કાશ્મીરના ઉરી વિસ્તારમાં આતંકવાદી હુમલાને કારણે સૈનિકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તેનો પડઘો ગુજરાતમાં ના પડે તો જ નવાઈ. કારણ સ્પષ્ટ છે. ગુજરાતનો દરિયાકિનારો અને રણ વિસ્તાર - બન્ને પાકિસ્તાનથી જોડાયેલા છે. સરહદી પ્રદેશ તરીકે ગુજરાતે બે વાર પાકિસ્તાની આક્રમણનો સામનો કર્યો છે. ટ્રિબ્યુનલના ચુકાદામાં પોતાનો જ લીલોછમ ભાગ છાડબેટ ખોયું છે. બે સત્યાગ્રહો - એક કચ્છમાં ખાવડા સરહદે અને બીજો બનાસકાંઠાના સુઈગામથી - કર્યા છે. એક મુખ્ય પ્રધાન બલવન્તરાય મહેતા, તેમના પત્ની સરોજબહેન., પત્રકાર કે. પી. શાહ અને પાયલોટના જીવ ગુમાવ્યા છે... એટલે ગુજરાતને પાકિસ્તાન શું છે તેની બરાબર ખબર છે. કચ્છમાં યુદ્ધમોરચે હુતાત્મા સૈનિકોની ખાંભી પણ છે.
કચ્છ, બનાસકાંઠા, જામનગર દરિયાકિનારો.. આટલા વિસ્તારો પાકિસ્તાનના દેખીતા હુમલા અને ઘુસણખોરી માટે અનુકુળ છે. પાકિસ્તાને યુદ્ધ દરમિયાન દ્વારિકા, અને કચ્છ સુધી બોમ્બ વરસાવ્યા હતા. દાણચોરી, નશીલી દવાઓ અને હથિયારોની અહીં હેરાફેરી થાય છે. મુંબઈ વિસ્ફોટના ગુનેગારો આ સમુદ્રકિનારેથી પહોંચ્યા હતા. આ હકીકતો તાજા ભૂતકાળની છે. વળી, બનાસકાંઠાનું રણ સિંધના થરપારકર સુધીનું જોડાણ ધરાવે છે. નજીકમાં જ રાજસ્થાનનું મોટું રણ આવે છે. બદીન એ સૈનીકી પાકિસ્તાની મથક સિંધમાં છે. જો સુબ્રમણ્યમ્ સ્વામીની વાત માનીએ તો ઈઝરાઈલના સુરક્ષા પ્રધાન મોશે દયાને તેમને કહ્યું હતું કે જામનગર અમને યુદ્ધ છાવણી માટે સોંપવામાં આવે તો પાકિસ્તાનના અણુમથકને અમે પળવારમાં નષ્ટ કરી નાખી શકીએ.
આમ પાકિસ્તાન અને સિંધ તેમ જ કચ્છ અને શેષ સૌરાષ્ટ્ર સુધી એક સૈનિકી ભૂગોળ છે. જૂનાગઢના નવાબે તેના દિવાન શાહનવાઝ ખાન ભુટ્ટોના માધ્યમથી પોતાના રાજ્યનું જોડાણ પાકિસ્તાન સાથે કર્યું હતું તેની પાછળ આ રણનીતિ હતી. આજે પણ કરાચીના હિજરતી મુસલમાનો જૂનાગઢને પાકિસ્તાનનો પાંચમો પ્રાંત જાહેર કરવામાં આવે તેવી માંગણી કરતા આવ્યા છે. પાકિસ્તાનની ટપાલ ટિકિટોમાં ભારતના વિવાદાસ્પદ પ્રદેશોમાં કાશ્મીર ઉપરાંત જૂનાગઢ અને માણાવદર દર્શાવાય છે.
એટલે જો પાકિસ્તાને આતંકવાદી ઉત્પાત કરવો હોય તો ગુજરાતની સરહદોનો ઉપયોગ કરી શકે છે. તેમની લશ્કરે તોયબાના છેડા દક્ષિણ ગુજરાતના ભરૂચ સહિતના ઘણા સ્થાનો સુધી પહોંચ્યા છે. કેટલીક મદ્રેસાઓ અને ‘સિમી’નો સંબંધ ગુપ્તચરોની નજરમાં આવ્યો છે. આવા અલગાવને રાજકીય રંગ આપવા માટે ‘દલિત-મુસલમાન ભાઈ ભાઈ’નો નારો શરૂ થયો છે અને કથિત માનવાધિકારવાદીઓ જીજ્ઞેશ મેવાણીમાં મહાન યુવા ક્રાન્તિકારના દર્શન કરી રહ્યા છે. આવા અર્ધદગ્ધ લેખકોએ ગુજરાતના અધિક વિભાજનનો રસ્તો લીધો છે તેનાથી સામાન્ય પ્રજાએ સાવધાન થઇ જવા જેવું છે.
કચ્છ અને બીજા સરહદી વિસ્તારોનો સઘન અભ્યાસ કરવાની તક આ લેખકને ૧૯૮૫માં મળી હતી. વિમલાતાઈ દ્વારા પ્રેરિત ગુજરાત બીરાદરીએ તેની શરૂઆતમાં જ કચ્છ સહિતની ગુજરાતની સરહદોના અભ્યાસ માટે એક સમિતિ બનાવી તેના પ્રમુખ પૂર્વ મુખ્ય પ્રધાન બાબુભાઈ પટેલ અને હું સંયોજક હતો. એ સમયે છેક અંતરિયાળ રણના ગામડા દરિયાઈ સીમાઓ સીર ક્રિક, અને થારપારકરના રણ વિસ્તારો સુધીનું ભ્રમણ થયું હતું. સીર ક્રીકનો વિવાદ ત્યારનો છે. મહારાજ કુમાર હિમ્મતસિંહજીએ મને તેમના નિવાસસ્થાને મુલાકાતમાં દસ્તાવેજો સાથે જણાવ્યું હતું કે સીર ક્રિક વિવાદનો મુદ્દો છે જ નહીં. તે આપણું જ છે, પણ આજના સંજોગોમાં કાશ્મીરની જેમ પાકિસ્તાન સીર ક્રિકનો સવાલ ઉઠાવે તે શક્ય છે.