આ સપ્તાહ ‘એક વર્ષ’ની દાસ્તાનનું છે! ગુજરાત અને દેશ - બન્ને માટે. ગુજરાતમાં આમાં કેન્દ્રમાં છે એટલા માટે કે ૨૦૧૪માં તેમણે પોતાના મુખ્ય પ્રધાનને વડા પ્રધાન પદે પહોંચાડ્યા છે. આનો ‘હરખ’ થવો સાવ સ્વાભાવિક છે. વડા પ્રધાન પદે મોરારજીભાઈ પછીના ગુજરાતી હવે સ્થાપિત થયા, તેનું એક વર્ષ વીતી ગયું!
એ પણ ‘એક વર્ષ’ હતું!
મને તો ‘વર્ષ વીત્યા’નું એક સ્મરણગીત ૪૦ વર્ષ પહેલાંનું યાદ આવી ગયું! આખેઆખો વિરોધ પક્ષ જેલોમાં હતો, એક લાખ અટકાયતીઓ ૨૬ જૂન, ૧૯૭૫થી જુદી જુદી જેલોમાં હતા. નવા રાજકીય સમીકરણોનો કોઈ સંકેત નહોતો. સત્યાગ્રહો અને ભૂગર્ભ પ્રવૃત્તિ થતા હતાં, પણ તેની મુશ્કેલીઓ અધિક હતી, પરિણામ ઓછાં. મોટી જહેમત સરકારી પ્રચાર, ‘મીસા’, પ્રતિબંધો, જોરજુલમ, ડી.આઇ.આર. અને પ્રિ-સેન્સરશિપને લીધે અંધારપટમાં સંઘર્ષનું મનોબળ ટકાવી રાખવાની હતી. ભૂગર્ભમાં રહીને આ કામ આરએસએસના કાર્યકર્તા-નેતાઓ, નાનાજી દેશમુખ, નરેન્દ્રભાઈ મોદી વગેરે જનસંઘના આગેવાનો અને કેટલાક ન પકડાયેલાં સંસ્થા કોંગ્રેસ - સમાજવાદીઓ કરી રહ્યા હતા. બાકીના બધા જેલોમાં હતા, અને સંઘર્ષનાં પરિણામોની ખોજમાં હતા. બેંગલૂરુ કારાગારથી અટલ બિહારી વાજપેયીને નવી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ખસેડાયા તો ખરા, પણ તેમને મળવાની મનાઈ હતી! તે સમયે તેમણે કવિ-હૃદયનું સ્પંદિત ગીત લખ્યું, તેની પ્રથમ પંક્તિ હતી, ‘એક બરસ બીત ગયા!’
એ વર્ષ કારાગારના સળિયા પાછળ ભવિષ્ય વિનાના દિવસોનું હતું, આજે ૨૦૧૫માં શાસન કર્યાનું છે! ૩૦ વર્ષે મતદારે કોઈ એક જ રાજકીય પક્ષને સત્તા પર બેસાડ્યાની આ વીરલ ઘટના છે અને તેમાં વળી, ગુજરાતી બંદો વડા પ્રધાન! એટલે ગુજરાતમાં આ ઊજવણી બેવડા આનંદની બની ગઈ. રાજ્યને પોતાના મહિલા મુખ્ય પ્રધાન મળ્યાં તેમનું યે સત્તા પરનું રાજકીય વર્ષ પૂરું થયું છે.
૨૦૧૪નો નિર્ણાયક વળાંક
આમ ગણો તો બંધારણીય લોકશાહીની નજરે મતદાતા પ્રતિનિધિને - અને તેની બનેલી સરકારને - પૂરાં પાંચ વર્ષ શાસનના અધિકારની બક્ષીસ આપે છે. પણ ૨૦૧૪ની ચૂંટણી પાછલાં વર્ષોની ઘેરી નિરાશા અને કૌભાંડો પછીની હતી એટલે પ્રજાએ પોતાની ઇચ્છાને વ્યક્ત કરવા માટે કોંગ્રેસ - યુપીએને વિદાય કરી, ભાજપ - એનડીએને સત્તા પર બેસાડ્યાં.
