પ્રવાસનનું પ્રથમ કામ સહેલાણીઓ આવી જગ્યાએ જાય તે માની લેવામાં આવ્યું છે, પણ તેનો મુખ્ય હેતુ તો સમાજ, દેશ, ધર્મ, સંસ્કૃતિને ઉજાગર કરતાં જાણીતાં સ્થાનોના વિકાસનો તો છે જ, સાથે અજાણ ઈતિહાસને સાચવીને બેઠેલાં નગર, ઉપનગર, ગામડાં સુધી પ્રવાસનને સ્થાપિત કરવાનો છે.
એ તો સ્વાભાવિક છે કે લોથલ, ધોળાવીરા, સોમનાથ, દ્વારિકા, પાવાગઢ અને વડનગરમાં લોકો જાય અને તેની પ્રાચીનતમ સંસ્કૃતિનો અંદાજ મેળવે, પણ આધુનિક રાષ્ટ્રીય સંગ્રામનાં એવાં અનેક સ્થાનો છે જેનું ઇતિહાસબોધ સાથે સંધાન છે. લોકો પ્રવાસ કરે, મોજમજા માણે, સગવડો ભોગવે, વધુ આવક થાય એ જ પ્રવાસનનો હેતુ ના હોય, તેણે પ્રજામાં પડેલી દેશ-ચેતનાને જગાડવાની છે, અને તેમાં આવાં ઐતિહાસિક સ્થાનો નિમિત્ત બને છે.
ઉદાહરણ તરીકે હમણાં એવાં અહેવાલો આવ્યા છે કે પ્રાચીનતમ ગિરનાર પર રોપ-વે પ્રોજેક્ટ પૂરો થઇ ગયો છે, ને ૨૪ ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તેનું લોકાર્પણ થાય તેવી સંભાવના છે. બીજા સમાચાર જૂનાગઢથી નજીક આવેલાં માણાવદરના છે. ત્યાં ખારો નદીના કિનારે ‘રિવરફ્રન્ટ’ બનવાનો છે. શક્ય છે કે ત્યાંના ધારાસભ્ય પ્રવાસન ખાતાના પ્રધાન હોવાથી આ લાભ મળ્યો હોય. બંને આયોજનો આવકારવાં જેવાં છે, પણ તેણે જો સ્વાતંત્ર્ય ઈતિહાસની સાથે કોઈ રીતે જોડી દઈ શકાય તો વધુ સાર્થક બને. બંને સ્થાનોનું એવું મહત્ત્વ પણ છે.
જૂનાગઢ અને માણાવદરનાં નવાબોએ પાકિસ્તાનની સાથે વિલય જાહેર કરવાથી પ્રજાની પોતાની આરઝી હકુમત રચાઈ હતી. મુંબઈના સૌરાષ્ટ્રવાસીઓએ મહત્ત્વનો ભાગ લીધો, શામળદાસ ગાંધી સરસેનાપતિ થયા, અમૃતલાલ શેઠ અને કનૈયાલાલ મુનશીએ પ્રેરણા આપી. સૌરાષ્ટ્રના બાબરિયાવાડ સહિતનાં નાનાં-મોટાં રજવાડાંઓ સાબદા થયાં. મયારામદાસ અને પુરુષોત્તમ લાલ મહારાજ જેવાં ધાર્મિક નેતાઓ પણ આગળ આવ્યા. ૨૫ સપ્ટેમ્બર ૧૯૪૭ મુંબઈમાં, બરાબર રંગુનમાં સ્થાપિત નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ સેનાનો આદર્શ રાખીને, આ સંગઠન રચાયું. પંદરમી ઓગસ્ટે ના ફરકાવાઈ શકેલો રાષ્ટ્રધ્વજ છેક ૯ નવેમ્બર, ૧૯૪૭માં જૂનાગઢના ઉપરકોટ અને માણાવદરના કમાલ બાગના નવાબી મહેલ પર ફરક્યો.
