અમિત શાહ વિશે પુસ્તક લખવું સહેલું છે અને અઘરું પણ છે. તે વર્તમાન રાજકારણમાં ચૂંટણી અને સંગઠન માટેના કુશળ પરિણામકારી નેતા તરીકે સ્વીકૃતિ પામ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષ પ્રમુખ અમિત શાહની જોડીએ જે રાજકીય ચમત્કારો સર્જ્યા છે તેની કહાણી રસપ્રદ જ હોય. અનિર્બાન ગાંગુલી અને શિવાનંદ દ્વિવેદી, બન્નેએ આ સમકાલીન નેતા વિશે ઘણી બધી વિગતો એકત્રિત કરીને, ભારતીય જનતા પક્ષના પરિપ્રેક્ષમાં તેનું બયાન કર્યું છે, તેમાં તથ્યોની ભૂમિકા છે અને વિશ્લેષણનો પ્રયાસ પણ છે.
એ તો વાસ્તવિક સત્ય છે કે સમકાલીનો વિશે લખવું ઘણું અઘરું છે. તમે તેમને જે રીતે જાણતા હો, દૂરથી કે નજીકથી, તો પક્ષપાત અથવા પૂર્વગ્રહઃ બન્ને ચૂપચાપ તેમાં પ્રવેશી જાય છે. તેનાથી લેખક, પુસ્તક કે પુસ્તકના ચરિત્ર નાયકને તો કોઈ નુકસાન થતું નથી, પણ ચરિત્ર-ઇતિહાસમાં ભવિષ્યની પેઢીને જે મૂલ્યાંકન જોઈતું હોય તે મળતું નથી.
અમિત શાહ વિશેનાં આ પુસ્તકમાં તેમની ભાજપ સાથેની યાત્રાને જોડી દીધી તેથી વિશ્લેષણ સ્વાભાવિક બન્યું છે. અમદાવાદમાં, ૨૦૧૯ના ચૂંટણી વિજય પછી તેમણે કહ્યું હતું કે ભાજપ વિનાનો અમિત શાહ શૂન્ય છે. આનો ઊંડો અર્થ છે. મનુષ્યનાં સાર્વજનિક જીવનમાં એક કટિબદ્ધતા અને બીજી પ્રતિબદ્ધતા એ સૌથી મહત્ત્વનાં છે.
તરુણ વયે મહેસાણા લોકસભા મતવિસ્તારમાં સરદાર–પુત્રી મણિબહેનના પ્રચાર્થે હોર્ડિંગ્સ – માટેની મથામણ કરનાર અમિત સા-વ કૂતુહલ કે મુગ્ધતાથી તો રાજકારણમાં નહીં આવ્યા હોય. ૧૯૭૫-૭૬ની કારમી કટોકટી અને સેન્સરશિપ સમયે તેની વય એટલી તો હતી કે લોકતંત્રમાં કોને સારું કહેવાય, કોને ખરાબ! તેમના પરિવારમાં અરવિંદ ઘોષ અને આચાર્ય કૃપલાણી પણ મુલાકાતે આવ્યાનું મહત્ત્વ આ પરિપ્રેક્ષમાં સમજવા જેવું છે.
યોગાનુયોગ, ૧૯૫૨થી ભારતીય જનસંઘ અને પછી જનતા પક્ષમાં રાષ્ટ્રીય સ્તરે રેખાંકિત થયેલા પક્ષનું મુંબઈનાં અધિવેશનમાં ભારતીય જનતા પક્ષ તરીકે રૂપાંતરિત થવું અને અમિત શાહનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાવું - આ બન્ને ઘટના લગભગ એક સમયે બની એવું લેખકો નોંધે છે. આનો અર્થ એ થયો કે ભાજપના જન્મકાળથી આજ સુધીનો અમિત શાહનો વિકાસક્રમ રહ્યો છે જે આગામી દિવસોમાં વધુ નિશાન સાધશે.
