ગુજરાત-પુત્ર શૈલેષ વારાને તેનું પ્રિય વતન રાણાવાવ હજુ એવું જ મનોજગતમાં છે. પોરબંદરથી નજીકના રાણાવાવથી વારા-પરિવાર દેશાવર ગયો, અને આજે લંડનમાં સ્થિર થયો છે. શૈલેષ વારાએ બ્રિટિશ સાર્વજનિક જીવનમાં એક પછી એક શિખરોને સર કર્યાં એ તેમનામાં રહેલી સિદ્ધિ અને સાહસની કહાણી છે. ઇંગ્લેન્ડમાં એમ. પી. બનવું અને કાયદા વિભાગના મિનિસ્ટર સુધી પહોંચવું સહેલું નથી. હા, હવે બ્રિટિશ રાજ્યતંત્ર ગુજરાતીઓની શક્તિને પીછાણતું થયું છે.
‘લોર્ડ’ અને એવી બીજી પદવીઓમાં ગુજરાતી મહાનુભાવો અને કેટલીક મહિલાઓને પણ સામેલ કરવામાં આવે છે. લોર્ડ ભીખુ પારેખ, લોર્ડ મેઘનાદ દેસાઈ, લોર્ડ નવનીત ધોળકિયા ગુજરાતી મહાનુભાવો છે. કરણ બિલિમોરિયાને ય પારસી-ગુજરાતી ગણવા જોઈએ. કીથ વાઝ ભલે મૂળ ગોવાનીઝ, પણ ગુજરાતી વસતીમાં ભળી ગયેલા રાજકારણી છે. ૨૦૦૯માં, લંડનમાં એનસીજીઓની પરિષદ યોજાઈ ત્યારે તેમનો પરિચય થયો હતો. ગુજરાતીઓના સુખદુઃખને વાચા આપતું ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ તેમ જ તેના અડીખમ તંત્રી માલિક સી. બી. પટેલ સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો કાયમ માટે ‘પડ જાગતું રાખે’ છે.
પરંપરા ભવ્ય રહી છે
આ ઇંગ્લન્ડમાં જ ભારે પુરુષાર્થ કરીને આપણા દાદાભાઈ નવરોજી વીસમી સદીના પ્રારંભે પહેલવે’લા ભારતીય ગુજરાતી એમ. પી. બન્યા હતા. સકલાતવાલા તે પછી આવ્યા. ૧૯૦૫માં લંડનમાં જ ‘ઇન્ડિયા હાઉસ’ અને ‘ઇન્ડિયન સોશ્યોલોજિસ્ટ’ એક ક્રાંતિ નિવાસ અને બીજું ક્રાંતિપત્ર - બન્નેએ ભારતીય સ્વાતંત્ર્યજંગનો શાનદાર અધ્યાય રચ્યો ત્યારે જ ‘ગુજરાતી માણસ એટલે કોણ’ તેની બ્રિટિશ માલિકોને જાણ થઈ હતી.