આરઝી હકુમતના તે સમયના સેનાનીઓ તો હવે આપણી વચ્ચે રહ્યા પણ નથી, પરંતુ રતુભાઈ અદાણી, દુર્લભજી ખેતાણી, ભવાનીશંકર ઓઝા, સુરગભાઇ વરુ, મણિલાલ સુંદરજી દોશી, નરેન્દ્ર પ્રાગજી નથવાણી, પુષ્પાબહેન મહેતા, સનત મહેતા, હરિસિંહજી ગોહિલ, જશવંત મહેતા, વાઘણિયા દરબાર, શિવાનંદ મહારાજ, કનુભાઈ લહેરી, ડો. શિવલાલ, ડો. શંકરલાલ, બ્રિગેડિયર ગુરુદયાળસિંહ, ન્યાલચંદ શેઠ, મણિલાલ દોશી, બલવંતરાય મહેતા, ગુણવંતરાય પુરોહિત, બાલમસિંહ બુટાલા, મોતીગર મહંત, માલદેવજી રાણા, અમરુભા દરબાર, ચંદ્રસિંહ ભાડવા દરબાર, ગીગાભાઈ મેર... બીજાં ઘણાં આમાં ઉમેરાઈ શકે.
એક લાખ લોકોની આ બંને નવાબી રાજ્યોમાંથી હિજરત થઇ હતી, રાજકોટનું હાલનું સર્કિટ હાઉસ ‘જૂનાગઢના ઉતારા’ તરીકે જાણીતું નવાબી સ્થાન હતું. આરઝી હકુમતે પ્રથમ તે કબજે કર્યું અને બીજી તરફ કુતિયાણા, બાબરિયાવાડ, અમરાપુર, દેવગામ, નાના વાઘણીયા, રામગઢ, નવાગઢ, જેતપુર, મૈયારી, ભડુલા, સરાડિયા, ભેંસાણ વગેરે સક્રિય વિસ્ફોટક સ્થાન બન્યા. છેવટે બંને નવાબો કુટુંબ (અને પ્રિય શ્વાન સમૂહ) સાથે પાકિસ્તાન ચાલ્યા ગયાં.
૧૩ નવેમ્બરે સરદાર વલ્લભભાઈ જૂનાગઢ આવ્યા, મુક્તિસભા બહાઉદ્દીન કોલેજના પ્રાંગણમાં થઇ અને ત્યાંથી સીધા જર્જરિત ખંડેર બનેલા સોમનાથ દેવાલયનાં દર્શને વેરાવળ પહોંચ્યા. સોમનાથનો ઐતિહાસિક જીર્ણોદ્ધાર થયો. તે પછી ૨૦ ફેબ્રુઆરીએ લોકમત પણ લેવાયો. ૨,૦૦,૫૬૯ નાગરિકોમાંથી ૧,૯૦,૮૭૦ લોકોએ આ રાજ્ય ભારત સાથે જોડાય તેવો મતદાન દ્વારા અભિપ્રાય આપ્યો. ૯૧ મતદારોએ પાકિસ્તાન સાથે વિલયની તરફેણ કરી. (આ ૯૧ આજે ક્યાં હશે?) ૧૫ ફેબ્રુઆરીએ માણાવદર, સરદારગઢ, માંગરોળ, બાબરિયાવાડના મતદારોએ ભાગ લીધો. ત્યાં ૩૧,૪૩૪ મતદારો ભારત સાથેના અને ૧૩૯ મતદારોએ પાકિસ્તાન સાથેનાં વિલયની તરફેણ કરી.
આ મુદ્દો હજુ પણ પાકિસ્તાનને માટે કાયમી રહ્યો છે. છાશવારે ટપાલ ટિકિટ અને નકશા બહાર પડે તેમાં વિવાદાસ્પદ પ્રદેશ તરીકે કાશ્મીરની સાથે જૂનાગઢ માણાવદરને પણ દર્શાવે છે. તાજેતરમાં ઈમરાન ખાને ગુજરાતના ત્રણ સ્થાનો-સિરક્રિક (કચ્છ) અને જૂનાગઢ માણાવદર (સૌરાષ્ટ્ર)ને પાકિસ્તાનનાં ગણાવ્યાં છે.
