ઇશરતબાનુ હતી તો મુંબઈ-મહારાષ્ટ્રની. આજકાલ આઇએસઆઇ - ખિલાફત રાજ્ય સ્થાપવાના - બગદાદી ઢંઢેરામાં સામેલ થવા માટે ભારતના કેટલાક યુવકો ઇચ્છા ધરાવે છે, કેટલાક સીરિયા અને બીજે પહોંચ્યા પણ ખરા. શું એ જ રીતે ઇશરતે લશ્કર-એ-તૈઇબાની કાર્યકર્તા - સ્યુસાઇડ બોમ્બર - બનવાનું સ્વીકાર્યું હશે?
આ મૂળ સવાલના આધારે આજકાલની ઇશરત-કેન્દ્રી ઘટનાઓને ઊંડાણથી તપાસવા જેવી છે.
ચર્ચા અવળા રસ્તે
એ તો તદ્દન દેખીતું છે કે ઇશરત કોણ હતી, તેના ઈરાદાઓ શું હતા તે મામલે કોઈ ચર્ચા નથી થતી, પણ ગુજરાતમાં તેનું ‘નકલી એન્કાઉન્ટર’ થયું તેની ઊગ્ર દલીલો સંસદ, મીડિયા, કોર્ટ અને ‘સીટ’-સીબીઆઈના નવાજૂના અફસરો તેમજ પોલીસ અધિકારીઓમાં થવા માંડી છે. કારણોનું કારણ પહેલી એફિડેવિટ અને તેમાં થયેલા ફેરફારોનું છે. રેલો તત્કાલીન પ્રધાન પી. ચિદમ્બરમ્ સુધી જાય છે. ‘બાહોશ વકીલ’ તરીકે જાણીતા પી. ચિદમ્બરમે એફિડેવિટને બદલાવી નાખ્યાના આરોપો કરનારા આ તપાસની સાથે સંડોવાયેલા અધિકારીઓ છે. એક પછી એક તેમનાં નિવેદનો આવવા લાગ્યાં છે. અચાનક, બંધ કબાટો ખૂલ્યા અને તેમાંથી હાડપિંજરો બહાર દેખાવા માંડ્યા! એક જ એન્કાઉન્ટરમાં આવું-આટલું ભેદભરમનું રાજકારણ રમાયું હોય તો બીજાં ચારસોથી વધુ એન્કાઉન્ટરોમાં ન જાણે શું થયું હશે એ ચર્ચાનો મુદ્દો છે.
‘કેટલાક’નો કસબ
સ્પષ્ટપણે સીનારિયો અદ્ભૂત છે. એક તરફ (કેટલાક) વકીલો, (કેટલાક) અફસરો, માનવાધિકારવાદના પોતાને મસીહા માનીને ચાલનારા (કેટલાક) બુદ્ધિજીવીઓ (જેમાંનો ઘણો મોટો ભાગ જેએનયુના અધ્યાપકોનો છે.) અને ૧૯૪૭થી જ જે વિચારધારા સ્મારકમાં બદલાઈ ગઈ તે સામ્યવાદ સહિતની ડાબેરી છાવણીઓ તેમજ ભાજપ - સંઘ - મોદીના ‘કાયમી’ આલોચકો આમાં મુખ્ય છે. પછી તેમાં કોંગ્રેસ અને બીજા કેટલાક પક્ષો કેમ ન ઝૂકાવે?
બીજી તરફ સ્વાભાવિક રીતે ભાજપ-એનડીએ સરકાર છે, અને એક મોટો વર્ગ - જેને ભારત પ્રત્યેના રાષ્ટ્રવાદનો યોજનાબદ્ધ ખાતમો થઈ રહ્યો છે તેની ચિંતા છે તેવો - વર્ગ છે. સામાન્ય અને મધ્યમ વર્ગમાંથી તેઓ આવે છે. તેમને નવાઈ અને આઘાત એ વાતનો છે કે ચિદમ્બરમ્ અને જેએનયુનો કનૈયો - બન્ને એક સ્તરે અફઝલ ગુરુ વિશે તરફેણ કેમ કરી શકતા હશે?