‘ઇન્ડિયા હાઉસ’ની સાથે ૧૦૦ જેટલા ગરવા ગુજરાતીઓ પણ સંકળાયેલા હતા. તેમાંના થોડાકનાં જ નામો લઈએ તો નટવરલાલ પ્રાણશંકર આચાર્ય પાટણના નિવાસી હતા. સિંધી ગુજરાતી મુસ્લિમ એમ. એસ. અન્સારી ખેરપુર મીરમાં જન્મ્યા હતા. ભીકાઇજી રુસ્તમ કામા એટલે ‘ક્રાંતિ માતા’ ગણાયેલાં પારસી-ગુજરાતી મેડમ કામા. કંથારિયામાં જન્મેલા બેરિસ્ટર સરદારસિંહ રવાભાઈ રાણા. નીતિશ દ્વારિકાદાસ મુંબઈના કચ્છી ભાટિયા ગૃહસ્થ, પંડિત શ્યામજી કૃષ્ણવર્મા (માંડવી કચ્છ)ના તે સાળા થાય. મંચેરજી બરજોરજી ગોદરેજ? હા, આજે જે ગોદરેજ ઉદ્યોગ પ્રખ્યાત છે તેના પરિવારના સભ્ય, મુંબઈના વિકાસમાં યે તેમનો ફાળો હતો. ગોવિંદ ઝવેરભાઈ અમીનનું વતન ગામ બોરસદ તાલુકાનું વીરસદ. એક બીજા ‘માસ્ટર’ એટલે મંચેરશા સોરાબજી માસ્ટર, મુંબઈના પારસી-ગુજરાતી. ગુજરાતી ખોજા-મુસ્લિમ મિયાં મોહમ્મદ શફી. દાદાભાઈ નવરોજીની પૌત્રી - ડોક્ટર અરદેશર નવરોજીનું લાડકું સંતાન - જન્મેલી માંડવી, કચ્છમાં, નામ કેપ્ટન પેરીન. તેની બે બહેનો નરગીસ અને ગોશી. ખેડાના જેઠાલાલ મોતીલાલ પરિખ. એક વધુ પારસી-ગુજરાતી જહાંગીર બરજોરજી પટેલ. અમદાવાદમાં શાપુરજી દોરાબજી સકલાતવાલા. સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામના અમુલખ મોહનલાલ શાહ.
ભૂલે બિસરે લોગ
આપણી નવી પેઢી (અને કદાચ આપણે પણ) પૂછશે કે આ બધા કોણ? વીસમી સદીમાં પ્રારંભે ઇંગ્લેન્ડમાં આવેલા આ બધામાં કોઈ વકીલ હતા, કોઈ વેપારી. કોઈ નોકરી કરતા, કોઈ અધ્યાપક હતા. પણ તમામે એકઠા થઈને ભારતની આઝાદી માટેનો જંગ શરૂ કર્યો હતો. કેટલાક ખુવાર થયા, કેટલાકને સ્થળાંતર કરવું પડ્યું, કેટલાક અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યા. ‘ઇન્ડિયા હાઉસ’ને ધમધમતું રાખ્યું. પહેલી ‘હોમરુલ લીગ’ સ્થાપી, ૧૮૫૭ની અર્ધશતાબ્દીની ઉજવણી કરી. આમાંનો એક કર્ઝન વાયલીનો વધ કરીને ફાંસીના માચડે ચડ્યો. અહીં જ વીર સાવરકર પકડાયા અને બે જનમટીપની સજા થઈ. અહીંથી પ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજની પરિકલ્પના સાકાર થઈ અને મેડમ કામાએ સ્ટુટગાર્ટની સમાજવાદી પરિષદમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. અહીં જ હીંડમેન જેવા ઉદારવાદીઓ સ્વતંત્રતા આંદોલનમાં સમર્થક બન્યા. અહીં જ લેનિન - ડીવેલેરા - શ્યામજી - સાવરકરની મુલાકાત થઈ. આ જમીન પર જ બેરિસ્ટર ગાંધી અને બેરિસ્ટર સાવરકર એક મંચ પર આવીને વિજયાદસમી ઉત્સવ કર્યો હતો!
‘જે શ્રી કૃષ્ણા!’
અમદાવાદની તાજ ગેટ-વે હોટેલમાં અમદાવાદના પ્રબુદ્ધોની વચ્ચે શૈલેષ વારાએ ગુજરાતી ભાષામાં, સૌપ્રથમ હાથ જોડીને ‘સૌને જે શ્રી કૃષ્ણા...’ કહીને પ્રવચન શરૂ કર્યું તો એ મઝાનો માહોલ હતો. સીધી સાદી સરળ ભાષામાં તેમણે ઇંગ્લન્ડ - ભારત - ગુજરાતના સંબંધોની વાત કરી. મેગ્નાકાર્ટા કરારના ૮૦૦મા વર્ષની ઉજવણી માટે આમંત્રણ આપ્યું. ચહેરા પર સરળ હાસ્ય સાથે સૌને મળ્યા. વિશ્વ ગુજરાતી સમાજનો ‘ગુજરાત ગૌરવ’ એવોર્ડ આભારપૂર્વક સ્વીકાર્યો. મનુભાઈ માધવાણીનું સ્મરણ કર્યું. નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા તેની ખુશી વ્યક્ત કરી. ભોજન દરમિયાનની ગપસપમાં મેં સી. બી. પટેલ અને ‘ગુજરાત સમાચાર’નો ઉલ્લેખ કર્યો તો તેમની આંખો ચમકી ઊઠી. મને કહે કે તમારો લેખ વાંચવા હું આતુરતાથી રાહ જોઈશ. મારી બા મને બધું સરસ રીતે સમજાવશે! મેં કહ્યું કે જેમ તમે ‘જે શ્રી કૃષ્ણા...’ કહો છો, અમારા સી. બી. ‘ઓમ નમઃ શિવાય’ બોલે છે!
