મોસમ જ આષાઢ-શ્રાવણની છે, તો સાચુકલા કવિઓને યાદ કરીશું? નિમિત્તો પણ છે. ત્રણ કવિઓના ઉત્સવોમાં જવાનું બન્યું. ત્રણે પોતપોતાની રીતે આગવા અને અલગારી, છતાં સાંપ્રતની સાથે રહેનારા ગુજરાતી કવિઓ. તેમના સ્મૃતિ ઉત્સવોના આયોજકોનો કોઈ સ્વાર્થી ઈરાદો પણ નહીં. વાહ વાહની ભીતર રાગદ્વેષ અને ધિક્કાર વ્યક્ત કરવાની લાલસા નહીં. ખરા અર્થમાં ઉત્સવ. ના અતિરેક, ના પૂર્વગ્રહ, ના પક્ષપાત.
ઉમાશંકરની જયંતીએ સુજ્ઞ અધ્યાપકો અને કવિઓને બોલાવીને ઉમાશંકરનું મૂલ્યાંકન કરવાનું સ્થાન તેમના જન્મસ્થળ બામણા નજીક ઇડરના રસ્તે હતું. આયોજક ગૌરાંગ સ્વામી ફક્કડ સાધુ જીવ છે. અભ્યાસી છે. અખબાર અને હિન્દી પત્રિકા પ્રકાશિત કરે છે. ૨૧મી જુલાઈએ તેમણે આસપાસના નગર ગ્રામજનોને એકઠા કર્યા. કેટલાંક પુસ્તકોનું લોકાર્પણ થયું અને અભ્યાસી અધ્યાપકો ઉમાશંકર જોશીની કવિતા, વાર્તા, નિબંધો વિષે સરસ બોલ્યા.
મને સિત્તેર અને એંશીના દશકમાં આપણી વચ્ચે વિહરતા કવિનું સ્મરણ થયું. અંગત અને સાર્વજનિક વ્યક્તિત્વની વાત આરંભી, તે ક્યાં પૂરી થાય એવી હતી? કુલપતિપદની લડાઈ તેમણે જીતી લીધી, અને સાથે ભાષા ભવનમાં અમારો અનુસ્નાતકનો વર્ગ લેવા પણ આવતા. ગાંધીજીની આત્મકથા ભણાવતા. પછીથી આજોલમાં સાહિત્ય પરિષદના જ્ઞાન સત્રમાં સાર્ત્ર અને ગાંધીના સંદર્ભે એક વિદ્યાર્થી શ્રોતા તરીકે મેં થોડીક વાત કરી ત્યારે તેઓ મંચ પર હતા. કાકાસાહેબના નીરસ પ્રવચન પછીનું સત્ર. ભોજનવિરામ સમયે અચાનક મળી જવાનું થયું, ઝીણી નજરે તેમણે માત્ર જોયું. અને યશવંત શુક્લ (મારા મહાનિબંધ માટેના ગાઈડ. જે મેં કદી કામ પૂરું ના કર્યું, ને તેમણે કદી પૂછ્યું પણ નહીં!) મારા વિશે કવિવરને કઈ કહે તે પહેલાં - પાણી પહેલાંની પાળ બાંધવા - મેં જ કહી દીધું: સાહેબ, તમે મને ગાંધી ભણાવતા. કવિને તક મળી ગઈ. કહે, ‘મેં આવા ગાંધી તને ભણાવ્યા હતા?’ ‘તમે એવું જરૂર કહેતા કે ગાંધીને અનેક રીતે જોવા જોઈએ. એટલે મેં મારી રીતે... ’ ત્યાં કોઈ આયોજક આવી ગયો અને કવિવરના પ્રકોપથી આપણે બચી ગયા!
પણ પછીના કટોકટીના અંધારમય વર્ષોમાં લંડનના કવિ-નવલકથાકાર બર્નાર્ડ કોપ્સની જયપ્રકાશ નારાયણ વિશેની કવિતા ભારતમાં ફરતી ફરતી ભૂગર્ભ પત્રિકામાં આવી, તેનો અનુવાદ કરીને ઉમાશંકરભાઈના નિવાસે ગયો તો જાતે ચા બનાવીને પીવડાવી અને અનુવાદ જોયો, તેમાં સુધારાવધારા કર્યા. આ કાવ્ય છપાયું ત્યારે તેના પર ભારતીય દંડસંહિતાની સાતેક કલમ લગાવીને પોલીસે કેસ કર્યો હતો.
પરદાનશીન સંસદમાં વિપક્ષી નેતાઓ ક્યાંથી હોય? બધા ‘મિસા’ હેઠળ જેલમાં અને સંસદની કાર્યવાહી છાપવાની મનાઈ. તેમાં બચી ગયેલા બે ગુજરાતી સાંસદો - ઉમાશંકર અને માવલંકરના યાદગાર પ્રવચન થયાં. લીન્ચિંગ મામલે અજંપો અનુભવનારા અપર્ણા સેન કે રામચન્દ્ર ગુહાએ એક વાર આ પ્રવચનો સાંભળવા જોઈએ, જેથી અંદાજ આવે કે બંધિયાર પરિસ્થિતિ કેવી હતી ને કોણ તે સમયે ખામોશ હતું?
