એક ઘટના, બીજી દુર્ઘટના!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Monday 22nd June 2020 08:28 EDT
 
 

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ગુજરાતનાં આંગણે એવી બે ઘટનાઓએ લોકોમાં ક્રિયા-પ્રતિક્રિયા સર્જી છે કે તેની નોંધ લેવી જ પડે.

રાજ્યસભાની ચૂંટણી આમ તો હેમખેમ પસાર થઈ ગઈ છે. ભાજપે તેના ત્રણે ઉમેદવારોને યશસ્વી જીત અપાવી. એમ કરવા માટે રણનીતિ જરૂર થઈ પણ હવે તો સર્વત્ર દેખાય છે. કર્ણાટકમાં દેવે ગૌડાને પુનઃ રાજ્યસભા માટે પસંદ કરવાની પાછળ ચોક્કસ કેટલાક સંકેતો છે તો મધ્ય પ્રદેશમાં કોંગ્રેસમાંથી છૂટા પડેલા સિંધિયા ભાજપના રાજ્યસભા ઉમેદવાર તરીકે જીત્યા તે એકલા મધ્ય પ્રદેશ જ નહીં, સમગ્ર દેશના રાજકારણને અસર કરે તેવી ઘટના છે.

ગુજરાતમાં ભાજપના ત્રણ જીત્યા. અભય ભારદ્વાજ વકીલ છે, રાજકોટવાસી છે, જનસંઘ સમયથી કાર્યકર્તા અને લો કમિશનના સદસ્ય. તેમને મળ્યા પછી અદ્દલ ચીમનભાઈ શુક્લની યાદ તાજી થાય! નરહરિ અમીન આંદોલનોમાંથી ઘડાયેલા નેતા છે. કોઈ વાર ચીમનભાઈ પટેલની સાથે કામ કરી ચૂક્યા છે. રમીલાબહેન બારા આદિવાસી મહિલા, મૂળ સરકારી ઓફિસર હતાં. સામે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને પસંદ કર્યા. પહેલાં તો મોવડીમંડળે રાજીવ શુક્લને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી અને ભડકો થયો એટલે નામ પાછું ખેંચી લીધું પણ ‘પ્રથમ ક્રમ’ના મતનો સવાલ હતો જ. ભરતસિંહ તેમાં નારાજ થયા. કોંગ્રેસની હતાશાને લીધે બંને ઉમેદવારો જીતે તેવી શક્યતાઓ રહી નહીં.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ એ ગુજરાતમાં વિચિત્ર નમૂનો છે. કોઈ સમયે પ્રફુલ્લ પટેલ પણ સક્રિય હતા. છબીલદાસ અને સનત મહેતા યે જોડાયા. પણ કાંઈ વળ્યું નહીં. છેલ્લે શંકરસિંહ વાઘેલાનો પ્રયોગ કર્યો. પણ આ પાર્ટી રાજકીય તિકડમબાજી સિવાય ખાસ કશું નિપજાવી શકી નથી. તેનો એક માત્ર ઉમેદવાર કાંધલ જાડેજા જીત્યો. સંતોકબેન જાડેજા પરિવારના કાંધલે પક્ષના વ્હીપની જ ઐસીતૈસી કરી! પક્ષે કોંગ્રેસનું સમર્થન કરવા જણાવ્યું હતું, કાંધલે ભાજપને મત આપ્યો. આદિવાસી નેતાઓ છોટું વસાવા અને તેના ભાઈ ધારાસભ્ય છે એક પક્ષ ચલાવે છે. અહમદ પટેલે કોશિશ કરી પણ આ બે ભાઈઓ મત આપવા જ ના આવ્યા અને ભરતસિંહ હારી ગયા.

મૂળમાં કોંગ્રેસ નીચેથી ઉપર આંતરિક સૂબાગીરી અને ખેંચતાણની ઉધઈથી ગ્રસ્ત જૂનુંપુરાણું ઝાડ બની ગઈ છે. ભવ્ય ભૂતકાળ એ માત્ર ભૂતકાળ બની ગયો. મોવડી મંડળ કે નિર્ણાયક નેતાગીરી - બંને હાસ્યાસ્પદ ભૂમિકાએ પહોંચી ગયા છે. કોણ કોનું માને? ‘અપની ડફલી અપના રાગ’ જેવી હાલત છે. કોંગ્રેસ ૧૮૮૫માં જન્મી હતી, એલેની ઓક્ટેવિયન હ્યુમ તેનો સ્થાપક હતો. ૧૮૫૭ના વિપ્લવમાં બચી જવા તે ભાગી છૂટ્યો હતો. તેને લાગ્યું કે કોઈ એવું જૂથ બનાવવું જોઈએ, જે સરકારના સંપર્કમાં રહે અને ભવિષ્યે જનવિદ્રોહ ના થાય.

