ચર્ચા હજુ નરેન્દ્ર મોદી - આનંદીબહેનનાં બે વર્ષના શાસનની જ ચાલે છે. બેશક, તેમાં મોટો તફાવત છે. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪માં વડા પ્રધાનપદ સંભાળ્યું હતું એટલે દેશના મહા-પ્રશ્નોના ઉકેલનો બોજ તેમના ખભા પર હતો, અને છે. આમાં ગરીબી, મોંઘવારી, શિક્ષણ, વિદેશ નીતિ અને સરહદી સમસ્યાઓ વિશે બે વર્ષમાં શું થયું અને શું થઈ શકશે તેની ચર્ચા કેન્દ્રમાં રહે તે સ્વાભાવિક છે. હજુ આ સરકારનાં ત્રણ વર્ષ બાકી છે અને સરકારે બદલાવની વિગતોથી ખીચોખીચ ‘વિકાસ-ઉત્સવ’ની ઊજવણી યે શરૂ કરી દીધી. કોંગ્રેસ તેનાથી રાતીચોળ છે. ‘દેશ ભડકે બળે છે અને સરકાર ઉત્સવો ઊજવે છે!’ આ દિગ્વિજય સિંહનો સૌથી આકરો પ્રત્યાઘાત છે. સામે પક્ષે દલીલ એવી છે કે ખોયા-પાયાનો હિસાબ પ્રજા સુધી પહોંચવો તો જોઈએ જ ને.
બિચારા માહિતી ખાતાઓ અને દરેક વિભાગના પ્રચાર એકમો આમાં અધૂરાં નીવડે ત્યારે પક્ષે નવેસરથી પોતાની રીતે લોકો સુધી માહિતી પહોંચાડવા ઊજવણી કરવાની આવે છે. નવી દિલ્હીમાં તેની શરૂઆત થઈ એ પહેલાં ઉત્તર પ્રદેશમાં એક મોટી સભા વડા પ્રધાને સંબોધી હતી. નવી દિલ્હીમાં ઊજવણી થઈ ૨૮મી મે એ, ત્યારે દૂર સુદુર આંદામાનમાં વીર સાવરકરનું સ્મારક ખુલ્લું મુકાયું. આ જગ્યાએ અગાઉની સરકારે તેનાં પ્રધાન મણિશંકર અય્યરની સૂચનાથી સાવરકરની પટ્ટિકા જ કાઢી નખાવી હતી! રાહુલ ગાંધીએ તો સંસદમાં ‘તમારા સાવરકર અને અમારા ગાંધીજી’ એવું વિકૃત વિભાજન કરી આપ્યું હતું. ખરેખર તો ભારતના સ્વાતંત્ર્યજંગમાં ગાંધીજીનો સત્યાગ્રહ અને ક્રાંતિકારોનો સ-શસ્ત્ર સંગ્રામ એ બન્નેએ એકબીજાનાં પૂરક બનીને મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો એની સમજ રાહુલની ભાષણ નોંધ તૈયાર કરી આપનારાઓને ય નહીં હોય!
રાષ્ટ્રીય સ્તરે ઊજવણીમાં અસમનું રાજ્યારોહણ મોટો ભાગ ભજવી ગયું. બીજી તરફ, આ દિવસોમાં જ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા ત્યારે વિપક્ષો હાજર હતા. લાલુ પ્રસાદે તો તેમની લાક્ષણિક શૈલીમાં ‘દીદી’ને ભેરવવાનો પ્રયાસ કર્યો કે આપ હવે વડા પ્રધાન પદના ઉમેદવાર બનો! દીદી ભૂતકાળમાં મુલાયમ સિંહની આવી જ ઇચ્છાનું શું થયું હતું તે જાણે છે એટલે ફટાક કરતો જવાબ આપી દીધોઃ ‘આપ લોગ હી બનિયે ના!’
આ ‘આપ લોગ’માં નીતિશ કુમાર, લાલુ પ્રસાદ, અરવિંદ કેજરીવાલ, બીજુ પટનાયક વગેરે આવી જાય છે અને દરેકને પાકી ખાતરી છે કે ત્રીજો મોરચો બનાવવો એ લોઢાના ચણા ચાવવા જેવી વાસ્તવિકતા છે. કોંગ્રેસ-ડાબેરી પશ્ચિમ બંગાળમાં સાથે રહ્યા, કેરળમાં સામસામે રહ્યા એટલે કોંગ્રેસનું શિરછત્ર વિપક્ષોને એક કરી શકે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. આવા સંજોગોમાં પ્રાદેશિક પક્ષો એકબીજાની સાથે રહીને સંયુક્ત લડાઈ આપે તો રાજકીય પરિસ્થિતિમાં નવો આશાવાદ જાગે. પણ ભાજપને સમાન રીતે વિરોધી ગણનારી કોંગ્રેસ, ડાબેરીઓ અને પ્રાદેશિક પક્ષો બીજી કોઈ રીતે એક મંચ પરની સમાનતા દાખવી શકે તેમ નથી.