લોકભારતીમાં વળી પાછું પરિષદનું અધિવેશન કે જ્ઞાનસત્ર યોજાયું ત્યાં જેલસ્મૃતિ કથા ‘મીસાવાસ્યમ્’ને કાલેલકર પારિતોષિક અપાયું તે ઉમાશંકરભાઈના હસ્તે લેવાનો રોમાંચ હજુ યથાવત્ છે. ત્યાં સમાપન વ્યાખ્યાન આપ્યું તે એક ઉત્તમ, સંવેદન અને વાસ્તવનો ઉત્તમ દસ્તાવેજ હતું. વાજપેયીજી અને ઉમાશંકરજી સાથે અમદાવાદમાં સંયુક્ત મોરચાની મથામણ નિમિત્તે એક કાર્યકર્તાને ત્યાં ભોજન લેવાનું રસપ્રદ સ્મરણ છે. ઇડર પાસે તેમનું સ્મરણ અરવલ્લી પ્રતિષ્ઠાને કરાવ્યું.
એ પછી થોડાક દિવસોમાં અમદાવાદમાં મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ અને ‘ગાફિલ’ એમ બેવડા તખલ્લુસ સાથે કવિતા રચનારા મનુભાઈ ન્યાયાધીશ હતા! પણ તેમનો ન્યાયપથ તો છેક મરમી અધ્યાત્મ તરફનો રહ્યો. અકાદમીએ તેના ચાર ગ્રંથો પ્રકાશિત કર્યા છે.
માણાવદરમાં જન્મેલા આ કવિની જોડાજોડ એક નામ બોલાય તે મકરંદ દવેનું. બન્નેની બાવનની પેલે પાર પહોંચતી બાની અને સાંપ્રતનો અનુબંધ... આ વિશે હજુ ખાસ કઈ લખાયું નથી અને બન્ને કવિઓનું બૃહદ જીવનચરિત્ર પણ નથી તે સમૃદ્ધ સાહિત્યની રંક સ્થિતિ દર્શાવે છે.
જૂનાગઢમાં રૂપાયતન સંસ્થાના પરિસરમાં ગિરનારની નિશ્રા અને વરસતા રીમઝીમ વરસાદ વચ્ચે એક આખો દિવસ મકરંદ દવેના સર્જન અને તેની ભીતરની દુનિયાની અલગ અલગ અભ્યાસી વક્તાઓએ માંડીને વાત કરી હતી. ઉદ્દઘાટનમાં વળી પાછા, મકરંદભાઈ સાથેના અંગત અનુભવોની વાત એટલા માટે કરી કે તેમાં સાંપ્રત સાથેના તેમના અનુંબંધને ઉજાગર કરવાની ઈચ્છા હતી. મુંબઈ, નંદીગ્રામ, આપાતકાલ, પત્રકારત્વ, સ્વામી આનંદ, ‘સરોદ’ અને જૂનાગઢ... એમ એકબીજામાં ભળી ગયા.
કાર્યક્રમના વિરામ સમયે કોલેજની એક છાત્રાએ આવીને કહ્યું, ‘સાહેબ, અમારા લાઠીમાં કવિ કલાપી વિશે આવી સરસ ગોષ્ઠી આયોજિત કરોને?’ આ ઈચ્છા-વિધાન પરથી એટલી ખુશી થઇ કે સાહિત્ય સંસ્થા જો ગુજરાતી ભાષા અને સાહિત્યનો માહોલ ઉભો કરવાનો મનોરથ રાખે તો તેનું પરિણામ આવે જ છે.
સાહિત્યનો સંબંધ માત્ર અભ્યાસક્રમ, અને પરિસંવાદ પૂરતો નથી. અધ્યાપકની સજ્જતા જેટલી અગત્યતા સમાજની પણ છે. હજુ થોડાંક જ વર્ષ પૂર્વેના સાહિત્યકારો વિષે કોઈક સુનિયોજિત પ્રસંગ ઉભો થાય તો ઘણા નાગરિકો તેમાં જોડાય છે. એ ઠીક છે કે મીડિયા સાહિત્યને વધુ ગંભીરતાથી લેતું નથી, તેના ઘણા કારણો પણ છે. પરંતુ આજે પણ ધૂમકેતુ, કનૈયાલાલ મુનશી, ગુણવંતરાય આચાર્ય, સુન્દરમ્, રાજેન્દ્ર શાહ, ઉમાશંકર, ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ, કવિ કાન્ત, કલાપી વંચાતા નથી એવું કોઈ કહી શકે નહીં.
તેમાં ઉમેરો કરી શકાય તેવા ઇન્દુલાલ યાજ્ઞિક, પ્રહલાદ પારેખ, કૃષ્ણલાલ શ્રીધરાણી, હરિશ્ચન્દ્ર ભટ્ટ, કવિ દુલા ભાયા કાગ, મકરંદ દવે, મનુભાઈ પંચોલી ‘દર્શક’, સુરેશ જોશી, મણિલાલ દ્વિવેદી પણ છે.
અન્ય વિદ્વાનોનો એક નિશ્ચિત વાચક વર્ગ છે. તેમની સ્મૃતિ સદૈવ એટલા માટે રાખવી જોઈએ કે તેઓ સાંપ્રત ગુજરાતને સંસ્કારસહજ બનાવવામાં મદદ કરે તેમ છે. સાહિત્ય અને તેના વિવેચનના પચાસ વાદ હશે એટલે વિવાદ પણ હોવાના. પરંતુ તે એક સીમિત સ્થિતિ તૈયાર કરે છે. ગંગા સતી, તોરલ રાણી, નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, પ્રેમાનંદ કે મેઘાણીને તેવા સાહિત્યિકવાદ અને વાડામાં સામાન્યજન નિહાળવાના કે મૂલ્યાંકન કરવાના નથી. તેમના હૃદય સુધી પહોંચવાનો રસ્તો યુનિવર્સિટીઓ થઈને જતો નથી.