આ પક્ષે પછી તો ઘણા ધુરંધર નેતા આપ્યા. દાદાભાઈ નવરોજી, સી.આર. દાસ, લાલા લજપતરાય, મદન મોહન માલવિયા, બિપિન ચંદ્ર પાલ, રાજાજી, લોકમાન્ય ટિળક, ફિરોજ શાહ મહેતા, મોતીલાલ નેહરુ, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ, સરોજિની નાયડુ, સુભાષ ચંદ્ર બોઝ, બેરિસ્ટર મોહમ્મદ અલી જિન્નાહ, મૌલાના લિયાકત અલી, અને આઝાદી પછી ડો. રાજેન્દ્ર પ્રસાદ, જયપ્રકાશ નારાયણ, અચ્યુત પટવર્ધન, ગોવિંદવલ્લભ પંત, ડો. લોહિયા, આચાર્ય કૃપલાણી, પુરુષોત્તમદાસ ટંડન... આમાંના કેટલાકે પછીથી કોંગ્રેસ છોડી, કેટલાકને સભ્યપદેથી દૂર કરાયા.

આ નેતૃત્ત્વની સાથે ૨૦૨૦નું કોંગ્રેસનું નેતૃત્ત્વ સરખાવો! આપોઆપ અંદાજ આવી જશે કે પેલા ગીતમાં થોડો બદલ કરીને કહીએ ‘દેખ તેરે કોંગ્રેસ કી હાલત, કિતની બિગડ ગઈ ભગવાન!’

મુસીબત એ છે કે શું દિલ્હી કે શું ગુજરાત - બધે આવી હાલત છે. તે પક્ષમાં સમર્થ નેતા નથી એવું ન કહીએ તો પણ અત્યારે તો તેની હાલત ‘ખંડહર બતા રહા હૈ, ઇમારત કિતની બુલંદથી!’ શું આવા મહાન પક્ષના મુખ્ય કર્તાધર્તા તરીકે એક વિદેશી કુળના સભ્યને પસંદ કરવાનું તો આ કારણ નથીને? ચાલાક શરદ પવાર અને પૂર્વ સ્પીકર અને પૂર્ણો સંગમા આ વાત સમજી ગયા હતા, એ પૂર્વે યશવંતરાવ ચવ્હાણે પણ એવી કોશિશ કરી હતી. બાબુ જગજીવનરામ મેદાને પડ્યા હતા, પણ બધા કોંગ્રેસમાં બદલવા માટે નિષ્ફળ ગયા. કેમ? શરદ પવારને હવે એ જ સોનિયાજીના નેતૃત્વ હેઠળના પક્ષની સાથે ગઠબંધન કરતાં સંકોચ નથી!

આ ચૂંટણીઓ અને રાજકારણ બદલાતી ‘રાજકીય સંસ્કૃતિ (પોલિટીકલ કલ્ચર)નું મોટું ખેતર બની ગયાં છે.

બીજી ઘટના મોરારિ બાપુનાં વિધાનોની છે. તેની ચરમસીમા તો ત્યારે આવી કે દ્વારિકાધીશ સમક્ષ માફી માગવા બાપુ ગયા ત્યારે સ્થાનિક પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક તેમના તરફ ધસી આવ્યા તેવો વીડિયો પણ છે. જાણે, હમણાં બાપુ પર હૂમલો કરી બેસશે એવું દૃશ્ય! સાંસદ પૂનમ માડમ અને બીજા આહિર આગેવાનોએ પબુભાને રોક્યા.

પછીથી પબુભાએ ખુલાસો તો કર્યો કે હું તો તેમને એક સવાલ કરવા ગયો હતો, હૂમલો કરવા માટે નહીં, પણ ‘બુન્દ સે બિગડી હૌજ સે નહીં આતી’. આ પબુભા દરેક પક્ષોમાં આંટો મારી આવ્યા છે. લોકપ્રિય છે. અનેકોને મદદ કરે છે. ઘણી સંસ્થાઓમાં દાન આપે છે. પબુભાના પૂર્વજ વાઘેર - માણેકો તો પોતાને દ્વારિકાધીશના ચોકીદાર ગણીને યુદ્ધ કર્યા હતાં. ૧૮૫૭નો સૌથી રક્તરંજિત અધ્યાય ઓખા-દ્વારિકાના વાઘેરોનો છે. તેમાં મૂળુ અને જોધા માણેકનાં તો લોકગીતો આજે ય ઘણાંની જબાન પર છે. તો પછી પબુભાએ આવું શા માટે કર્યું હશે?