દિલ્હીની જેમ ગુજરાતમાં પણ બે વર્ષની ઉજવણી ચાલી રહી છે. મુખ્ય પ્રધાન આનંદીબહેન ‘જાય છે... જાય છે...’ની અફવા જોરદાર ચાલી હતી. હવે એ ડમરી શમી ગઈ છે અને મુખ્ય પ્રધાનપદના દાવેદાર મનાતા પુરુષોતમ રુપાલાને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે. શક્ય છે કે તેઓ કેન્દ્રમાં પ્રધાનપદું પણ મેળવે. કમનસીબે રાજ્યસભા હજુ નાત - જાત - કોમ - સંપ્રદાયના સમીકરણોથી બહાર આવતી નથી એટલા પૂરતું આંબેડકરનું બંધારણીય ગુણવત્તા ધરાવતાં ગૃહોનું સપનું અધૂરું ગણાય. તેમાં કોઈ ફેરફારની શક્યતા નથી. પક્ષને પોતાને જરૂરી લાગતા નેતાઓને સમાવી લેવા પૂરતો ઉપયોગ રાજ્યસભાનો થઈ શકે છે.
એ સમાચારથી ગુજરાતને ય ખુશી થશે કે દિલ્હીમાં નેહરુ-ગાંધી યુગમાં તદ્દન ઉપેક્ષિત રાખવામાં આવેલા સરદાર વલ્લભભાઈની ભવ્ય સ્મૃતિના પ્રયાસો શરૂ થઈ ગયા છે. સરદાર જીવની પર આધારિત - બરાબર ગાંધીનગરનાં મહાત્મા મંદિરમાં સરસ રીતે પ્રસ્તુતિ થઈ તેવી ડિજિટલાઇઝડ પ્રસ્તુતિ સાથેનું મ્યુઝિયમ નવી દિલ્હીમાં સાકાર થઈ રહ્યું છે. જાણીતા નાટ્યકર્મી અતુલ તિવારી એ નિમિત્તે હમણાં અમદાવાદ આવી ગયા. કેવડિયા કોલોની પાસે ભવ્ય સરદાર - સ્મૃતિના નિર્ધારનો આ એક ભાગ છે તે જાણીને ખુશી થઈ. ચાલો, આ લોખંડી મહાપુરુષે ભારતને એક અને અખંડ બનાવવા માટે કરેલા યાદગાર પુરુષાર્થની કહાણી લોકો સુધી પહોંચશે. સમગ્ર આયોજનનું માર્ગદર્શન પૂર્વ રાજદૂત જી. પાર્થસારથી કરી રહ્યા છે.
પારાયણ માટે ઉચિત સ્થાન ગુજરાત
‘પારાયણ’ શબ્દ ખરેખર તો આધ્યાત્મિક પ્રવૃત્તિની સાથે જોડાયેલો છે. સત્સંગ માટે કોઈ એક ગ્રંથ અથવા તેનો એકાદ અંશ રજૂ કરવાના પ્રસંગને ‘પારાયણ’ કહેવાય. ગુજરાત તેને માટે ઉચિત સ્થાન બની રહ્યું તેનું કારણ વિવિધ ધાર્મિક આચાર્યો છે. મોરારીબાપુની રામ-પારાયણ એવીને એવી તરોતાજી છે. લાખ્ખો લોકો તેમને સાંભળવા આવે છે. નરસિંહ મહેતાથી માંડીને તુલસીદાસ સુધીનાં નિમિત્તો સાથે મોરારીબાપુ સામાજિક ચૈતન્યનું સંક્રમણ કરે છે એવું જ રમેશભાઈ ઓઝાનું પરિભ્રમણ છે. વિદ્યા અને સમાજ, સંસ્કૃતિ અને ધર્મ - તેમના મુખ્ય વિષયો રહ્યા છે. કથા-સત્સંગ માટે જાણીતાં કનકેશ્વરી દેવીને હમણાં ઉજ્જેનના વિશાળ કુંભમેળામાં વિશેષ બિરુદ અપાયું. સત્યમિત્રાનંદ ગિરિ અને અવધેશાનંદજી - બે મોટા વિદ્વતનામો છે.
હમણાં અમદાવાદ આવેલા એલ. કે. અડવાણી સાથે વાતો કરવાનું થયું ત્યારે તેમણે અવધેશાનંદજીને વિશેષ રીતે યાદ કર્યા હતા. શ્રી શ્રી રવિશંકરજીની પ્રવૃત્તિ ગુજરાતમાં વિકસિત થઈ છે. વૈષ્ણવ, જૈન અને સ્વામીનારાયણ આચાર્યો પણ મોટા સમુદાયોને ઉદ્બોધન કરતા રહ્યા છે. જોકે એક વધુ ‘લઘુમતી’ તરીકે જૈનોની થયેલી જાહેરાતની સામે ઓછા જૈનાચાર્યો બોલ્યા તે ય ખરું! લઘુમતી-બહુમતી એ ઇશ્વરીય આરાધનામાં જરૂરી ખરું? આનો જવાબ આપવામાં ધાર્મિક નેતાઓએ આગળ આવવું જોઈએ. સ્વામીનારાયણ સંપ્રદાયમાં અધિક સક્રિય માધવપ્રિયદાસજી છે. હમણાં તેઓ લંડનના પ્રવાસે છે.
હા, આસારામ માટે આજકાલ એક વ્યક્તિ જાહેરમાં તેમની તરફેણમાં બોલે છે તે ડી. જી. વણઝારા! હમણાં વડોદરામાં તેમનો સન્માન સમારંભ થયો તેના પ્રમુખસ્થાને ગુણવંત શાહ હાજર રહ્યા હતા!