હટિંગ્ટન યાદ આવે છે
મામલો પેચીદો છે, પણ સમજવાની કોશિશ કરવામાં આવે તો સમજી શકાય તેમ છે. ભારતીય નાગરિક, તેનો ધાર્મિકતા પ્રત્યેનો લગાવ, તેની સંસ્કૃતિ અને પરંપરાથી અલગ ‘પ્રગતિશીલ’ ગણાવા માટેની જે બૌદ્ધિક દોટ શરૂ થઈ છે તેને અત્યારે અસહનીય પરિસ્થિતિ જીરવવી મુશ્કેલ થઈ છે. વિજય તેંડુલકર, ગિરીશ કર્નાડ, અનંતમૂર્તિ, રોમિલા થાપર અને જેએનયુની નારાબાજીને ‘યોગ્ય’ ઠેરવવા મથતા કેટલાક અધ્યાપકો તેમ જ એનજીઓનાં નામો આમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. ટીવી પર જુઓ તો ત્યાં પણ ચહેરો જોઈને તમે કહી શકો કે આ ઘવાયેલા પંખી જેવા ‘બૌદ્ધિકો’ છે. તેઓ રોજબરોજ નિવેદનો કરે છે. દુનિયાભરનું ડહાપણ ઠાલવે છે. આવા એક અધ્યાપકે સઇદ જેવા ‘વિદ્યાર્થી’ને ‘માય સન’ કહીને લેખ ઘસડી કાઢ્યો. બીજી એક મહિલાએ તેને અત્યંત બુદ્ધિવાન વિદ્યાર્થી તરીકે વખાણ્યો. કનૈયાને જાણે કે ભારતના નવા પરિવર્તન માટેનો યુવા સૂત્રધાર હોય તેવું ગણાવનારાઓની યે ખોટ નથી. ડાબેરીઓ તો ચૂંટણીપ્રચારમાં તેનો ઉપયોગ કરવા માગે છે. કેજરીવાલ અને રાહુલ ગાંધીના અભિપ્રાય પ્રમાણે ‘યુવાશક્તિને પરેશાન કરવામાં આવી રહી છે.’
સેક્યુલર રોલ મોડેલ?
ગુજરાતમાં થોડાક જ મહિના પહેલાં ઇશરતબાનુ જેવી ‘નિર્દોષ’ને મારી નાખવાની ઘટના પર આંસુનો દરિયો વહેતો કરનારા ‘બૌદ્ધિકો’નું એક નિવેદન આવ્યું હતું. તિસ્તા સેતલવડને સંઘર્ષનું સેકયુલર રોલ મોડેલ ગણાવતાં વિધાનો યે થયાં હતાં, હવે એ જ લોકો (કેટલાક તો સમસ્યાને ઊંડાણથી તપાસ્યા વિના સહી કરી હોય તેવા પણ છે)એ જેએનયુમાં કનૈયાની તરફેણ કરતું નિવેદન પણ ફટકાર્યું છે.
તમે એમ ન માનશો કે વાત આટલેથી અટકી ગઈ છે. સ્નાતક - અનુસ્નાતકના કેટલાક બોલકા વિષયો ભણાવવામાં આવા અધ્યાપકોની યે એક છાવણી છે, અને તે વિશે કોઈ કુલપતિ કે શિક્ષણ વિભાગે પગલાં લીધાં હોય તેવું જાણમાં નથી.
આનો એક અર્થ એ થાય કે ઇશરતના મુદ્દે અદાલત, ‘સીટ’, સરકાર, પોલીસતંત્ર, આરોપી અને અફસરોનું ધમાસાણ જામ્યું છે. તેનાથી ઉપરવટ જઈને રાષ્ટ્રીયસ્તરે અલગાવવાદની આંધી માટેના પ્રયાસો થઈ રહ્યા છે તે કોઈ જોતું નથી. એવોર્ડવાપસી, અખલક ખાન, ગૌમાંસ, કાશ્મીરની આઝાદી, ઇશાન ભારતમાં લશ્કર, એએફએસપીએ, અકાદમીઓની ‘સ્વાયત્તતા’, અફઝલ ગુરુની ‘અયોગ્ય’ ફાંસી, મુઝફ્ફરનગરના રમખાણો, દલિત યુવકની આત્મહત્યા... આ બધાંની ભેળસેળ કરીને આ મુદ્દાઓ એક પછી એક એવી રીતે ચગાવવામાં આવ્યા છે કે જાણે દેશ પર ઝનૂની, દલિત-વિરોધી, લઘુમતિ-વિરોધી, અસહિષ્ણુ, હિન્દુવાદીઓની ઘોર તાનાશાહીનું સામ્રાજ્ય સ્થાપિત થઈ ગયું હોય! રોમિલા થાપરથી માંડીને કેટલાક ‘વિદ્વાનો’નાં તો પુસ્તક-પુસ્તિકાઓ પણ આવ્યાં છે જેએનયુના વિદ્યાર્થીઓ માટે તે ‘ક્રાંતિનાં બાઈબલ’ ગણાવાઈ રહ્યાં છે.
મુદ્દો આ છે. ‘ઇન્ડિયનનેસ’ અને ‘ભારતીયતા’ને જુદા જુદા સ્તરે, એક યા બીજા સ્વાંગમાં, દલીલો સાથે નષ્ટ કરવાનો ઇરાદો ક્યાંક નેપથ્યે સક્રિય થઈ ગયો હોય અને અરાજકતા ફેલાવીને ધાર્યું કરવા તરફ જવાની શતરંજ બિછાવાઈ હોય એવું ઘણાંને લાગી રહ્યું છે અને ઘણાને તેવું નથી લાગતું એય ખરું!