વિશ્વ ગુજરાતી સમાજ માટે તો તેની રજત જયંતી વર્ષનો કાર્યક્રમ બની રહ્યો. બ્રિટિશ હાઇ-કમિશનરે યોજ્યો હતો અને તેમાં ‘ગુજરાત ટાઇમ્સ’ના બ્યૂરો ચીફ દિગંત સોમપુરા તેમ જ બ્રિટિશ હાઇકમિશનરની ઓફિસના મિલિંદ ગોડબોલે કડીરૂપ હતા. સમાજના પ્રમુખ કૃષ્ણકાંત વખારિયા સહિત સૌ હોદ્દેદારો હાજર હતા, ઉપરાંત નામાંકિત વકીલો, ન્યાયમૂર્તિઓ, શિક્ષણકારો પણ.
લંડનમાં શ્યામજીની પ્રતિમા મુકાશે
આ જ દિવસોમાં ગાંધીનગરમાં રાજ્ય સરકારના પ્રધાન તારાચંદ છેડા અને વાસણભાઈ આહિર અચાનક મળી ગયા. સ્થળ હતું વિધાનસભા અધ્યક્ષનું કાર્યાલય. નિમિત્ત, અધ્યક્ષ વજુભાઈ વાળાનું કર્ણાટકના રાજ્યપાલ પદે નિયુક્ત થવું! વજુભાઈ રાજકોટની લોધાવાડ પોલીસ ચોકી સામેના ઓટલે રાતે ડાયરો જમાવતા. જનસંઘ - કાર્યકરોની ત્યાં મહેફિલ જામે. પછી તો તેઓ નાગરિક બેન્કના પ્રમુખ, ધારાસભ્ય, મંત્રી, પ્રદેશ ભાજપના પ્રમુખ... એમ શિખરે ચઢતા રહ્યા, પણ તેમની રમુજી શૈલી એવી ને એવી રહી!
તારાચંદભાઈએ ખબર આપી કે તેમના ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેઓ પંડિત શ્યામજી કૃષ્ણવર્માના ‘ઇન્ડિયા હાઉસ’ના દર્શને પણ ગયા હતા. ત્યાં રહેનારાઓને મળ્યા. તારાચંદભાઈના જણાવ્યા પ્રમાણે આસપાસની જમીન ખરીદીને ત્યાં પંડિતજીની પ્રતિમા સ્થાપિત થઈ શકે તેવું નક્કી થયું છે. મારો ઇતિહાસ-જીવ તેનાથી આનંદિત એટલા માટે થાય છે કે ઇંગ્લેન્ડમાં લાંબા સમય સુધી નિવાસ કરીને આ કચ્છી પંડિતે ભારતીય સ્વાતંત્ર્ય જંગના પાયા નાખ્યા હતા. તેમનું નિવાસસ્થાન પછીથી ખાનગી હાથોમાં ગયું તે ખરીદીને બ્રિટિશ ગુજરાતીઓએ ભવ્ય સ્મારક બનાવ્યું હોત તો મોટું કામ થયું હોત. એ તો ન થયું, પણ આ ‘ઇન્ડિયા હાઉસ’માં પંડિત શ્યામજીની પ્રતિમા સ્થાપિત થશે તો ઇંગ્લેન્ડના તેમ જ ભારત - ગુજરાતથી લંડન આવનારા ભારત ભક્તોનું તે તીર્થ બની જશે. મેં સાંભળ્યું કે હમણાં સરદાર વલ્લભભાઈની લંડન-સ્મૃતિ નિમિત્તે અહીં ગુજરાતથી કેટલાક મહાનુભાવોને લંડન બોલાવાયા હતા. તેમણે સરદાર વિશે મૂલ્યવાન કામ કર્યું હતું તેમ પણ કહેવામાં આવ્યું હતું. આ સજ્જનો શ્યામજીની જગ્યાએ ગયા હતા કે કેમ તે જાણવાની મારી ઇંતેજારી છે.