કેટલાંક વર્ષ પૂર્વે કરાચીમાં આ વિસ્તારોના કેટલાક મૂળ વતનીઓની સભા મળી હતી, ત્યાં જનાબ હબીબ લાખાણી રચિત ઉર્દૂ પુસ્તક ‘ઈલ્હાકે જૂનાગઢ’નું લોકાર્પણ થયું ત્યારે નિવૃત્ત એડમિરલ એમ. આઈ. અર્શદે કહ્યું કે જનાબ મહાબતખાને પાકિસ્તાન સાથે જોડાણનો યથાયોગ્ય નિર્ણય લીધો હતો. તેના કાનૂની દસ્તાવેજો પણ મોજૂદ છે! મેમણ કોમે હિજરત કરી હતી અને પાકિસ્તાનના અર્થકારણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
અબ્દુલ સત્તાર ફાઝ્લાનીનો અભિપ્રાય અને ફરિયાદ એવાં હતાં કે જૂનાગઢ નવાબ મહાબતખાનના ઇન્તેકાલ પછી પાકિસ્તાની પ્રમુખ મોહમ્મદ અયુબખાને દિલાવર ખાનની નવાબ તરીકે દસ્તારબંદી કરી હતી. તેના પછીના વારસ જહાંગીરખાનની દસ્તારબંદી પાકિસ્તાનમાં વસેલા જૂનાગઢવાસીઓએ તો કરી પણ સરકારે નથી કરી, તે થવી જોઈએ.
ધારાશાસ્ત્રી ઈસ્માઈલ પઢિયારે આ બેઠકમાં કહ્યું કે જૂનાગઢને પાકિસ્તાનમાં જોડવા માટેના દસ્તાવેજ પર પાકિસ્તાનના ગવર્નર જનરલ મોહમ્મદ અલી ઝીણાએ ૧૫ સપ્ટેમ્બરે સહી કરી હતી એટલે તે એક ઐતિહાસિક દિવસ છે. જનાબ લાખાણીના મૂળ પુસ્તકનો ઉર્દુ તરજુમો તેમના પુત્રી શહેનાઝ લાખાણીએ કર્યો છે તે પાકિસ્તાની પાઠ્યપુસ્તકોમાં સામેલ કરવો જોઈએ. સિંધ પાકિસ્તાનના પૂર્વ પ્રધાન એસ. કે. મુજાહિદ ખાને ઉમેર્યું કે જૂનાગઢ તો પાકિસ્તાનનો પાંચમો પ્રાંત છે! પુસ્તકના લેખક હબીબ લાખાણી તો ગુજરાતીમાં આ પુસ્તક લખવાના હતા પણ ઉર્દૂનો આગ્રહ થયો.
જનાબ ઝીણા વિશે સરકારે એક પુસ્તક પ્રકાશિત કર્યું, જેનું નામ ‘કાયદે આઝમ - એ ક્રોનોલોજી’ છે પણ તેમાં ઝીણા સાહેબનો જૂનાગઢ અને બીજે જે સંપર્ક હતો તેના વિશે એક વાક્ય પણ લખાયું નથી એમ કહીને આ લેખકે ઉમેર્યું કેઃ ‘ઈતિહાસ અત્યંત નિર્દય, ક્રૂર અને જાલીમ છે. પોતાને ભૂલી જનારને તે માફ કરતો નથી.
ગુજરાતના પ્રવાસન વિભાગે પણ જૂનાગઢ અને માણાવદરમાં મોટા ખર્ચે પ્રવાસન મથક વિક્સિત કર્યું તેની સાથે જનારા સહેલાણીઓ આ સ્વાતંત્ર્ય ઈતિહાસને પણ જાણે તેવું આધુનિક મ્યુઝિયમ, દસ્તાવેજી ફિલ્મો, મુક્તિ દિવસે સાંસ્કૃતિક પણ ઈતિહાસ સાથે જોડાયેલા કાર્યક્રમ, આરઝી હકુમતનું સ્થાયી સ્મારક વગેરે પણ ઉમેરવા જોઈએ, તો ખરા અર્થમાં ઈતિહાસબોધ સાર્થક થાય.