પુસ્તકોને (અને તેના લેખકોને) પારિતોષિક તેમજ સન્માન આપ્યાં તે ગણાય. ગુજરાતી પુસ્તકોનું સાર્વત્રિક ધ્યાન ખેંચાય તે માટે આવા પ્રયાસો થતાં રહેવા જોઈએ.