લંડન, ગાંધીજી અને ઇન્દુલાલ
‘લંડનમાં ગાંધી’ એ વળી એક વધુ દાસ્તાન છે. ગોળમેજી પરિષદને લીધે તેમની સાથે અમૃતલાલ શેઠ, ‘હિન્દુસ્તાન’ પત્રોના ડાબેરી વિચારક તંત્રી રણછોડલાલ, ઇન્દુલાલ યાજ્ઞિક વગેરે પણ લંડનનિવાસી બન્યા હતા. સકલાતવાલા યે ત્યાં હતા. તેમણે તો ઇન્દુલાલને ખખડાવ્યા હતા કે શ્યામજી કૃષ્ણવર્માનું જીવન શા માટે લખો છો? ઇન્દુલાલે આકરો જવાબ આપ્યો કે ‘એ મોટા ગજાના દેશભક્ત હતા ને હું લખીશ.’ ૧૯૩૫માં લંડનમાં બેસીને ઇન્દુલાલ યાજ્ઞિકે એ જીવનચરિત્ર લખ્યું હતું. શ્યામજીની જીવની પોતે જ એક મોટી કહાણી છે. ૧૯૩૫માં લખાયેલું એ ચરિત્ર છેક ૧૯૫૦માં અંગ્રેજીમાં છપાયું. સુભાષબાબુના મોટા ભાઈ શરતચંદ્ર બોઝે તેની પ્રસ્તાવના લખી હતી.
૧૯૬૭માં અમદાવાદની ઇટાલિયન બેકરી, ભદ્ર સામેની ઓરડીમાં રહેતા અલગારી ઇન્દુચાચાને હું મળ્યો અને આ જીવન વિશે ચર્ચા કરી તો આંખમાં ચમક લાવીને તેમણે કહ્યું હતુંઃ તે હિ નો દિવસા ગતાઃ! ચાચા અને સંસ્કૃત? હા. તેમનો ભાષાવૈભવ અદ્ભુત હતો. ૧૯૫૦ પછીની જે સામગ્રી મળે તે એકત્રિત કરીને નવું જીવન ચરિત્ર લખાવું જોઈએ એમ તેમણે કહ્યું અને ઇચ્છા વ્યક્ત કરી કે પંડિતનું મકાન માંડવીમાં જીર્ણ હાલતમાં છે, તેનું સ્મારક થવું જોઈએ. ૨૦૦૨માં બીજા ગુજરાતી નેતા નરેન્દ્ર મોદીએ ત્યાં ભવ્ય તીર્થ બનાવ્યું અને હમણાં ૨૦૧૪માં પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું બૃહદ્ સંપૂર્ણ જીવનચરિત્ર લખવામાં હું નિમિત્ત બન્યો તેને નસીબ ગણું છું. આ જીવનચરિત્ર મુંબઈમાં શ્યામજીપ્રેમી મંગલ ભાનુશાળીના પ્રયાસોથી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે લોકાર્પિત થયું તે વળી સોનામાં સુગંધ ભળી!
તારાચંદ છેડા, ઇંગ્લેન્ડના ગુજરાતીઓની સહાયથી શ્યામજી-પ્રતિમા સ્થાપિત કરી શકે તો બ્રિટિશ પાર્લામેન્ટ સામે ગાંધી પ્રતિમા મુકાવાની છે તેવી જ ઐતિહાસિક સ્મૃતિ-ઘટના સાબિત થશે.