અમદાવાદઃ અસ્મિતાનું સિંહાસન

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 15th October 2019 08:34 EDT
 
 

આશાપલ્લી, કર્ણાવતી અને અમદાવાદ.

આ નામાન્તરની સાથે જ જોડાયેલી છે, ગુજરાતની રાજધાનીની ધૂપ-છાંવ. શ્રુતિગ્રંથો કહે છે કે પ્રાચીન યુગમાં દૂધેશ્વરની નજીક દધ્યાચલ આશ્રમ હતો, ને ઋષિવર દધિચી ત્યાં શિષ્યોને શિક્ષણ આપતા, તપસ્યા કરતા. વૃત્રાસુરના ત્રાસથી પ્રજાને મુક્ત કરવાનો ઇલાજ અહીં દધિચીના દેહાલયમાં પડ્યો હતો. ઇન્દ્રે પૂછયું કે તેમાંથી વ્રજાસ્ત્ર બનાવીએ તો વૃત્રાસુરને હણી શકાય.

દધિચીએ પોતાનું વિસર્જન કરીને જનતા-જનાર્દનને રાક્ષસના મોંમાથી બચાવી લીધી. તેમનાં અસ્થિ કેવાં હશે, જેનું અમોઘ શસ્ત્ર બન્યું હોય?

અર્વાચીન યુગમાં આ સાબરમતીના કિનારે એક બીજો આશ્રમ સ્થપાયો તે સાબરમતી આશ્રમ. અહીં પણ દૂબળાપાતળાં હાડકાં-પાંસળાવાળો એક કાઠિયાવાડી વણિક સક્રિય રહેતો, તે ગાંધીજી.

દધિચીથી ગાંધી સુધીની, અને પછી સ્વતંત્ર ભારતની તવારિખનો ખોળો ધરીને બેઠું છે સલામ શહેર અહમદાબાદ!

સાબરમતીના કિનારે ઉત્ખનન દરમિયાન પાંચ લાખ વર્ષ પહેલાની પ્રાગ્-ઇતિહાસ સંસ્કૃતિ અને આદિ પાષાણ યુગનો મનુષ્ય વિહરતો. જંગલનાં ફૂલો, વૃક્ષના પર્ણનાં વસ્ત્ર અને ટૂંકા પાનનાં હથિયારથી તે સજ્જ હતો. અંતિમ અશ્મયુગ શરૂ થયો અને મનુષ્ય-સંસ્કૃતિનાં પદચિહન દેખાતાં થયાં.

વૈદિક યુગમાં આ સરિતાના કિનારે આશ્રમ હતા, ઉપાસના હતી, વિદ્યાશિક્ષા હતી. રાજવીઓને માટે વંદના-તીર્થ હતું આ સ્થાન.

સમયાંતરે સભ્યતાનાં વસ્ત્રો બદલાતાં રહ્યાં. આધુનિક યુગનો પ્રારંભ ગણીએ તો ‘પ્રબન્ધ ચિંતામણિ’એ નોંધ્યું છે કે અહીં આશાપલ્લી અથવા આશાવલ નગર હતું. ભીલ રાજા આશાનું શાસન હતું. પંદરમી સદી સુધીની આ કહાણી. પછી ‘આસા’ કે ‘આસોરાજ’ને પરાજિત કરવા રાજવી કર્ણદેવે કૂચ કરી. કર્ણદેવે (૧૦૬૪થી ૧૦૯૪) ત્રીસ વર્ષ સુધી ગુર્જર ધરા પર શાસન કર્યું હતું. પુત્ર જન્મ બાદ તેણે આશાપલ્લીને હરાવ્યું અને ‘આશાપલ્લી’ બન્યું ‘કર્ણાવતી’. કર્ણસાગર (હાલનું કાંકરિયા), કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર, માતા જયંતિદેવીની સ્થાપના, કોછરબા દેવીનો મહાપ્રાસાદઃ આ સ્થાનો અને તેનું શિલ્પ કર્ણદેવનાં શાસન દરમિયાન નિર્માણ પામ્યાં. કર્ણદેવે પ્રજાકીય અભિલાષાઓની પૂર્તિ કરતી રાજધૂરાને વહન કરી હતી.

પછી સ્થાપના થઈ અહમદાબાદની.