બેશક, અમિત શાહ વિશે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સ્વાભાવિક છે. સામાન્ય કાર્યકર્તાથી રાષ્ટ્રીય પ્રમુખ અને ગૃહપ્રધાન સુધીનાં શિખરનું આરોહણ આ ‘ગુજરાતી’ રાજકીય નેતાના સતત પ્રવાસ, અભ્યાસ, વ્યૂહનીતિ અને પ્રતિબદ્ધતાનું પરિણામ છે. શાહબુદ્દીન એન્કાઉન્ટરથી તેમના પરના લાંછનના કાનૂન નિમિત્ત બનાવીને પ્રયોગો થયા. જેલ અને હદપારી ભોગવી ચૂકેલી આ વ્યક્તિનો પિંડ જરૂર લોખંડી હોવો જોઈએ. એવું તો તેમના દુશ્મન (અને તેની સંખ્યા ઓછી નથી) પણ માનતા થયા છે.
આટલા વર્ષોમાં તેમણે ઘણી બાબતોને એક નિશ્ચિત ક્રમ આપ્યો છે. વિભાજનવાદી પરિબળો અને કથિત ડાબેરીઓ સામેનો રોષ અને વ્યૂહનીતિ બન્ને લાંબા સમયથી છે. પક્ષનાં સંગઠન અને બૂથ આયોજનના મહત્ત્વના કાર્યક્રમનો આરંભ તેમણે ‘આમાર બાડી, તોમાર બાડી, નકસલબાડી’થી જાણીતાં સ્થાનથી કર્યો હતો. પશ્ચિમ બંગાળમાં જેમ તૃણમૂલ તે જ રીતે ડાબેરી પરિબળો પણ નજરમાં છે એટલે લોકસભા-૨૦૧૪ની ચૂંટણીમાં બંગાળ મહત્ત્વનું બની રહ્યું. સીધી વાત એ છે કે ડાબેરીઓ અને કોંગ્રેસઃ બને ત્યાં હવે મજબૂત રહ્યાં નથી, તૃણમૂલ વિરુદ્ધ ભાજપનો જંગ જારી છે.
કેરળમાં કોંગ્રેસે રાહુલ ગાંધીને ઉમેદવાર ન બનાવ્યા હોત તો અમેઠીમાં પરાજિત થયેલા કોંગ્રેસ પ્રમુખ તરીકે સ્થાપિત થયા હોત. કેરળમાં છેક ઇ.એમ.એસ. નામ્બુદ્રીપાદના સમયથી ડાબેરી - સીપીએમનો દબદબો છે. એક સમયે તો એવું સૂત્ર પ્રચલિત હતું કે નેહરુ કે બાદ નામ્બુદ્રીપાદ! આ પછી મોરચા રચાયા - એલડીએફ અને કોંગ્રેસનો મોરચો. ૧૯૬૭માં જનસંઘનું રાષ્ટ્રીય અધિવેશન અહીં થયું હતું, પંડિત દીનદયાળ ઉપાધ્યાયને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. સંઘ – જનસંઘ – ભાજપને માટે રાષ્ટ્ર બહારની વફાદારીનો પહેલેથી વિરોધ છે. સામ્યવાદીઓના તો મૂળ જ ચીન-રશિયામાં પડ્યાં છે. દેશબાહ્ય માનસિકતાની સામે પ્રબળ વિરોધ કરે તેવી શક્તિ કોંગ્રેસમાં નથી, બલકે તેમાં ભળીને તો કેટલાક સામ્યવાદીઓ છેક રાષ્ટ્રીયસ્તરે મંત્રી બન્યા હતા. ભાજપ આ રાષ્ટ્રની રાષ્ટ્રીયતા અને સંસ્કૃતિનાં મૂળિયાં સાથે ‘સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ’નું ધ્વજારોપણ કરવાનું ‘અવતારકાર્ય’ સિદ્ધ કરી શકે તેમ છે.