પ્રજાના મૂળ સવાલો કંઈ વધારે સંખ્યામાં નથી. રોટી-કપડાં-મકાન, આ ત્રણ બાબતો તેને સંતોષ આપે છે. ૧૯૫૨ની ચૂંટણીથી જ ભારતમાં ખેતી, ખેડૂત, ખેતમજૂર, મધ્યમ વર્ગ, દલિત, આદિવાસી, મહિલા, મધ્યમ ઉદ્યોગો અને બજાર - આટલા પ્રશ્નોથી ઘેરાયેલો રહ્યો છે. ગુલામીનાં શાસનની તેમાં સૌથી મોટી જવાબદારી હતી. સ્વ-શાસન દરમિયાન આ પ્રશ્નો ઉકેલવા ભારે મથામણ અને અમલીકરણ કરવું તેનું નામ ‘રાજકીય ઇચ્છાશક્તિ’ છે. કમનસીબે તેના પર ધ્યાન આપવાને બદલે વોટબેન્ક, અનામતનું રાજકારણ, (માત્ર દલિત - આદિવાસીને બદલે વળી નવો ઓબીસી વર્ગ ઉમેરાયો). ભાષા, સંપ્રદાય અને નદી-પાણીના ઝઘડા તરફ વધુ નજર રાખવી પડી. સરહદો પર યુદ્ધ થયાં તેમાં ‘નબળો દેશ’ ગણવાની દુશ્મન દેશોની ગુસ્તાખી હતી તેનો સૌથી ખરાબ અનુભવ ૧૯૬૨નાં ચીની આક્રમણથી થયો. પરાજયની એ ભોંઠપ દર્શાવે છે કે હજુ ૪૦૦૦ માઇલનો આપણો પ્રદેશ ચીની નજર હેઠળ છે. ૧૯૬૨માં સંસદે ‘આપણો એક એક ઇંચ જમીનનો ટૂકડો પાછો મેળવીશું.’ એવો ઠરાવ સર્વાનુમતે કર્યો તેનેય ૫૩ વર્ષ વીતી ગયાં!
આલોચકોની છાવણી
આ પરિસ્થિતિની વચ્ચે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનીને સક્રિય થયા તેનું વર્ષ લેખાંજોખાં માટે રસપ્રદ બની ગયું છે. તેના વિશે લખનારાઓમાં કેટલાક શુભેચ્છકો છે, કેટલાક અનુયાયી છે, કેટલાક સારું થાય તે માટેની શુભેચ્છક આલોચના કરે છે. કેટલાક લખવા-કહેવા ખાતર લખે-કરે છે. કેટલાક એક વરસમાં કાંઈ જ નથી થયું, ખાલી તમાશો થયો છે એવું કહી રહ્યા છે. આ દિવસોમાં ભારત અને ગુજરાત સહિત જુદા જુદા પ્રદેશોના મીડિયામાં ચર્ચાનો ખડકલો જોવા મળશે.
એક સમયના ભાજપ-જનસંઘના કડવા ટીકાકાર અને કોંગ્રેસના ખાસ ઉમેદવાર એમ. જે. અકબર હમણાં અમદાવાદ આવ્યા અને ભાજપ સરકારનાં ભરપેટ વખાણ કર્યાં. રસપ્રદ વાત એ રહી કે ભાજપ પ્રવક્તાઓએ શું બોલવું જોઈએ તેવો વર્ગ પણ લીધો! હવે તેમને દીનદયાળ ઉપાધ્યાયના ‘એકાત્મ માનવવાદ’ અને બીજાં પુસ્તકો કોઈ નેતા આપે તો તે અભ્યાસી છે એટલે વાંચીને સરસ ઉપદેશ આપશે, એવું કેટલાકે કહ્યું છે અને ભાજપ - જનસંઘના પાયાના વિચારોને પૂરા સમજશે એમ પણ ઉમેર્યું.
નરેન્દ્ર મોદીની સૌથી તરફેણની બાબત - દિલ્હીમાં કેન્દ્ર સરકારના કોઈ પણ પ્રધાને ભ્રષ્ટતા આચરી નથી તે છે. સક્રિયતા આવી છે. આર્થિક તંત્ર મોટો પડકાર છે. વિદેશ નીતિના પ્રશ્નોનો ઉકેલ આવવા માંડ્યો છે. એશિયન શક્તિને સજ્જ કરવાના પ્રયાસો મહત્ત્વના છે, અને દેશને ખેતી વત્તા ઉદ્યોગમાં, એશિયાના શક્તિશાળી દેશ તરીકે ઊભો કરવો એ સૌથી મોટો પડકાર છે. આ વર્ષને તેની પ્રક્રિયાનો પ્રારંભ ગણવો રહ્યો.
આનંદીબહેનની સક્રિયતા
ગુજરાતમાં દસ-બાર વર્ષ મોદી શાસન રહ્યું. તે પહેલાં કેશુભાઈ - સુરેશ મહેતા ભાજપની સરકાર ચલાવતા. ૧૯૭૪થી જનસંઘે સત્તા પક્ષમાં ભાગીદાર થવાની શરૂઆત કરી હતી. હવે આનંદીબહેન મુખ્ય પ્રધાન છે.
થોડાક કડક લાગતાં બહેનની મહત્ત્વાકાંક્ષા ગુજરાતમાં મુખ્યત્વે મહિલાશક્તિને પ્રાધ્યાન્ય અપાય અને મધ્યમ - ગરીબ વર્ગની યોજનાઓ અમલમાં મુકાય તેવી છે. પ્રધાનોની ટીમ - એકાદબે અપવાદ બાદ કરતાં - સારી છે. કોંગ્રેસ વિપક્ષે છે, પણ મોટાં આંદોલનની ક્ષમતા ગુમાવી ચૂક્યો છે. આંતરિક ઝઘડા ચાલે છે. આ સ્થિતિમાં ગુજરાતમાં આનંદીબહેન સરકારનાં પ્રથમ વર્ષની છે, આગે આગે ગોરખ જાગે!