સુલતાન અહમદશાહે એપ્રિલ ૧૭, ૧૪૧૨ના (વિક્રમ સંવત ૧૪૬૮, વૈશાખ સુદ સાતમ, રવિવારે) ભદ્રના કિલ્લાનો વાસ્તુપ્રવેશ કરાવ્યો ત્યારે ‘દાર નેકદિલ અહેમદો’ હાજર હતા. એક સુલતાન અહમદ, બીજા શેખ મહમ્મદ ખટ્ટુ, ત્રીજા કાજી અહમદ અને ચોથો મલેક અહેમદ. નિઝામુદ્દીન ચિશ્તિ ઓલિયાના શિષ્ય ‘બાર બાબા’ પણ આ ઘટનાના સાક્ષી રહ્યા. માણેકચોકમાં સ્થિત માણેકબાબાએ ગોદડીનું સીવણ જાળવ્યું ન હોત તો આ ગઢના કાંગરા કડડડભૂસ થયા હોત, એવી લોકકથા છે અને ‘માણેકચોક’ની સાંકડી ગલીઓમાં તે વાત સંભળાશે.

કર્ણદેવે બાંધેલું કર્ણસાગર તળાવનું સુલતાન કુતબુદ્દીને નામ બદલાવીને ‘હૌજ-એ-કુતુબ’ રાખ્યું. જહાંગીર દિલ્હીથી તેમાં સહેલ કરવા આવ્યો હતો. જોકે દિલ્હી સુલતાનો માટે ‘અહમદાબાદ’ ‘ગર્દાબાદ’ હતું, પણ ફૌજની સફર રમણીય હશે. સોળમી સદીના ઉત્તરાર્ધમાં ઝુઝારખાં ‘શહીદ’ના નામે સીદી સઇદની જાળી સાગરના મધ્યે બનાવવામાં આવી. એક પ્રકારે તે મસ્જિદ પણ છે, રોજ નમાઝ પઢવામાં આવે છે. બેનમૂન શિલ્પ સહુને આકર્ષે તેવું છે. ‘શહીદ’નું સમયાંતરે ‘સઇદ’ બની ગયું છે.

સરખેજનો રોજો સુલતાનકાલીન ત્રીજી ધરોહર છે. અમદાવાદ-સ્થાપકોમાંનો એક શેખ અહમદ ખટ્ટુ ગંજ અહીં શ્રીક્ષેત્ર (જે હવે સરખેજ બની ગયું!)માં રહેતો. જન્નતનશીન થયો ૧૩ જાન્યુઆરી, ૧૪૪૬. સરખેજ રોજાનો માહૌલ બંદગીનો છે, તેમાં ખટ્ટુ સૂતા છે. ત્રણેનું શિલ્પાંકન ખ્યાત છે.

અમદાવાદ વૈશ્વિક બજારનું કેન્દ્ર હતું, ભલે અહીં સમુદ્ર ન હોય. કપાસ અને રેશમ અહીંથી દેશે વિદેશે જતાં. કેટલા બધા વિશ્વ પ્રવાસીઓ અહીં આવ્યાને મુગ્ધ થયાઃ ફિરિશ્તા, વિલિયમ ફિન્સ, નિકોલસ વોશિંગ્ટન, વિન્સ્ટંટ સ્મિથ, એલફિન્સ્ટન, મેન્ડલ સોલ...) બધાએ નગરને વખાણ્યું.

૧૮૫૭ ને અમદાવાદ? હા. ખંખોળીએ તો તેનો અંદાજ મળે. કેન્ટોનમેન્ટ (છાવણી)માં વિપ્લવી સૈનિકોને અહીં ફાંસી આપવામાં આવી હતી. અહીંથી ઘોઘા બંદરગાહે લઈ જઈને ત્યાં ફાંસીનો નિર્ણય કરાયો હતો. પણ વિપ્લવી વરસાદ એટલો ધોધમાર, કે ફરી પાછા લાવવામાં આવ્યા. નજીકના તાજપુરમાં યે છમકલાં થયાં. કંપનીએ ફાંસી - ગોળી - તોપનો પૂરતો ઉપયોગ કરીને વિપ્લવને રહેંસી નાખવાનું કામ કર્યું.

આ સ્વાતંત્ર્ય એષણા નષ્ટ થઈ નહીં. ૧૩ નવેમ્બર, ૧૯૦૯ના મધ્યાહને આસ્ટોડિયાના રસ્તે, મહિપતરામ રુપરામ આશ્રમની સામે એક નાનું શું સ્મારક છે. ભારત પધારેલા લોર્ડ મિન્ટોની શાહી સવારી પર વિપ્લવીઓએ બોંબ ફેક્યો. કોણ હતા આ સ્વાતંત્ર્યવીરો? નામો મળે છે કેટલાંક. સીતારામ મહારાજ, મોહનલાલ પંડ્યા, નારાયણ સાવરકર (વીર સાવરકરના ભાઈ), પૂંજાલાલ વકીલ, લલિત મોહન ઘોષ.