આના પડઘા ચોતરફ પડ્યા. ક્યાંક હડતાળ થઈ. સોશિયલ મીડિયામાં તો સામસામે તલવારો ખેંચાણી. બાપુભક્તોનાં મોટા નિવેદનો આવ્યાં તો સાધુ સમાજે હવે પબુભા માફી માગે તેવી માગણી કરી છે. મુખ્ય પ્રધાને તો હૂમલાને વખોડતું નિવેદન કર્યું અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તલગાજરડા જઈને બાપુને મળી આવ્યા.

આમાં ક્યાંક ‘તલનો તાડ’ બન્યા જેવું લાગે છે. બાપુ પોતાની કથામાં રામકથા કરતાં વધારે સામાજિક જીવનની ચર્ચા કરે છે. તેમાં ફિલ્મી ગીતો આવે, કવાલી આવે, બંદગી આવે, પ્રાર્થના અને ભજનો યે હોય. ઉત્તર કાશીમાં છેલ્લા દિવસે ખ્યાત શાસ્ત્રીય સંગીતકાર કૌશિકી ચક્રવર્તીનું કલાસિકલ ગાન થયું તે આ લેખકે સાંભળ્યું હતું. બાપુ સાહિત્યપ્રેમી કથાકાર છે. ગુજરાતના મોટા ભાગના સાહિત્યકારો અને લોકસાહિત્યકારોને તેઓ પ્રોત્સાહન આપે છે, પીઠ થાબડે છે. ક્યારેક વળી સાધુસંતો પણ તેમની કથામાં દેખાય છે.

તેમની કથા-વાર્તામાં વિવિધતા છે. ક્યાંક જનમનરંજન પણ આવે. અભ્યાસપૂર્વક બોલે ત્યારે સફળ વિચાર-વહનનો અંદાજ આવે. આમ જ ક્યાંક કૃષ્ણના અંતિમ જીવનની કરુણ નિયતિની વાત કરી હશે અને વળી ક્યાંક અલ્લા-મૌલાની બંદગીનો સ્વર વહેવડાવ્યો હશે તેમાં ચણભણ શરૂ થઈ. આમેય નાગરિક સંશોધન વિધેયક, રામમંદિર, કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ની નાબૂદી, ત્રણ તલાક નિષેધ અને શાહીન બાગની ઘટનાઓથી ઉત્તાપ વધી રહ્યો હતો. જેહાદ અને આતંકવાદથી સામાન્ય પ્રજામાં ગુસ્સો તો છે જ. આ બધું આડકતરી રીતે બાપુની કથાનાં વિધાનોનો વિરોધ કરવાનું નિમિત્ત બની ગયું. ભક્તો અને સાધુ સમાજમાં પણ સ્થાપિત હીતો હોય છે, તેમને મોકો મળી ગયો.

સારું થયું કે બાપુએ માફી માગી લીધી; હવે પરિસ્થિતિ થાળે પડી જશે. કેટલાક ડાબેરીઓ આસારામ સહિત બધાને એક પંગતમાં બેસાડીને તેમના ધિક્કારનો માહૌલ પેદા કરવા માગે છે. તેમનો મૂળ ઈરાદો તાર્કિક ચર્ચા નથી, માત્ર સમાજમાં વિભાજન થાય એવો હેતુ છે. સામ્યવાદી આંદોલનોનાં મૂળમાં આ વ્યૂહરચના હોય છે અને તેનો ઉપયોગ અરુંધતી રોય, રોમિલા થાપર, શશી થરુર, રામચંદ્ર ગુહા સહિત ઘણા ‘વિદ્વાનો’ કરે છે. ગુહાએ તાજેતરમાં જ બંગાળ અને ગુજરાતને સામસામા મૂકવાનો પ્રયાસ કર્યો હતો.

પણ ગુજરાત સમાજદાર છે. તે એક સીમા સુધી તો આક્રોશનું નિરીક્ષણ કરે છે, પછી તેને સમાપ્ત કરી નાખે છે. બાપુની તરફેણમાં કેટલાક નકલી આંસુ વહાવતી બિરદાવલી ગાઈ છે, કેટલાકને ખરેખર દુઃખ અને આઘાત થયાં છે. સામે પક્ષે સ્થાપિત હિતોનો ખેલ પણ છે. આ સ્થિતિને નિવારવાનું કામ થઈ રહ્યું છે.


comments powered by Disqus