અમિત શાહ આને માટે ચોતરફ પ્રયત્નશીલ છે. તેમાંનું એક ઉદાહરણ દુનિયાભરમાં સૌથી અધિક સદસ્ય ધરાવતા પક્ષ તરીકે ભાજપનું અસ્તિત્વ! આમ તો ચીનનો સામ્યવાદી પક્ષ પ્રથમ ક્રમે હતો, હવે ભાજપ છે. તેના પડકારો ઓછા નથી. વૈચારિક રીતે જો આ પરિણામને આગળ ધપાવી શકાતું હોય તો તેનું ઐતિહાસિક મૂલ્ય હશે.
૨૦૧૯નું વર્ષ અમિત શાહને અને તેની રાજકીય સફરને સમજવા માટે તત્પર હોય તે સ્વાભાવિક છે. ગુજરાતે રાષ્ટ્રીય સ્તરનાં નેતૃત્વની પૂર્તિ વર્ષોથી કરી છે. ગાંધીજી અહિંસા - અસહકાર અને પંડિત શ્યામજી કૃષ્ણવર્માનો સ-શસ્ત્ર સ્વાતંત્ર્ય જંગ છેક વિદેશની ધરતી પર – એ બે મહત્ત્વની ભૂમિકામાં ગુજરાત અગ્રેસર રહ્યું. બારડોલી - સત્યાગ્રહ અને દાંડીકૂચના ઐતિહાસિક પ્રયોગો ગુજરાતમાં થયા અને દેશને ‘સરદાર’ મળ્યા. આઝાદ હિન્દ ફોજ માટેના અડીખમ વકીલ ભૂલાભાઈ દેસાઈ, શ્રેષ્ઠ સંસદીય પ્રણાલિકાના અગ્રેસર વિઠ્ઠલભાઈ પટેલ પણ ગુજરાતી. સ્વતંત્રતા પછી મોરારજીભાઈ કોંગ્રેસના આંતરકલહને લીધે વડા પ્રધાન ન બન્યા પણ ૧૯૭૭ની ચૂંટણીમાં જનતા પક્ષના નેતા તરીકે પ્રથમ ગુજરાતી વડા પ્રધાન બન્યા. એચ. એમ. પટેલ, મણિબહેન પટેલ, પીલુ મોદી, વીરેન શાહ, ઢેબરભાઈની એક પરંપરા રહી તો ‘નેહરુ ચાચા’ની સામે ગુજરાત-આંદોલને ‘ઇન્દુચાચા’ સર્જ્યા હતા! અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા તેનું ગૌરવ ગુજરાતને કેમ ન હોય? બેમાંથી એક બેઠક તેઓ અહીંથી લડ્યા હતા. અડવાણી પણ અહીંથી ચૂંટાયા અને ઉપ-વડા પ્રધાન બન્યા. યોગાનુયોગ એ જ બેઠક પર અમિત શાહ જીતે છે અને કેન્દ્રમાં વલ્લભભાઈ પટેલના અનુગામી તરીકે ગૃહ પ્રધાન બને છે! રાજકીય ઇતિહાસ, તું યે અનેક ચમત્કારો સર્જે છે!
ભારત વર્ષની સમગ્ર સાર્વજનિક પરિસ્થિતિ બદલાઈ રહી છે. અમુક અંશે તે નેહરુ-કાલીન, તો વળી લાલબહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધી અને અટલજીના સમયગાળાના અંશો કે લક્ષણો ધરાવે છે. ગાંધીજીનાં દોઢસોમા વર્ષની અને આઝાદીનાં ૭૫ વર્ષની સ્મૃતિઓ અગ્નિ હૃદયસ્થ કરીને સમગ્ર સમાજ, લોકતંત્ર અને રાષ્ટ્રભાવઃ ત્રણેનું સંગમતીર્થ બનાવવાના આ શ્રેષ્ઠ નિમિત્તો છે. આપણી સક્રિય શુભેચ્છાઓ તેમની સાથે છે.