અમદાવાદની પુરુષાર્થ કથા અનેક રસ્તા પર રચાઈ છે. ભારતનું ‘માન્ચેસ્ટર’ બનાવવામાં અહીંની મિલોએ મોટો ભાગ ભજવ્યો. ૧૮૬૧માં પહેલી મિલ સ્થપાઈ તેના પુરુષાર્થ હતા રણછોડલાલ છોટાલાલ – પછીથી રેટિંયાવાળાના નામે ઓળખાયા. આ ગૃહસ્થે હતાશ થયા વિના મિલ-સંયંત્રો લાવવામાં શક્તિ લગાવી. લંડનમાં પારસી-ગુજરાતી દાદાભાઈ નવરોજીએ મદદ કરી. એક વાર તો સઘળી યંત્ર સામગ્રી ખંભાત આવતાં દરિયાઈ તોફાનમાં ડૂબી ગઈ. તેમણે હિંમત હાર્યા વિના ફરી વાર પ્રયત્ન કર્યો અને ૧૮૬૧નાં વર્ષમાં પ્રથમ મિલનાં ભૂંગળાં વાગ્યાં, શહેરની સિકલ બદલાવી નાખી. કાપડનું ઉત્પાદન ધમધમવા માંડ્યું પછી અનેક મિલો ઊભી થઈ.

અમદાવાદમાં બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી. આ તો દીર્ઘ સ્વાતંત્ર્યધામ બનાવતી ગાથા છે. સાબરમતી આશ્રમ સ્થાપ્યો તે પહેલાં કોચરબ આશ્રમમાં રહ્યા. આશ્રમ અને ઇતિહાસ એકબીજામાં ભળી ગયા એ દિવસોમાં વલ્લભભાઈ ઝવેરભાઇ પટેલ અમદાવાદમાં વકીલાત કરતા. ગાંધીજીને મળ્યા અને તેમનું જીવન બદલાઈ ગયું કોર્પોરેશનમાં મેયર બન્યા, પાણીનાં પૂરથી પ્લેગ સુધીની આપત્તિઓ સામે ‘સ્થાનિક સેવા’ને આકાર આપ્યો. ગાંધી ૧૯૩૦માં દાંડીયાત્રા કરવાના હતા, તે પહેલાં યાત્રા-માર્ગને અંદાજવા નીકળેલા વલ્લભભાઈને પકડી લેવાયા અને સાબરમતી જેલના કેદી બન્યા. આ જ જેલમાં એક સમયે લોકમાન્ય ટિળક પણ રાજ કેદી હતા! વલ્લભભાઈ કર્મવીર હતા પણ જેલમાં તે શબ્દ-વીર પણ બન્યા, અર્થાત્ પોતાની ડાયરી લખી.

અમદાવાદે જેમ દાંડીકૂચનો ઐતિહાસિક અધ્યાય રચ્યો. ‘કાગડા કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં આવું’ એવા ટંકાર સાથે નીકળ્યા, સાબરમતી આશ્રમનું તેમણે તો વિધિવત્ વિસર્જન પણ કરી નાખ્યું હતું, પણ જનાંદોલનની ચેતનાના બીજ વાવીને ગયા. મજદૂરોની હડતાળ, મજૂર મહાજનની સ્થાપના, રાષ્ટ્રીય શિક્ષણ માટે ગુજરાત વિદ્યાપીઠની શરૂઆત, ‘નવજીવન’ મુદ્રાણાલય અને પ્રકાશન... આ તે સમયનાં રાષ્ટ્રીય પરિણામ છે.

૧૯૫૬માં પહેલું મહાગુજરાત આંદોલન થયું. દેશ પાસે ‘નેહરુ ચાચા’ હતા, શાસનવિરોધી લાગણીએ ગુજરાતમાં એક બીજા ‘ચાચા’ - ઇન્દુચાચા - ઊભા કર્યા, અનેકો ગોળીબારમાં મર્યા અને મે ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તેની મુખ્ય રણભૂમિ - રચનાભૂમિ અમદાવાદ રહી.

અમદાવાદની સાથે રાષ્ટ્રીય મહાપુરુષોનો પ્રિય સંબંધ રહ્યો. સ્વામી વિવેકાનંદની ગુજરાત યાત્રાનો પ્રારંભ અમદાવાદથી. કવિવર રવીન્દ્રનાથની ‘ક્ષુધિત પાષાણ’ રચનાનું સર્જન અમદાવાદમાં (હાલ જ્યાં સરદાર સ્મારક છે તે, શાહીબાગના રાજભવનમાં), સ્વામી સહજાનંદે અહીં પ્રબોધન કર્યું. ભગિની નિવેદિતા અમદાવાદ-વડોદરા આવેલા. સાવરકરની હિન્દુ મહાસભાનું અધિવેશન અહીં યોજાયું. સુભાષચંદ્ર બોઝ, શ્યામજી કૃષ્ણવર્મા અને ડો. આંબેડકરે અહીં વ્યાખ્યાન આપ્યાં હતાં.

સમાજ સેવા, શિક્ષણ અને સાહિત્ય અમદાવાદનાં લોહીમાં પડ્યા છે. કન્યા કેળવણીના આદ્ય હરકુંવર શેઠાણી, પ્રથમ મ્યુનિસિપલ સભ્ય અને સાહિત્યસેવી વિદ્યાગૌરી નિલકંઠ, પ્રથમ વાર્તાકથનકાર શ્યામલ ભટ્ટ, ચિંતક કવિ અખો, કવિશ્વર દલપતરામ અને તેમના પુત્ર નાનાલાલ, આચાર્ય આનંદશંકર ધ્રુવ (કાશી હિન્દુ વિશ્વ વિદ્યાલયના કુલપતિ અને હિન્દુ ધર્મ – નિષ્ણાત) બળવંતરાય ક. ઠાકોર, ઉમાશંકર જોશી, સુંદરમ્, પન્નાલાલ પટેલ, ધૂમકેતુ, કેશવરામ કા. શાસ્ત્રી, જયંતિ દલાલ, રવિશંકર મહારાજ, અમૃતલાલ હરગોવનદાસ, અંબાલાલ સારાભાઈ, ખ્યાત વિજ્ઞાની વિક્રમ સારાભાઈ, મૃણાલિની સારાભાઈ, રવિશંકર રાવળ, અનસુયા સારાભાઈ (મજુર-મહાજન) અમૃતલાલ હરગોવનદાસ (શ્રેષ્ઠી).... આમાંના ઘણા ખરા આ ભૂમિ પર જન્મથી વિદાય સુધી રહ્યા, કેટલાક બહારથી આવીને ‘શ્રેષ્ઠ અમદાવાદી’ બની ગયા.

અહીંના શિલ્પ સ્થાપત્યોમાં ઐતિહાસિક સાંસ્કૃતિક સ્થાનોમાં ભદ્રનો કિલ્લો, ભદ્રકાળી મંદિર, ત્રણ દરવાજા, જુમ્મા મસ્જિદ, રાણી રુપમતિની મસ્જિદ, માતર ભવાનીની વાવ, અડાલજની વાવ, ઝૂલતા મીનારા, પાર્શ્વનાથ ચિંતામણિનું મંદિર, હઠીસિંહના દહેરાં, સ્વામીનારાયણ મંદિર (કાળુપુર અને ઘીકાંટા), ગુજરાત કોલેજ, અટીરા, આઇઆઇએમ, એનઆઇડી, ઓવરબ્રિજ, રિવરફ્રન્ટ.

આમ તો અનામતની તરફેણ અને વિરોધ, નવનિર્માણ, વગેરે આંદોલનો થતાં રહ્યાં છે, પણ ૧૯૭૫-૭૬ની કટોકટી અને સેન્સરશિપની સામેનો સંઘર્ષ નિર્ણાયક રહ્યો (તેનું અલગ પ્રકરણ છે) અને તેમાંથી જ કેટલાક મુખ્ય પ્રધાન (બાબુભાઈ જ. પટેલ, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ, સુરેશ મહેતા) મળ્યા, અને રાષ્ટ્રીયસ્તરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઝળહળ્યા.

ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યનું તો આ ઉદ્યાન છે. ૧૯૫૬ની મહાગુજરાત ચળવળને - કોઈ પણ ભોગે - ટેકો આપવા નીકળનાર ‘જનસત્તા’-તંત્રી રમણલાલ શેઠ અહીંથી અખબાર પ્રકાશિત કરે, રાણપુર-સ્કૂલનું, મેઘાણીરંગ્યું ‘પ્રભાત’ પણ અહીંનું, ‘ગતિ અને રેખા’ જેવાં સાંસ્કૃતિક સામયિકને જયંતિ દલાલ પાળેપોષે, પ્રા. પુ.ગ. માવળંકરનું ‘અભ્યાસ’ શાંતિથી ચાલે, ઉમાશંકરનાં ‘સંસ્કૃતિ’ની યે આ જ પ્રકાશનભૂમિ, ઉત્તરાર્ધમાં ચાંપશી વિ. ઉદેશી કોલકતાથી ‘નવચેતન’ને અહીં લાવે, વાસુદેવ મહેતા-નીરુભાઈ દેસાઈનાં પત્રકારત્વનું પારણું અહીં બંધાય, કટોકટી ખિલાફ નાનકડું સાપ્તાહિક ‘સાધના’ અહીંથી ઝઝુમતું રહે, મગનલાલ દેસાઈનું ‘સત્યાગ્રહ’ ચાલતું રહે... આ પત્રકારત્વના વીરલ ઉદાહરણો છે, વ્યાવસાયિક પત્રકારત્વની વળી મોટી છાવણી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં દેખાતી રહી છે.


comments powered by Disqus